________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ની પ્રસ્તાવના
અધ્યાય-૮
પૂર્વઅધ્યાયમાં આશ્રવનું સ્વરૂપ બતાવ્યું. હવે પ્રસ્તુત અધ્યાયમાં બંધને બતાવે છે. ત્યાં પ્રથમ બંધના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગો છે એ બતાવે છે, જેથી જીવ કયા અધ્યવસાયથી કર્મ બાંધે છે, તેનો બોધ થાય છે. મિથ્યાત્વ આદિ ભાવો જીવના પરિણામો છે, તેનાથી કર્મનો બંધ થાય છે. આ બંધ ચાર પ્રકારનો છે ઃ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. તેમાંથી પ્રકૃતિબંધ જ્ઞાનાવરણીયકર્મ આદિ આઠ કર્મસ્વરૂપ છે. જેના અવાંતર ભેદોનો બોધ પ્રસ્તુત આઠમા અધ્યાયમાં કરાવેલ છે, જેનાથી કર્મબંધના સ્વરૂપનો અને તેના અવાંતર ભેદોનો બોધ થાય છે.
વળી, તે કર્મપ્રકૃતિમાં મોહનીયકર્મની પ્રકૃતિ અંતર્ગત દર્શનમોહનીયકર્મ અને ચારિત્રમોહનીયકર્મોના ભેદોનું વિસ્તારથી સ્વરૂપ બતાવેલ છે, જેના કારણે કર્મબંધના કારણીભૂત તે મોહનીયની પ્રકૃતિઓ કઈ રીતે ઉદયમાં આવીને ક્લેશો ઉત્પન્ન કરે છે ફળરૂપે નવા કર્મો બંધાય છે અને સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે તેનો ખ્યાલ આવે છે. વળી, અન્ય કર્મો કઈ રીતે જીવને સંસારમાં વિડંબના કરે છે તેનો પણ માર્ગાનુસા૨ી બોધ પ્રસ્તુત અધ્યાયથી પ્રાપ્ત થાય છે.
આઠેય કર્મોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રસ્તુત અધ્યાયમાં વિસ્તારથી વર્ણન કર્યું છે જેથી જીવ કષાયોના ક્લેશથી કઈ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે ? અને કષાયોની મંદતાથી કઈ રીતે અલ્પ-અલ્પતર સ્થિતિ બાંધે છે ? તથા કષાય શૂન્ય થયેલા જીવો કર્મબંધથી વિરામ પામે છે તેનો માર્ગાનુસા૨ી બોધ પ્રાપ્ત થાય છે.
વળી, તે કર્મોની નિર્જરા કઈ રીતે થાય છે અને તે નિર્જરા કયા પ્રકારના અધ્યવસાયથી થાય છે તેનો પણ માર્ગાનુસા૨ી બોધ પ્રસ્તુત અધ્યાયમાં કરાવેલ છે. વળી, કઈ કર્મપ્રકૃતિઓ પુણ્ય આત્મક છે અને કઈ કર્મપ્રકૃતિઓ પાપ આત્મક છે તેનો પણ બોધ પ્રસ્તુત અધ્યાયમાં કરાવેલ છે.
અધ્યાય-૯
બંધનું વર્ણન કર્યા પછી સંવરનું સ્વરૂપ બતાવે છે. આશ્રવના નિરોધરૂપ સંવર છે. જીવ જ્યારે આશ્રવની પરિણતિવાળો હોય છે ત્યારે કર્મબંધ કરે છે અને જ્યારે તે આશ્રવની પરિણતિરૂપ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગને નિરોધ કરવા પ્રયત્ન કરે છે ત્યારે જે જે અંશથી જે જે આશ્રવનો