________________
૧૧૪
તત્વાર્થાધિગમસૂત્ર કરે છે તેટલા તેટલા પ્રમાણનો જીવ દેખાય છે.
ધર્માસ્તિકાય – અધર્માસ્તિકાય અને આકાશની માફક જીવ અરૂપી હોવા છતાં પહેલાં ત્રણના પરિમાણમાં ન્યૂનાધિકતા ન થવા છતાં જીવના પરિમાણમાં ન્યૂનાધિકતા થાય છે તે
સ્વભાવભેદ છે. જીવનો સ્વભાવ એવો છે કે નિમિત્ત મળતાં દિપકની માફક તે સંકોચવિકાસ પામે છે. તેના સંકોચની મર્યાદા અંગુલના અસંખ્યાતમા ભાગની અને વિકાસની સમસ્ત લોકાકાશ છે. મર્યાદાના કારણ એ છે : (૧) લોકાકાશ અને જીવ એ બેની પ્રદેશ સંખ્યા સમાન અસંખ્યાત પ્રદેશ છે. વિકસિત દશામાં જીવનો એક એક પ્રદેશ આકાશના એક એક પ્રદેશ પર વ્યાપે છે; તેથી સર્વોત્કૃષ્ટ વિકસિત દશામાં પણ જીવ લોકાકાશ બહાર અલોકાકાશને વ્યાપ્ત કરતો નથી. (૨) વિકાસ એ ગતિનું કાર્ય હોઈ ધર્માસ્તિકાય વિનાના અલોકાકાશમાં જીવના વિકાસનો પ્રશ્ન જ રહેતો નથી.
સૂક્ષ્મ એવું નિગોદ શરીર જે અનંત જીવોનું એક સાધારણ શરીર છે તે અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહી શકે છે. મનુષ્ય આદિના ઔદારિક શરીરની અંદર અને બહાર પણ અનેક સંમૂર્ણિમ જીવો હોય છે; આ કારણે અસંખ્યાતપ્રદેશી એવા લોકાકાશમાં અનંતાનંત જીવની અવગાહના સંભવિત બને છે. અનંતાનંત પુદ્ગલ અસંખ્યાતપ્રદેશી લોકાકાશમાં સમાઈ શકે છે; કારણ કે તેનામાં સૂક્ષ્મ પરિણામશક્તિ છે, આના પરિણામે પરસ્પર પ્રતિઘાત વિના અનંતાનંત પરમાણું અને તેના અનંતાનંત સ્કંધ લોકાકાશમાં રહી શકે છે. પુદ્ગલ દ્રવ્યરૂપી હોવાથી ભૂલ હોય તો પ્રતિઘાત કરી શકે છે. પરંતુ સૂક્ષ્મરૂપે પ્રતિઘાત કરી શકતા નથી.