________________
સૂત્ર-૧૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૬૭
કહેવાય છે એમ પહેલાં કહેવાના પ્રયોજનનો આશ્રય લેવામાં આવે છે. (લક્ષણથી અને વિધાનથી એમ કહેવામાં તો પહેલાં લક્ષણ જ આવે છે. એથી અલ્પવિચારવાળું હોવાથી પહેલાં લક્ષણ કહેવાય છે એમ કહેવાની જરૂર જ ન રહે.)
ઉત્તર– વિધાન(=પ્રકાર) લક્ષણનું અંગ છે એમ જણાવવા માટે પહેલાં વિધાનનો ઉલ્લેખ કર્યો છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ એ બધા એકાર્થક છે. એમ કહીને પર્યાયો દ્વારા લક્ષણનું કથન કર્યું તે બરોબર છે. કેમકે મતિ આદિ પાંચેય મનન સ્વરૂપ છે. આ સૂત્રનો સામાન્ય અર્થ છે.
વિશેષ અર્થ મતિજ્ઞાનમ્ જ્ઞાતિ થી ભાષ્યકાર કહે છે- મનન કરવું તે મતિ. મતિ એ જ જ્ઞાન તે મતિજ્ઞાન. આ પ્રમાણે બધા શબ્દોમાં અક્ષરનો સંક્ષિપ્ત અર્થ કરવો. ભાવાર્થ તો આ છે—
મતિજ્ઞાન– ઇન્દ્રિય-મન રૂપ નિમિત્તથી થાય અને વર્તમાનકાળનો બોધ કરે તે મતિજ્ઞાન.
સ્મૃતિજ્ઞાન– પૂર્વે જાણેલ પદાર્થનું માનસિક જ્ઞાન, અર્થાત્ પૂર્વે અનુભૂતવસ્તુનું સ્મરણ, તે સ્મૃતિજ્ઞાન.
સંજ્ઞાજ્ઞાન– તે જ આ વસ્તુ છે જેને પૂર્વે મેં જોઇ હતી એવું જે જ્ઞાન તે સંજ્ઞાજ્ઞાન છે. (સંજ્ઞા ભૂતકાળના વિષયને વર્તમાનકાળનો વિષય બનાવે છે.)
ચિંતાજ્ઞાન– ભવિષ્યકાળનું યથાર્થ માનસિક જ્ઞાન તે ચિંતાજ્ઞાન છે. (અર્થાત્ ભવિષ્યની વિચારણા તે ચિંતા.)
આભિનિબોધિક— આ બધા પ્રકારોથી પદાર્થ સન્મુખ થઇને નિશ્ચિતરૂપે પદાર્થનો બોધ તે આભિનિબોધિક જ્ઞાન. (આભિનિબોધ શબ્દ મતિ આદિ દરેક જ્ઞાન માટે સર્વ સામાન્ય છે. જેમકે કેરી શબ્દ આફૂસ કેરી, કેસર કેરી ઇત્યાદિ દરેક કેરી માટે સર્વ સામાન્ય છે.)