________________
७२२
तत्त्वन्यायविभाकरे
- શ્રી દેવેન્દ્રસૂરીશ્વરના વિચક્ષણ શિરોમણિ વિદ્યાનંદગણિ એક અને બીજા ધર્મઘોષગણીન્દ્ર-એમ બે શિષ્યો જાણે શ્રી જિનશાસનરૂપી રાજાના બે સેનાધિપતિ, પુણ્યરૂપી અંગીના બે બાહુ જેવા હતા. પરંતુ શ્રી દેવેન્દ્રસૂરિના પાટરૂપી મસ્તકમુકૂટના મણિ જેવા “ધર્મઘોષસૂરિ પટ્ટધર થયા. (૩૮)
જેમની પાસે સમુદ્રના અધિષ્ઠાયકદેવે સમુદ્રના તરંગોની શ્રેણીના બહાને રત્ન આદિનું ભેટશું કર્યું હતું. સ્વપક્ષથી ભિન્ન કુમતિ સ્ત્રીઓએ જેમના ગળામાં પ્રવચનના વચનના ભંગ કરવા માટે સ્વશક્તિથી કેશડ્યૂહ બનાવ્યો હતો. (૩૯)
ત્યારે વિદ્યાપુરમાં આચાર્ય મહારાજે કપટ જાણી, તે સ્ત્રીઓને અત્યંત ખંભિત કરી દીધી. પછી સંઘના વચનથી, સ્ત્રીઓની આજીજીથી, દયાળુ, અતિશયસંપન્ન ગુરુજીએ સ્ત્રીઓને જલ્દી છોડી મૂકી હતી. જે ગુરુએ જયવૃષભ આદિ સુંદર કાવ્યોની ગૂંથણી કરી હતી. (૪૦)
કર્મરૂપી રોગના અપહારમાં વૈદ્ય જેવા, સૂરિસમુદાયના મધ્યમાં ચક્રવર્તી જેવા, ધર્મના ઉપદેશમાં મેઘ જેવા અને પંડિતમંડળીમાં સૂર્ય જેવા તેજસ્વી જે ધર્મઘોષસૂરિ હતા. (૪૧)
કોઈ શઠયોગી શ્રેષ્ઠ ઉજ્જૈન નગરીમાં રહેતો હતો અને અહીં આવેલા જૈન સાધુઓને પોતાના બળથી બીવરાવતો હતો. પૃથ્વીતળમાં વિહાર કરતા કલિયુગના અંધકારને હરતા, જનનો ઉદ્ધાર કરતા પંડિત શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજા એક વખત ઉજૈન નગરીમાં પધાર્યા. (૪૨)
- ઈર્ષારૂપી જ્વાળાથી બળેલ હૃદયવાળો, અહંકારથી ભ્રષ્ટ બુદ્ધિવાળો જોગી, ગોચરીએ આવેલા જૈન મુનિવરોને જાણીને ડરાવવા માટે કરવત જેવા ભયંકર દાંતો બતાવવા લાગ્યો. મુનિઓ કફોણી (કુણી) દર્શાવી ડરેલાં અને ગુરુ પાસે આવીને બધું જલ્દી કહેવા લાગ્યા. (૪૩)
| વિસ્તૃત દયાવાળા ગુરુરાજે મુનિઓને કહ્યું કે-“તમો ડરો નહિ, કેમ કે-તમારી રક્ષાની દક્ષ શક્તિવાળો હું બેઠો છું.” વળી એટલામાં ઉપાશ્રયની બહાર બીલાડા-ઉંદર-સાપ વગેરેના ભયંકર અવાજોને સાંભળી અનેક ઉપદ્રવોથી ડરેલ સાધુસમુદાય જલ્દી ગભરાયેલો થયો. (૪૪)
તેવા સમયમાં ભયરહિત ઋષિરાજ ધર્મઘોષગુરુજીએ આ વાત જાણી. પહેલાં તૈયાર રાખેલ વસ્ત્ર આચ્છાદિત ઘડા ઉપર પોતાનો હાથ મૂકી, એવામાં જાપ શરૂ કર્યો, તેવામાં ધૂર્ત યોગીને સઘળા શરીરમાં વ્યાપક પીડા પ્રગટ થઈ. ત્યારે જોગી પોતાના સેવકોને કહેવા લાગ્યો કે હું મરી જઉં છું. મને બચાવો. (૪૫).
ત્યારબાદ આકુળ-વ્યાકુલ બનેલા જોગીએ પોતે કરેલો માયાવિલાસ હરી લીધો. રડતો રડતો તે મહોંમાં આંગળીઓ નાંખી સાધુઓના ઉપાશ્રયમાં જઈને બોલ્યો કે-મહારાજ ! જે મેં અહીં કર્યું, તે મારી મોટી ભ્રાન્તિથી ભૂલ થઈ છે. આ ભૂલની મને ક્ષમા આપો ! હવે પછી આવું મુનિવરો પ્રત્યે ક્લેશકારી નીચ કાર્ય નહિ કરું. (૪૬) ' તે વખતે ગુરુ ધર્મઘોષસૂરિએ પોતાના ચરણકમલમાં તે જોગીને લીન કરી દીધો. તેથી પાપવિનાશન જૈનશાસનનો મહિમા ખૂબ થયો. (૪૭)
કાવ્યકળામાં કોવિદ જેણે “યત્રાખિલાદિ પ્રવર સ્તુતિઓની રચના કરી છે, એવા તે શ્રી ધર્મઘોષસૂરિના ચરણકમળમાં ભ્રમર અર્થાતુ તેમના પટ્ટધર શ્રીમાનું “સોમપ્રભ આચાર્યવય થયા. (૪૮)