________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮ | સૂત્ર-૧ ભાવાર્થ -
સંસારી જીવો પોતાના અધ્યવસાયથી કર્મબંધ પ્રાપ્ત કરે છે. તે અધ્યવસાય મનોવ્યાપારકાળમાં વર્તતા જીવના ઉપયોગસ્વરૂપ છે. આ ઉપયોગ મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના વ્યાપારસ્વરૂપ છે, જે પાંચ બંધના હેતુઓ છે. તેથી જીવના ઉપયોગમાં વર્તતા મિથ્યાદર્શનાદિ પાંચ પરિણામોરૂપ પાંચ આશ્રવો કર્મબંધના હેતુઓ છે. (૧) મિથ્યાદર્શન -
મિથ્યાદર્શન એ સમ્યગ્દર્શનથી વિપરીત એવો જીવનો પરિણામ છે. તેથી એ પ્રાપ્ત થાય કે (૧) જે જીવોને સંસારનું વાસ્તવિક સ્વરૂપ જે પ્રકારે જીવની કદર્શનારૂપ છે તે પ્રકારે યથાર્થ દેખાતું ન હોય, (૨) જીવની કર્મરહિત અવસ્થા જે પ્રકારે જીવ માટે સુખકારી છે તે સ્વરૂપે યથાર્થ દેખાતી ન હોય અને (૩) જીવની કદર્શનારૂપ સંસારના ઉચ્છેદનો ઉપાય જિનવચન અનુસાર યથાર્થબોધ તથા તે બોધથી નિયંત્રિત ઉચિત પ્રવૃત્તિ છે તેનું સ્વરૂપ જેઓને યથાર્થ દેખાતું ન હોય, તેઓમાં સમ્યગ્દર્શનથી વિપરીત એવું મિથ્યાદર્શન છે. આથી જ સુખનો અર્થી જીવ સુખ માટે યત્ન કરીને દુઃખની જ પરંપરાની પ્રાપ્તિ કરે છે; કેમ કે પદાર્થનું સમ્યગુ દર્શન હોય તો જીવ જેમાં પોતાનું આલોકનું અને પરલોકનું હિત દેખાય ત્યાં જ પ્રવૃત્તિ કરીને અવશ્ય હિત સાધે છે; પરંતુ યથાર્થ દર્શનના અભાવના કારણે પોતાના હિતની અર્થી જીવ આલોકમાં અને પરલોકમાં પોતાનું અહિત સાધે છે, તે મિથ્યાદર્શન છે.
વળી તે મિથ્યાદર્શન બે પ્રકારનું છે : (૧) અભિગૃહતમિથ્યાદર્શન અને (૨) અનભિગૃહતમિથ્યાદર્શન. (i) અભિગૃહીત મિથ્યાદર્શન -
જેઓ મૂઢતાથી તત્ત્વાતત્ત્વનો વિભાગ કર્યા વગર તે તે દર્શનમાં રહેલા અદ્ભૂત અંશમાં રુચિ કરીને અસમ્યગ્દર્શનનો સ્વીકાર કરે છે અર્થાત્ મોક્ષના પ્રયોજનથી મોક્ષના ઉપાયોને કહેનારા તે તે દર્શનના કેટલાક અંશો સુંદર હોવા છતાં કેટલાક અંશો મોક્ષના અનુપાયભૂત કથનો કરીને મોક્ષના ઉપાયનો ભ્રમ પેદા કરાવે છે એવા અસમ્યગ્દર્શનમાં જેઓને રુચિ છે તેઓ અભિગૃહીત અસમ્યગ્દર્શનવાળા છે. આવા અસમ્યગ્દર્શન સ્વીકાર કરનારના ભેદો ૩૬૩ પાખંડીરૂપે પ્રાપ્ત થાય છે. તેઓના મતનો સ્વીકાર તે અભિગૃહીત મિથ્યાદર્શન છે. તે સર્વ પાખંડીઓમાં મોક્ષના પ્રયોજનથી ધર્મની પ્રવૃત્તિ કરનારા જેઓ હોય તેઓ અવશ્ય મોક્ષમાં જવાના, છતાં પણ સ્વ સ્વ દર્શન પ્રત્યે મૂઢતાથી અત્યંત રાગ હોય તો ધર્મની પ્રવૃત્તિ કરીને પણ સંસારના પરિભ્રમણને જ પ્રાપ્ત કરશે અને સંસારની અનેક કદર્થનાઓને પ્રાપ્ત કરશે. જ્યારે તેઓનો અતત્ત્વનો રાગ કંઈક મંદ થશે ત્યારે માર્ગને પામીને મોક્ષમાર્ગના આરાધક થશે. જેઓને મોક્ષમાર્ગ પ્રત્યે લેશ પણ રૂચિ નથી અને સ્વ સ્વ દર્શન પ્રત્યેના બદ્ધ રાગવાળા છે તેઓમાં અભિગૃહતમિથ્યાદર્શન છે અને તેઓ મોક્ષમાં જશે તેવો કોઈ નિયમ તેમના માટે નથી; કેમ કે મોક્ષને અભિમુખ લેશ પણ ભાવ તેઓમાં નથી.