________________
૧૬૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૧૮
તેની સાથે યોગ થવાથી તેનું આચરણ કરનારા પણ નિર્વિશ્યમાનક કહેવાય છે. પ્રવેશ કર્યો છે જેમની કાયાએ તે નિર્વિષ્ટકાયિક છે. તેની સાથે યોગ થવાથી તે સ્વરૂપે તપના આચરણ દ્વારા કાયા ભોગવાઇ છે જેમનાથી તે નિર્વિષ્ટકાયિક છે, અર્થાત્ ભોગવ્યો છે(=આચર્યો છે) તેવા પ્રકારનો તપ જેમણે તે નિર્વિષ્ટકાયિક છે.
પરિહાર તપને સ્વીકારેલાઓનો નવ સાધુનો ગચ્છ હોય છે. તેમાં ચાર પરિહારીઓ(=તપનું સેવન કરનારાઓ) હોય. ચાર અનુપરિહારીઓ (=તપ કરનારાઓની સેવા કરનારા) હોય. એક કલ્પસ્થિત, અર્થાત્ વાચનાચાર્ય હોય. તે બધાય વિશિષ્ટશ્રુતથી સંપન્ન હોય તો પણ રુચિથી(=તપમાં તેવી વિધિ હોવાથી) કોઇ એકને વાચનાચાર્ય તરીકે સ્થાપવામાં આવે છે. તેમાં જે કાળભેદ પ્રમાણે વિહિત તપને આચરે છે=સેવે છે તે પરિહારીઓ છે. નિયત આયંબિલનું ભોજન કરનારા અનુપહારીઓ છે. તેઓ તપથી ગ્લાન થયેલા પરિહારીઓની સેવામાં રહે છે. વાચનાચાર્ય પણ નિયત આયંબિલ તપ જ કરે છે. તે તપ આચરનારાઓને ઉનાળામાં જઘન્યથી ઉપવાસ, મધ્યમથી છઠ્ઠ, ઉત્કૃષ્ટથી અઠ્ઠમ, શિયાળામાં છઠ્ઠુ-અટ્ઠમ-ચાર ઉપવાસ, વર્ષાઋતુમાં અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ તપ કરવાનો હોય છે. પારણામાં આયંબિલથી જ પારે છે, અર્થાત્ તપના પારણે આયંબિલ કરે છે. ઉક્તવિધિથી છ મહિના સુધી તપ કરીને પરિહારીઓ અનુપહારીઓ થાય છે. તેઓ પણ છ માસ સુધી તપ કરે છે. પછી વાચનાચાર્ય એકલો જ છ માસ સુધી પરિહારતપને સ્વીકારે છે. એક તેનો અનુપહારી થાય છે. તેમનામાંથી બીજો કોઇ એક વાચનાચાર્ય થાય. આ પ્રમાણે આ પરિહારવિશુદ્ધિસંયમ અઢાર મહિનાઓથી પૂર્ણતાને પામે છે. તે તપ પૂર્ણ થયે છતે પોતાની શક્તિ પ્રમાણે કોઇક ફરી તે જ પરિહારને સ્વીકારે છે, કોઇક જિનકલ્પને સ્વીકારે છે. બીજાઓ ગચ્છમાં જ પ્રવેશ કરે છે. પરિહારવિશુદ્ધિ તપકરનારાઓ પ્રથમ-અંતિમ તીર્થંકરોના તીર્થમાં જ સ્થિતકલ્પમાં જ હોય, મધ્યમ તીર્થંકરોના તીર્થમાં ન હોય.
જ