________________
૧૮
તત્વાર્થાધિગમસૂત્ર
અનેક ભેદો છે પ્રથમના ને બીજાના બાર છે, આચાર આદિ અંગ ઉત્તરાધ્યયન આદિ બાહ્ય છે. (૧૫)
શ્રુતજ્ઞાન :
અર્થ : શ્રુત નામનું બીજું જ્ઞાન મતિપૂર્વક હોય છે, તેના બે ભેદ છે : (૧) અંગપ્રવિષ્ટ અને (૨) અંગબાહ્ય. અંગપ્રવિષ્ટના બાર અને અંગબાહ્યના અનેક પ્રકાર છે. આચાર આદિ અંગપ્રવિષ્ટ અને ઉત્તરાધ્યયન આદિ અંગબાહ્ય છે.
ભાવાર્થ : શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં મતિજ્ઞાન એ બાહ્ય કારણ છે, જ્યારે શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ એ અંતરંગ કારણ છે; આ કારણથી શ્રુતજ્ઞાન મતિપૂર્વક કહેવાય છે. મતિજ્ઞાન માત્ર વર્તમાનકાલીન છે, જ્યારે શ્રુતજ્ઞાન ત્રિકાલવિષયક છે, મતિજ્ઞાન શબ્દોલ્લેખ વગરનું છે, જ્યારે શ્રુતજ્ઞાન શબ્દોલ્લેખ સહિત છે. મતિ અને શ્રુત એ બે જ્ઞાનમાં ઇન્દ્રિયો અને મન એ બંનેની અપેક્ષા સમાન હોવા છતાં મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન વિષયમાં અધિકતર અને શુદ્ધતર હોય છે. શ્રુતજ્ઞાનના અંગપ્રવિષ્ટ અને અંગ બાહ્ય એ બે ભેદ વક્તાની અપેક્ષાએ છે. તીર્થંકર તીર્થ પ્રવર્તાવતાં જે ઉપદેશ આપે છે, તે ગણધરો ઝીલે છે અને તેને દ્વાંદશાંગીરૂપે સૂત્રમાં ગૂંથે છે તે અંગપ્રવિષ્ટ શ્રુત છે. બાલજીવોના હિત અર્થે દ્વાદશાંગીના જુદા જુદા વિષયો લઈ તેની સૂક્ષ્મ ચર્ચા કરતાં પ્રખર ત્યાગી આચાર્ય આદિ જે શાસ્ત્ર રચે છે તે અંગબાહ્ય શ્રુત છે. અંગપ્રવિષ્ટના બાર અને અંગબાહ્યના અનેક ભેદ છે. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરૌપાતિક દશા, પ્રશ્ન-વ્યાકરણ, વિપાક અને દૃષ્ટિવાદ એ બાર અંગ ગ્રંથો યા અંગપ્રવિષ્ટ શ્રુતના