________________
(૧) તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) તત્ત્વાર્થાધિગમસૂત્રનું ભાષ્ય (૩) પ્રશમરતિ (૪) જંબૂદ્વીપસમાપ્રકરણ (૫) પૂજાપ્રકરણ (૬) શ્રાવકપ્રજ્ઞપ્તિ (૭) ક્ષેત્રવિચાર
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર અને તેનું ભાષ્ય તેમણે કુસુમપુરમાં એટલે કે પાટલીપુત્રનગરમાં રચેલું. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં થયેલા. દિગંબર સંપ્રદાયવાળા તેમને દિગંબર સંપ્રદાયના માને છે. પણ શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના અનેક સૂત્રો અને તેમની ટીકાઓ પરથી તેમની માન્યતા ખોટી હોવાનું સિદ્ધ થાય છે.
કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે સિદ્ધહેમશબ્દાનુશાસનમાં શ્રીઉમાસ્વાતિવાચકજીની પ્રશંસા કરતાં કહ્યું છે, “સંગ્રહ કરનારાઓમાં શ્રીઉમાસ્વાતિવાચક સૌથી શ્રેષ્ઠ છે.” આનું કારણ એ છે કે શ્રીઉમાસ્વાતિવાચકજીએ શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રમાં સંક્ષેપમાં ઘણા બધા પદાર્થોનો સંગ્રહ કર્યો છે.
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રમાં ગ્રન્થકારે દશ અધ્યાયોમાં કુલ ૩૪૪ સૂત્રો રચ્યા છે.
પહેલા અધ્યાયમાં ૩૫ સૂત્રો છે. તેમાં મોક્ષમાર્ગ, સમ્યગ્દર્શન, સાત તત્ત્વો, નિક્ષેપો, અનુયોગદ્વારો, સમ્યજ્ઞાન , નય વગેરે વિષયોનું સ્વરૂપ બતાવ્યું છે.
બીજા અધ્યાયમાં ૫૧ સૂત્રો છે. તેમાં જીવતત્ત્વ, પાંચ ભાવો, જીવોના ભેદ, ઈન્દ્રિયો, જન્મ, યોનિ, શરીર, આયુષ્ય વગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે.
ત્રીજા અધ્યાયમાં ૧૮ સૂત્રો છે. તેમાં નરકમૃથ્વીઓ, નારકો, તિચ્છલોક, મનુષ્યક્ષેત્ર, મનુષ્ય-તિર્યંચની સ્થિતિ વગેરેનું નિરૂપણ કર્યું છે.