________________
સૂત્ર-૩૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૦૧
અહીં સુધી આપણે જોઇ ગયા કે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયોમાં નૈગમનય સામાન્ય અને વિશેષ એમ ઉભયને સ્વીકારે છે. સંગ્રહનય કેવળ સામાન્યને સ્વીકારે છે. વ્યવહારનય કેવળ વિશેષને સ્વીકારે છે. સંગ્રહ અને વ્યવહારનય પરસ્પર સાપેક્ષ છે. આથી એક જ વિચાર સંગ્રહનયનો પણ હોય અને વ્યવહારનયનો પણ હોય. જેમકે ‘આ નગરમાં મનુષ્યો રહે છે' આ વિચાર સંગ્રહનયનો પણ છે અને વ્યવહારનયનો પણ છે. નગરમાં મનુષ્ય ઉપરાંત જાનવર પ્રાણીઓ પણ રહે છે. આથી જાનવર અને મનુષ્ય એ બંને જીવ છે. જીવની દૃષ્ટિએ મનુષ્ય વિશેષ છે. આથી જીવની દૃષ્ટિએ ‘આ નગરમાં મનુષ્યો રહે છે’ એ વિચાર વ્યવહારનયથી છે. મનુષ્યોમાં સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, વૃદ્ધ વગેરે હોય છે. મનુષ્યના સ્ત્રી, પુરુષ આદિ વિશેષ ભેદોની અપેક્ષાએ ‘આ નગરમાં મનુષ્યો રહે છે' એ વિચાર સંગ્રહનય છે. આ પ્રમાણે એક જ વિચાર સંગ્રહનય પણ કહેવાય અને વ્યવહારનય પણ કહેવાય.
આથી તાત્પર્ય એ આવ્યું કે- જેટલા અંશે સામાન્ય તરફ દૃષ્ટિ તેટલા અંશે સંગ્રહનય અને જેટલા અંશે વિશેષ તરફ દૃષ્ટિ તેટલા અંશે વ્યવહારનય.]
ઋતુસૂત્રનયનું સ્વરૂપ
ઋજુસૂત્ર– ઋજુસૂત્રનું લક્ષણ આ પ્રમાણે છે- “સતામ્” ત્યાદિ, વિદ્યમાન વર્તમાનકાલીન ઘટાદિ પદાર્થોના જે શબ્દ અને જ્ઞાન તે ઋજુસૂત્ર છે.
અહીં વિદ્યમાન એમ કહેવા દ્વારા આકાશપુષ્પ આદિ જેવા અસત્ વસ્તુનો નિષેધ કર્યો. વર્તમાનકાલીન એમ કહેવા દ્વારા ભૂતકાળની અને ભવિષ્યકાળની વસ્તુનો નિષેધ કર્યો. ઘટાદિ પદાર્થોનો એમ કહેવા દ્વારા જે પદાર્થ નથી=કલ્પિત છે તેવી વસ્તુનો નિષેધ કર્યો.
અહીં ભાવાર્થ આ છે- વ્યવહારનય ત્રિકાળવર્તી વિશેષ અંશોને ગ્રહણ કરે છે. તેમાંથી ભૂતકાલીન અને ભવિષ્યકાલીન વસ્તુઓ છોડીને કેવળ વર્તમાનકાળમાં વિદ્યમાન વિશેષ અંશોને જ ઋજુસૂત્રનય ગ્રહણ કરે છે.