________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૦૭
અંગબાહ્યશ્રુતના અનેક પ્રકાર– સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયવ્યુત્સર્ગ, પ્રત્યાખ્યાન, દશવૈકાલિક, ઉત્તરઅધ્યાયો (=ઉત્તરાધ્યયન), દશા, કલ્પ, વ્યવહાર, નિશીથ, ઋષિભાષિત વગેરે.
સૂત્ર-૨૦
(૧) સામાયિક– સામાયિક એટલે ચારિત્ર. ચારિત્રનું પ્રતિપાદક અધ્યયન પણ સામાયિક કહેવાય.
(૨) ચતુર્વિશતિસ્તવ— ચોવીસ તીર્થંકરોની અને બીજા પણ તીર્થંકરોની સ્તુતિને કહેનાર ચતુર્વિંશતિસ્તવ અધ્યયન છે.
(૩) વંદન– વંદન કોને કરવું અને કોને ન કરવું એવું વર્ણન જેમાં હોય તે વંદન અધ્યયન છે.
(૪) પ્રતિક્રમણ— અસંયમસ્થાનને પામેલા સાધુનું અસંયમસ્થાનથી પાછા વળવાનું વર્ણન જેમાં હોય તે પ્રતિક્રમણ અધ્યયન છે.
(૫) કાયવ્યુત્સર્ગ– જેમાં કરેલા પાપોની કાયાના ત્યાગથી વિશુદ્ધિ કહેવામાં આવી હોય તે કાયવ્યુત્સર્ગ અધ્યયન છે.
(૬) પ્રત્યાખ્યાન– જેમાં મૂલગુણો-ઉત્તરગુણોને ધારણ કરવાનું કહેવામાં આવ્યું હોય તે પ્રત્યાખ્યાન અધ્યયન છે.
(૭) દશવૈકાલિક વિકાળે(=સંધ્યા સમયે) પુત્રના હિત માટે (પૂર્વમાંથી ઉદ્ધરીને) સ્થાપેલા દશ અધ્યયનો તે દશવૈકાલિક.
(૮) ઉત્તરાધ્યયનો– પૂર્વકાળે સાધુઓ આચારાંગ પછી આ અધ્યયનો ભણતા હતા તેથી ઉત્તરાધ્યયનો કહેવાય છે.
(૯) દશા– પોતાના અને સંઘસંતતિના હિત માટે પૂર્વમાંથી ઉદ્ધરીને સ્થાપેલા અધ્યયનો દશા કહેવાય છે. દશાશબ્દ અવસ્થાને કહેનારો છે. જેમાં સાધુઓની વિશેષ પ્રકારની અવસ્થાઓનું વર્ણન હોય તે દશા. (૧૦)કલ્પ– મૂલગુણ આદિના ભેદો જેમાં કહ્યા તે કલ્પ. (૧૧)વ્યવહાર– જેમાં પ્રાયશ્ચિત્તનો અને માલિકીનો(=કઇ વસ્તુ કયા સાધુની માલિકીની થાય એવો) વ્યવહાર કહ્યો હોય તે વ્યવહાર.