________________
૧૩૨
તત્વાર્થાધિગમસૂત્ર
એક સમયમાં એક જ હોઈ શકે છે અને ભિન્ન ભિન્ન સમયમાં જુદા જુદા હોઈ શકે છે.
ચેતન અને જડ એ બે દ્રવ્ય છે. એકમાં ચેતના આદિ અને બીજામાં રૂપ આદિ અનંત ગુણ છે. જીવ ચેતનાશક્તિ દ્વારા ભિન્ન ભિન્ન - ઉપયોગરૂપે અને પુદ્ગલ રૂપશક્તિ દ્વારા ભિન્ન ભિન્ન ઉપયોગરૂપે પરિણત થયા કરે છે. ચેતનાશક્તિ આત્મદ્રવ્યથી અને આત્મગત અન્ય-શક્તિઓથી વિભક્ત કરી શકાતી નથી. જ્ઞાન, દર્શન આદિ ભિન્ન ભિન્ન સમયવર્તી વિવિધ ઉપયોગના ત્રૈકાલિક પ્રવાહના કારણભૂત એકલી ચેતનશક્તિ છે અને તે શક્તિનો કાર્યભૂત પ્રવાહ તે ઉપયોગાત્મક છે. પુદ્ગલની રૂપશક્તિ અને તેની અન્યશક્તિઓ પણ પુદ્ગલથી વિભક્ત કરી શકાતી નથી. પુદ્ગલની રૂપશક્તિનું કાર્ય નીલ, પીત આદિ પરિણમન છે. આત્મામાં સુખ-દુઃખ આદિ વેદનાત્મક પર્યાયપ્રવાહ, પ્રવૃત્યાત્મક પર્યાય-પ્રવાહ આદિ અનંતપર્યાયપ્રવાહ એકી સાથે કાર્ય કરી રહ્યાં છે. આત્મામાં ચેતના, આનંદ, વીર્ય આદિ શક્તિના ભિન્ન ભિન્ન પર્યાય એકી સમયે પ્રવર્તે છે, પરંતુ એ દરેકના ભિન્ન ભિન્ન વિવિધ પર્યાય એકી સમયે હોઈ શકતા નથી, કારણ કે પ્રત્યેક શક્તિના એક જ પર્યાય એકી સમયે હોઈ શકે છે. પુદ્ગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શના ભિન્ન ભિન્ન પર્યાય એક સમયે હોઈ શકે છે; પરંતુ તે પ્રત્યેકના ભિન્ન ભિન્ન પર્યાય એક સમયે હોઈ શકતા નથી. જેમ આત્મા અને પુદ્ગલ એ બે નિત્ય છે; તેમ આત્માની ચેતન આદિ શક્તિ અને પુદ્ગલની રૂપ આદિ શક્તિ પણ નિત્ય છે; પરંતુ ચેતનાજન્ય ઉપયોગ-પર્યાય અને રૂપશક્તિ. જન્મ નીલ, પીત આદિ પર્યાય સદૈવ ઉત્પાદવ્યયશીલ છે.