________________
૧૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૨
સ્પષ્ટ કરે છે- એક દેશથી વિરતિ અણુવ્રત છે. સર્વહિંસાથી વિરતિ નથી, કિંતુ એક દેશથી વિરતિ છે, અર્થાત્ સ્થૂળથી વિરતિ છે.
પ્રશ્ન– સૂક્ષ્મની અપેક્ષાએ સ્થૂલ છે. આ સ્થૂલપણું-સૂક્ષ્મપણું કઇ અપેક્ષાએ છે ?
ઉત્તર– પ્રાણીઓના સ્થૂલ અને સૂક્ષ્મ ભેદની અપેક્ષાએ છે, અથવા હિંસાના સંકલ્પજ અને આરંભજ ભેદની અપેક્ષાએ છે.
એક દેશથી વિરતિ એ અણુવ્રત છે. કેમ કે વિતિ બહુ જ થોડી છે. સ્તોક, અલ્પ, અણુ એ પર્યાયો છે=પર્યાયવાચી શબ્દો છે. જેનો વિષય અત્યંત અલ્પ છે તે અણુવ્રત છે. હું સ્થૂલ પ્રાણાતિપાતથી વિરમું છું, સ્થૂલ મૃષાવાદથી વિરમું છું. ખોટી સાક્ષી આપવી વગેરે સ્થૂલ મૃષાવાદ છે. હાંસી-મશ્કરીનાં વચનો બોલવા વગેરે સૂક્ષ્મ મૃષાવાદ છે. હું સ્થૂલ અદત્તાદાનથી વિરમું છું. ગૃહસ્થોને ચોરીમાં જે આ લોક સંબંધી અને પરલોક સંબંધી દોષો લાગે છે તે બળાત્કારથી હરણ કરવું વગેરે સ્થૂલ ચોરી છે. પરિહાસ કરવાના ઇરાદાથી અન્યની વસ્તુ છુપાવવી વગેરે સૂક્ષ્મ ચોરી છે અથવા અન્યની અતિશય નાની ઘાસ, કાઇ વગેરે વસ્તુ લેવી તે સૂક્ષ્મ ચોરી છે. સ્થૂલ મૈથુનથી વિરમું છું. અહીં સ્થૂલપણું એક દેશથી થયેલું જણાય છે. સ્વસ્ત્રીમાં સંતોષ કે પરસ્ત્રીથી નિવૃત્તિ એ સ્થૂલપણું છે. સ્વસ્ત્રીમાં સંતોષી જીવ અન્ય સ્ત્રીઓને માતાની જેમ જુએ છે. પરસ્ત્રીગમનથી નિવૃત્ત જીવ બીજાએ સ્વીકારેલી સ્ત્રીઓનો ત્યાગ કરે છે, પણ અપરિગૃહીત વેશ્યાગમન કરે છે. ઇચ્છાપરિમાણ સિવાય અન્ય પરિમાણથી વિરમું છું.
મહાવ્રતો પછી અનુસરાતા હોવાથી અને અતિશય અલ્પવ્રત હોવાથી અણુવ્રત છે, એમ કોઇક કહે છે.
હવે મહાવ્રતોને કહેવાની ઇચ્છાથી “સર્વથી વિરતિ એ મહાવ્રત છે’ એમ કહે છે. સર્વથી એટલે સૂક્ષ્મથી અને સ્થૂલથી. હું સર્વથી પ્રાણવ્યપરોપણથી(=હિંસાથી) વિરમું છું. એ પ્રમાણે બાકીના વ્રતો પણ કહેવા.