________________
પ્રકાશનની શુભપળે.....
જૈનશાસન જયવંતુ છે :
જૈનશાસન અનંતા તીર્થંકરોએ સંસારસાગરમાં વહેતું મૂકેલું જહાજ છે. એ જહાજને પામીને આજપર્યંત અનંતાનંત આત્માઓ સંસારસાગરથી પાર ઉતરી ગયા છે અને ભવિષ્યમાં પણ એના જ સહારે અનંતા આત્માઓ ભવસાગર તરી જવાના છે. એટલે જ ત્રણે કાળમાં ઉપકારક જૈનશાસન જયવંતુ છે.
જૈનશાસનનો જન્મ તા૨ક તીર્થંકરોની અનંત કરૂણામાંથી થયો છે. એ મોક્ષ માટેનો અંતિમ અને પૂર્ણ ઉપાય છે. કારણ કે, તા૨ક તીર્થંકરોએ વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટ્યા પછી જગતનું સાક્ષાત્ દર્શન કરીને જીવો માટે તારક અને મારક તત્ત્વોની વહેંચણી કરી આપી છે. જીવો માટે જે તા૨ક તત્ત્વો છે, તેને તારકરૂપે અને જે મા૨ક તત્ત્વો છે, તેને મારકરૂપે પ્રકાશિત કરીને તેઓએ જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. આત્મા ઉપર આધિપત્ય સ્થાપીને બેઠેલો મોહ નબળો પડે ત્યારે તેઓની કરૂણા સમજી શકાય છે.
ગ્રંથકાર મહર્ષિઓનો મહાન ઉપકાર ઃ
શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના શ્રીમુખે ત્રિપદીને પામીને શ્રીગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી હતી. તેમાં જગતના તમામ પદાર્થોનો સમાવેશ થાય છે. દ્વાદશાંગીના રહસ્યોને સમજાવવા માટે મહર્ષિઓએ તેના ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, અવચૂર્ણિ અને ટીકાઓની રચના કરી છે. આગમપંચાંગીના રહસ્યોને સરળતાથી સમજાવવા માટે (તે પછીના) મહર્ષિઓએ અનેક પ્રકરણ ગ્રંથોની રચના કરી છે. આપણા સૌનું સદ્ભાગ્ય છે કે, આપણને અગાધ જ્ઞાનરાશી પ્રાપ્ત થઈ છે.