________________
सूत्र ३, प्रथम किरणे
-
३१
આ જ મુદ્રાથી મુક્તિના આશ્રયપણાએ પ્રધાનપણું હોવાથી જીવતત્ત્વનો પ્રથમ વિન્યાસ, ત્યારબાદ જીવના વિરોધી અજીવનો, ત્યારબાદ મુક્તિના શત્રુભૂત બંધના કારણપણાએ પુણ્ય-પાપ-આશ્રવોનો અને મુક્તિના કારણપણાએ સંવર અને નિર્જરાનો, ત્યારબાદ મુક્તિના પ્રતિસ્પર્ધી બંધનો અને ત્યારબાદ (અવશિષ્ટ) પરિશેષની અપેક્ષાએ મોક્ષનો નિર્દેશ કરેલ છે. આ પ્રમાણે ક્રમની રચનાના હેતુઓ છે.
અથવા જીવની સાથે સંશ્લિષ્ટ સકલ કર્મોનો ક્ષય જ મોક્ષ છે. તે મોક્ષ પણ આત્માનો વિશિષ્ટ પરિણામ જ છે. માટે પ્રધાનતાની અપેક્ષાએ જીવનો, ત્યારબાદ કર્મો અજીવ વિશેષ હોઈ તે સર્વના જ્ઞાન માટે અજીવતત્ત્વનો અને ત્યારબાદ માત્ર પાપ રૂપ કર્મના જ વિનાશ માત્રથી મોક્ષ છે એમ નહિ, પરંતુ પાપ રૂપ કર્મના વિનાશની સાથે પુણ્ય રૂપ કર્મના પણ વિનાશમાં મોક્ષ છે.
આવી વાત દર્શાવવા માટે પાપ-પુણ્યનો નિર્દેશ છે. વળી પ્રશસ્ત હોઈ ‘પૂજ્ય શબ્દ પૂર્વમાં મૂકાય છે.’ આવો ન્યાય હોવાથી પુણ્યનું પહેલું નિરૂપણ અને પાપનું પછીથી નિરૂપણ કરાય છે. ત્યારબાદ ‘પુણ્ય અને પાપનો સંશ્લેષ કયા પ્રકાર વડે અથવા કયા પ્રકાર વડે વિનાશ થાય છે ?’
આવી પ્રથમ શંકાના સમાધાન માટે આશ્રવ અને બીજી શંકાના સમાધાન માટે આશ્રવ બાદ, (નવીન) કર્મના નિરોધપૂર્વક, પુરાણા કર્મનો વિનાશ નિર્જરા વડે સુકર બનતો હોઈ, સંવર અને નિર્જરાનો નિર્દેશ, ત્યારબાદ સંવ-નિર્જરાના વિરોધીપણાની અપેક્ષાએ કર્મસંશ્લેષ રૂપ બંધનો નિર્દેશ અને ત્યારબાદ પરિશિષ્ટ મોક્ષનો નિર્દેશ છે. આવો જીવાદિ તત્ત્વોના ક્રમમાં સંબંધ જાણવો.
શંકા- દ્વન્દ્વ સમાસ પછી આવેલ બહુવચનથી જ દ્વન્દ્વ સમાસમાં વર્તમાન પદાર્થ માત્ર વૃત્તિસંખ્યાબોધના સંભવનો નિયમ હોઈ, ‘જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-નિર્જરા-બંધ મોક્ષઃ’- આવા દ્વન્દ્વ સમાસને અંતે આવેલ બહુવચનથી જેટલા પદાર્થ છે, તેટલા એટલે નવ પદાર્થો છે એવો બોધ થઈ જાય છે. ‘નવ’ આ પ્રમાણે નવ સંખ્યાવાચક નવ પદનું જુદું ગ્રહણ કેમ કરેલ છે ?
સમાધાન- જો કે આવું કથન બરાબર છે, તો પણ પ્રધાનપણાએ પ્રત્યેક જીવ આદિમાં, જેમ કેજીવતત્ત્વ સ્વતંત્ર છે, તેમ અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષતત્ત્વો સ્વતંત્ર તત્ત્વો છે. એમ દર્શાવવા માટે ‘નવ’ પદનું મહત્ત્વશાળી ગ્રહણ છે.
જો ‘નવ’ પદનું પૃથક્ ગ્રહણ ન કરવામાં આવે, તો જીવાદિના સમુદાયમાં તત્ત્વની પ્રાપ્તિની શંકા જાગી જાય ! માટે આ શંકા દૂર કરવા માટે ‘નવ’ પદનું ગ્રહણ છે અથવા પ્રતિકૂળતાની અને અનુકૂળતાની અપેક્ષાએ કેટલાક તત્ત્વો પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ આદિ મોક્ષ પ્રત્યે પ્રતિકૂળ છે, જ્યારે કેટલાક સંવર, નિર્જરા આદિ મોક્ષ પ્રત્યે અનુકૂળ છે.
ઉપાદેયતયા અનુકૂળ, હેયતયા પ્રતિકૂળ, જ્ઞેયતયા જીવ અને અજીવ-એ રીતે આ નવ જ તત્ત્વો મોક્ષ માટે ઉપયોગી છે. (મોક્ષમાર્ગ પ્રત્યે ગમન સ્વભાવવાળા મુમુક્ષુને પણ માર્ગદર્શક ભિલ્લની માફક કે ભાતાની માફક હિતકર હોઈ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે, પરંતુ પાપાનુબંધી પુણ્ય સોનાની સાંકળની જેમ અનુપાદેય છે.)
શંકા-કર્મ રૂપી પુણ્ય-પાપનું પુદ્ગલ આત્મકપણું હોઈ અજીવમાં અંતર્ભાવનો સંભવ છે, તો ‘સપ્ત તત્ત્વાનિ’ સાતજ તત્ત્વો કહેવા જોઈએ. નવ તત્ત્વો છે-એમ કેમ કહો છો ?