________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૪૧
અસ્તિત્વને ટકાવી રાખતો અનાદિકાળથી ચાલતો આવ્યો છે અને અનન્ત કાલ સુધી ચાલુ રહેશે.
(૫) આકાશદ્રવ્ય
સમસ્ત જીવ, અજીવ આદિ દ્રવ્યોને જે જગા આપે છે અર્થાત્ જેમાં આ બધાં સમસ્ત જીવ, પુદ્ગલ આદિ દ્રવ્યો યુગપત્ અવકાશ પામી રહે છે તે આકાશદ્રવ્ય છે. જો કે પુદ્ગલ આદિ દ્રવ્યો પણ પરસ્પર હીનાધિક રૂપમાં એક બીજાને અવકાશ દેતાં દેખાય છે, જેમ કે ટેબલ પર પુસ્તક યા ઘડામાં પાણી આદિ, તેમ છતાં સમસ્ત દ્રવ્યોને એક સાથે અવકાશ દેનાર તો આકાશ જ છે. આકાશને અનન્ત પ્રદેશો છે. તેના મધ્યભાગમાં ચૌદ રજ્જુ ઊંચો પુરુષાકાર લોક છે જેના કારણે આકાશ લોકાકાશ અને અલોકાકાશના રૂપમાં વિભાજિત થઈ જાય છે. લોકાકાશ અસંખ્યાત પ્રદેશોમાં છે, બાકી અનન્ત અલોક છે, જ્યાં કેવળ આકાશ જ આકાશ છે. આકાશ નિષ્ક્રિય છે અને રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને શબ્દાદિથી રહિત હોવાના કારણે અમૂર્તિક છે. અવકાશદાન જ તેનો એક અસાધારણ ગુણ છે, જેમ ધર્મદ્રવ્યનો ગુણ ગમનકારણત્વ છે અને અધર્મદ્રવ્યનો ગુણ સ્થિતિકારણત્વ છે. આકાશ સર્વવ્યાપક છે અને અખંડ છે.
દિશા સ્વતન્ત્ર દ્રવ્ય નથી
આ જ આકાશના પ્રદેશોમાં સૂર્યોદયની અપેક્ષાએ પૂર્વ, પશ્ચિમ આદિ દિશાઓની કલ્પના કરવામાં આવે છે. દિશા કોઈ સ્વતન્ત્ર દ્રવ્ય નથી. આકાશના પ્રદેશોની પંક્તિઓ બધી તરફ કાપડમાં તન્તુની જેમ શ્રેણીબદ્ધ છે. એક પરમાણુ જેટલા આકાશને રોકે છે તેને પ્રદેશ કહે છે. આ માપથી આકાશને અનન્ત પ્રદેશો છે. જો પૂર્વ, પશ્ચિમ આદિ વ્યવહાર થતો હોવાના કારણે દિશાને એક સ્વતન્ત્ર દ્રવ્ય માનવામાં આવે તો પૂર્વદેશ, પશ્ચિમદેશ, ઉત્તરદેશ આદિ વ્યવહારોના આધારે દેશદ્રવ્ય પણ સ્વતન્ત્ર માનવું પડે અને પછી તો પ્રાન્ત, જિલ્લો, તાલુકો આદિ ઘણા સ્વતન્ત્ર દ્રવ્યોની કલ્પના કરવી પડે.
શબ્દ આકાશનો ગુણ નથી
આકાશમાં શબ્દગુણની કલ્પનાને પણ આજના વૈજ્ઞાનિક પ્રયોગોએ અસત્ય સિદ્ધ કરી દીધી છે. આપણે પુદ્ગલદ્રવ્યના વર્ણનમાં શબ્દને પૌદ્ગલિક સિદ્ધ કરી દીધો છે. આ તો સીધી સાદી સ્પષ્ટ વાત છે કે જે શબ્દ પૌદ્ગલિક ઇન્દ્રિયોથી ગૃહીત