________________
द्वितीयो भाग / सूत्र - ११, द्वितीय किरणे
ગાથા તો લબ્ધિના યૌગપદ્યમાં (સમાનકાલીન ઉત્પત્તિમાં) સાક્ષી પૂરે છે. ઉપયોગના ક્રમ-અક્રમના વિષયમાં ઉદાસીન-મૌન છે. આ ગાથા ઉપયોગની યુગપદ્ ઉત્પત્તિની નિર્વાહક-સૂચક છે, એમ જો માને, તો કેવલજ્ઞાન પછી કેવલદર્શનની ઉત્પત્તિ અસિદ્ધિ-અભાવ છે.
શંકા- જ્ઞાન ઉપયોગ સામાન્યમાં દર્શન ઉપયોગની હેતુતા છે, કેમ કે-નિર્વિકલ્પક છદ્મસ્થકાળમાં તેવો અનુભવ થાય છે. આથી પ્રથમ કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકશે અને કેવલદર્શનમાં કેવલજ્ઞાનની વિશિષ્ટ હેતુતા હોવાથી બીજા સમયમાં કેવલદર્શનની ઉત્પત્તિ થશે તેથી તથા ક્રમિક સામગ્રીય(બન્ને સામગ્રી)ની સંપત્તિથી ક્રમિક ઉપયોગદ્વયની ધારાનો નિર્વાહ થવાનો જ ને?
સમાધાન – ‘દર્શન પૂર્વજ્ઞાન દર્શનપૂર્વક જ જ્ઞાન હોય છે, પણ જ્ઞાનપૂર્વક દર્શન નથી હોતું, ઇત્યાદિ કથનથી વિરોધ ઉપસ્થિત થાય છે. વળી તેવી હેતુતામાં કોઈ પણ પ્રમાણ નથી, કારણ કે-ઉત્પન્ન થયેલું કેવલજ્ઞાન ક્ષાયિક હોવાથી તેનો નાશ કોઈ પણ રીતે સંભવતો નથી.
શંકા – મુક્તિના સમયમાં ક્ષાયિક ચારિત્રનાશની માફક ક્ષાયિક કેવલજ્ઞાનનાશ કેમ નહીં પામે?
સમાધાન - તે ક્ષાયિક ચારિત્રયોગસ્થિરતા નિમિત્તજન્ય હોઈ નિમિત્તના નાશથી નાશયોગ્ય હોઈ નષ્ટ થાય છે પરંતુ કેવલજ્ઞાન નિમિત્તજન્ય નથી, કેમ કે-ઉત્પત્તિમાં અને જ્ઞપ્તિમાં આવરણના ક્ષય સિવાય બીજાની અપેક્ષા નથી. તે પ્રમાણે જ તેની સ્વતંત્ર પ્રમાણપણાની વ્યવસ્થા છે. વળી આ પ્રમાણે વ્યક્તતાસ્વરૂપવાળું જ્ઞાન છે અને દર્શન તો અવ્યકતતાસ્વરૂપી સિદ્ધ થાય છે,
ક્ષીણ આવરણવાળા કેવલીમાં વ્યક્તતા-અવ્યક્તતા યુક્તિયુક્ત નથી. તેથી સામાન્યવિશેષસ્વરૂપી શેયનો સાક્ષાત્કાર કરનારું અને બંને રીતે એકસ્વભાવવાળું જ આ કેવલીને જ્ઞાન છે. વળી એવી શંકા નહીં કરવી કે – “ગ્રાહ્ય બે પ્રકારના હોવાથી ગ્રાહકજ્ઞાન બે પ્રકારનું હોવું જોઈએ,” કેમ કે-આમ માનવા જતાં કેવલજ્ઞાનમાં ગ્રાહ્ય-વિષયો અનંત હોવાથી ગ્રાહકરૂપ જ્ઞાન કેવલજ્ઞાન પણ એક વ્યક્તિમાં અનંત માનવાની આપત્તિ આવશે.
જો વિષયભેદકૃત જ્ઞાનભેદ માનવામાં નથી આવતો, તો જુદા દર્શનની તો આશા ક્યાંથી રખાય? કેમ કે-બે આવરણના ક્ષયથી બંને રીતે એકસ્વભાવવાળા જ કાર્ય (ઉભય સ્વભાવસ્વરૂપી એક કેવલજ્ઞાન કાય)નો સંભવ છે.
શંકા – એક સ્વભાવી જ્ઞાનમાં ઠંડા-ઊના સ્પર્શની માફક પરસ્પર વિભિન્ન બે સ્વભાવનો કેમ વિરોધ નહીં?
સમાધાન – દર્શન અને સ્પર્શનરૂપ બે શક્તિવાળા એક દેવદત્તમાં જેમ વિરોધ નથી, તેમ ઉભય સ્વભાવસ્વરૂપી એક જ્ઞાનવાળા કેવલીમાં વિરોધ નથી. જ્ઞાનપણાએ કરી અને દર્શનપણાની અપેક્ષાએ જ્ઞાનદર્શનમાં ભેદ છે, પરંતુ ધર્મીના ભેદથી અપેક્ષાએ નહીં. એક જ કેવલજ્ઞાનમાં સામાન્ય અંશની અપેક્ષાએ દર્શનવ્યવહાર અને વિશેષ અંશની અપેક્ષાએ જ્ઞાનવ્યવહાર થઈ શકે છે, માટે તે બંનેના આવરણોના ભેદમાં પણ સ્યાદ્વાદ જ છે, એમ જાણવું. ઈતિ સિદ્ધસેનદિવાકર મત....