________________
સૂત્ર-૧૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૪૯
ત્રિવિધ-ત્રિવિધથી ઇત્યાદિ ત્રણ વિકલ્પોમાં ભાષ્યકારે અનુમતિની સાથે ત્રણ કરણ કહ્યાં છે.
પૂર્વપક્ષ— ભગવતી આદિ આગમમાં ત્રિવિધ-ત્રિવિધથી એવા વિકલ્પમાં પણ ગૃહસ્થને પચ્ચક્ખાણ છે અને તે પચ્ચક્ખાણ અંગગત શ્રુતમાં ગુંથાયેલું છે. તેથી ત્રિવિધ-ત્રિવિધથી પ્રત્યાખ્યાન નિર્યુક્તિકારવચનના વિઘાતને કરનારું છે.
ઉત્તરપક્ષ— વિદ્યાત (કરનારું) નથી. કેમકે શાસ્ત્રની પ્રવૃત્તિ ઉત્સર્ગઅપવાદથી થાય છે, અર્થાત્ શાસ્ત્રમાં કોઇ વિષયનું વર્ણન ઉત્સર્ગથી હોય છે, તો કોઇ વિષયનું વર્ણન અપવાદથી હોય છે. દ્વિવિધ-ત્રિવિધથી ઇત્યાદિ ઉત્સર્ગ છે. સઘળાય ગૃહસ્થોને સઘળું ય પ્રત્યાખ્યાન આ છ ભાંગાથી હોય છે. તેમાં કોઇક વિષયમાં અપવાદ કરાય છે. દીક્ષા લેવાની ઇચ્છાવાળો જે ગૃહસ્થ પુત્રાદિ સંતતિના પાલન માટે સંસારમાં રહીને શ્રાવકની પ્રતિમાને સ્વીકારે છે તેને આ વિકલ્પ ઘટે છે. અથવા જો વિશેષથી અતિશય અલ્પ કોઇ વસ્તુનું ત્રિવિધ-ત્રિવિધથી પ્રત્યાખ્યાન કરે તો સ્વયંભૂરમણ સમુદ્રના માછલાનું માંસ ન ખાવું ઇત્યાદિ પણ ઘટે છે અથવા સ્થૂલપ્રાણાતિપાત આદિ સંબંધી પચ્ચક્ખાણ ત્રિવિધ-ત્રિવિધથી ઘટે છે. સર્વસાવદ્ય વ્યાપાર સબંધી પચ્ચક્ખાણ ત્રિવિધ-ત્રિવિધથી ન ઘટે. પૂર્વપક્ષ–નિર્યુક્તિકારે ત્રિવિધ-ત્રિવિધથી ઇત્યાદિ વિકલ્પનો સ્થૂલપ્રાણાતિપાત આદિના વિષય તરીકે ઉલ્લેખ કર્યો નથી.
ઉત્તરપક્ષ— તમારું કહેવું સાચુ છે. મોટા ભાગે ઉત્સર્ગ જ પ્રસિદ્ધ હોવાથી નિર્યુક્તિકારે ઉત્સર્ગને જ કહ્યો છે. પણ જે ક્યાંક અવસ્થાવિશેષમાં ક્યારેક જ આચરાય છે અને આચારોને સારી રીતે અનુસરનારું ન હોય(=બહુ પ્રસિદ્ધ ન હોય) તે કહ્યું નથી. વિધિસૂત્રો મોટાભાગે (પ્રસિદ્ધ) વિધિને જ અનુસરે છે. આ પ્રમાણે કોઇ દોષ નથી.
હવે પ્રસ્તુત કહેવાય છે- “બીજી રીતે ગૃહસ્થોના વ્રતના ભેદો(ગૃહસ્થોના પાંચ અણુવ્રતોનાં) સોળ હજાર આઠસો આઠ ભાંગા થાય. ઉપાસકોનો સંક્ષેપથી આ વ્રતગ્રહણનો વિધિ છે.”