________________
બંધતત્ત્વ -
• બંધ - કાર્મણવર્ગણાના પુદ્ગલોનો આત્માની સાથે એકમેક સંબંધ થવો તે બંધ. જીવ સકષાયી હોવાથી કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે અને આત્માની સાથે એકમેક કરે છે. (સૂત્ર-૮/૨,૮૩)
બંધના હેતુઓ - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ - આ કર્મબંધના ૫ હેતુઓ છે. (સૂત્ર-૮/૧)
૧) મિથ્યાત્વ - ભગવાને કહેલા તત્ત્વોથી વિપરીત માન્યતા તે મિથ્યાત્વ. તેના ૫ પ્રકાર છે –
(૧) આભિગ્રહિક મિથ્યાત્વ - કુદર્શનમાં રહેલા જીવો પોતાના દર્શનને જ સાચું માને છે. દા.ત. ૩૬૩ પાખંડીઓ..
(૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ - બધા ધર્મોને સમાન માનવા તે. (૩) આભિનિવેશિક મિથ્યાત્વ - કદાગ્રહને પકડી રાખવો તે. (૪) સાંશયિક મિથ્યાત્વ - ભગવાનના વચનોમાં શંકા થવી તે.
(૫) અનાભોગિક મિથ્યાત્વ- અનાભોગથી એકેન્દ્રિય વગેરે અજ્ઞાન જીવોને હોય છે. તત્ત્વાર્થભાષ્યમાં મિથ્યાત્વના આભિગ્રહિક અને અનાભિગ્રહિક એમ બે જ ભેદ કહ્યા છે. શેષ ભેદોનો આ બે ભેદમાં સમાવેશ સમજી લેવો.
૨) અવિરતિ - હિંસા-અસત્ય-ચોરી-અબ્રહ્મ-પરિગ્રહ થકી મનવચન-કાયાથી અને કરણ-કરાવણ-અનુમોદનાથી અટકવું તે વિરતિ. વિરતિનો અભાવ તે અવિરતિ. તેના ૧૨ પ્રકાર છે –
(૧-૬) છ કાયના જીવોની હિંસા. (૭-૧૨) પાંચ ઇન્દ્રિયો અને મનનું અનિયંત્રણ.