________________
सूत्र - १, चतुर्थ किरणे
१६७
વાદળ વગેરેના વિકારની માફક બાહ્ય શરીર અનેક રૂપાંતરને પામતું મનાય છે, તેમ કર્મ રૂપી શરીરની વિચિત્રતાનો સ્વીકાર યુક્તિયુક્ત છે.
શંકા- બાહ્ય શરીરમાં વિચિત્રતાનો સ્વીકાર એ તો વ્યાજબી છે, કેમ કે-દેખાય છે, જ્યારે કર્મ રૂપી શરીર સર્વથા પરોક્ષ હોઈ તે કર્મ રૂપી શરીરની વિચિત્રતાનો સ્વીકાર અમે કેવી રીતે ઇચ્છીએ ?
સમાધાન- જો સૂક્ષ્મતર શરીર રૂપ કર્મની વિચિત્રતાનો સ્વીકાર ન કરો, તો મરણકાળમાં સર્વથા-બિલ્કુલ છોડી દીધેલ દેખાતા સ્થૂલ શરીરવાળા જીવને, બીજા ભવમાં ગયેલ જીવને બીજા ભવના સ્થૂલ શરીરના ગ્રહણ (નિર્માણ)માં હેતુભૂત સૂક્ષ્મ એવું કર્મ રૂપી શરીર અવશ્ય છે-અવશ્ય સ્વીકાર કરવા યોગ્ય છે.
જો ભવાન્તરના સ્થૂલ શરીરના નિર્માણમાં હેતુભૂત કર્મનામક સૂક્ષ્મ શરીર ન માનો, તો બીજા શરીરના ગ્રહણનો અભાવ થવાથી મરણ બાદ, સર્વ જીવ પણ શરીરશૂન્ય થવાથી વિના પ્રયત્ને સંસારનો વ્યવચ્છેદ થઈ જાય ! સમજ્યાને ! આમ તો ત્રણેય કાળમાં બનતું નથી. કર્મની સત્તાથી અવશ્ય મરણ બાદ બીજા જન્મની સ્થૂલ શરીરની સત્તા સર્વદર્શનસિદ્ધ છે.
શંકા- ઓહ ! એક વાત તો રહી ગઈ કે- અરૂપી આત્મદ્રવ્યની સાથે રૂપી કર્મનો સંબંધ કેમ થાય ?
સમાધાન- જેમ મૂર્ત રૂપી ઘડાનો સંબંધ અમૂર્ત આકાશની સાથે માનેલો છે, તેમ અમૂર્ત આત્માની સાથે કર્મનો સંબંધ માનેલ છે. ઘટની સાથે આકાશના સંયોગમાં મૂર્ત્તપણું કે અમૂર્રપણું કારણ નથી પરંતુ વ્યાપકપણું કારણ છે. તો આત્માની સાથે કર્મનો સંબંધ કેવો ? એના જવાબમાં કહેવાનું કે-સંસારી જીવ સર્વથા અમૂર્ત નથી, કેમ કે- સંસારી આત્માના પ્રદેશોની સાથે અનંત કર્મપરમાણુઓની એકતા હોવાથી કથંચિત્ (અપેક્ષાએ) રૂપી આત્મા છે.
(આત્મા એકાન્તે અમૂર્ત નથી, કેમ કે-કર્મનામક પર્યાયની અપેક્ષાએ તે કર્મના પ્રવેશથી રૂપી છે. શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ કથંચિત્-સ્યાત્ અમૂર્ત છે. જો આમ છે, તો કર્મબંધના આવેશથી આત્માની સાથે એકતા હોયે છતે અભેદની પ્રાપ્તિ રૂપ દોષ નથી, કેમ કે-બંધ પ્રત્યે એકતા છતાંય લક્ષણભેદથી આત્મા અને કર્મનો ભેદ છે.)
તેથી કર્મ વિચિત્ર છે અને મૂર્ત છે, અર્થાત્ આવી રીતે કર્મની વિચિત્રતા અને મૂર્ત્તતાની સિદ્ધિ કરેલી સમજવી. અહીં આ પુણ્ય, કાર્ય અને કરણના ભેદથી બે પ્રકારનું છે. આગળ ઉપર કહેવાતા સુપાત્રદાન આદિ રૂપ કારણો દ્વારા સુખ ઉચ્ચ ગોત્ર વગેરે રૂપ કાર્ય જીવો વડે ભોગવાય છે. એટલે જ અહીં સુપાત્રદાન આદિ ‘કારણ’ રૂપ પુણ્ય કહેવાય છે, જ્યારે સાત-ઉચ્ચ ગોત્ર વગેરે ‘કાર્ય’ રૂપ પુણ્ય કહેવાય છે.
આત્માનો શુભ અધ્યવસાય ઔપચારિક પુણ્ય રૂપ છે, કેમ કે- પૌદ્ગલિક પુણ્યકર્મનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર થાય છે. ઘીમાં આયુષ્યનો જેમ ઉપચાર થાય છે, તેમ અહીં સમજવું. રૂપી કર્મ જ બંધકારક થઈ શકે છે. શુભ અધ્યવસાય અમૂર્ત હોઈ અબંધક છે, માટે શુભ અધ્યવસાયમાં કર્મનો ઉપચાર સમજવો.