________________
૨
* ટૂંકસાર
ઃ શાખા - ૧ :
મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ.સા. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ શરૂ કરતાં પોતાના ગુરુજનોને મંગલનિમિત્તે યાદ કરે છે. જ્ઞાન આત્માનો પ્રધાન ગુણ હોવાથી એ જ્ઞાનાત્મક આત્મસ્વરૂપને ઝંખતા જ્ઞાનરુચિવાળા આત્માર્થી જીવોને લક્ષમાં રાખીને આ ગ્રંથ રચાયેલ છે. (૧/૧)
જૈન દર્શન એટલે એકાંતવાદી બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક... વગેરે સર્વ દર્શનોની માન્યતાઓનો વિવેકદૃષ્ટિથી સાપેક્ષ સમન્વય. શક્તિ હોવા છતાં આવા જૈનદર્શનના તલસ્પર્શી જ્ઞાનને મેળવવાનો પુરુષાર્થ છોડીને ફક્ત ચારિત્રની ક્રિયાને જ મુખ્ય બનાવવાની નથી. પરંતુ ભગવદ્ભક્તિપૂર્વક જ્ઞાન-ક્રિયા ઉભયાત્મક મોક્ષમાર્ગમાં આગેકૂચ કરવાની છે. (૧/૨)
ઉપદેશપદ ગ્રંથમાં પણ શુદ્ધ ગોચરી વગેરેને ગૌણ યોગ તરીકે બતાવેલ છે અને નૈૠયિક પંચાચારમય દ્રવ્યાનુયોગને પ્રધાનયોગ તરીકે બતાવેલ છે. તેમાં ભૌતઘાતકનું દૃષ્ટાંત સમજાવીને ગુરુકુલવાસને, ગુરુની આજ્ઞાને જીવનમાં મુખ્ય બનાવવાની વાત કરેલ છે. (૧/૩)
પંચકલ્પભાષ્યમાં પણ આવશ્યકતા મુજબ, દ્રવ્યાનુયોગના અભ્યાસ માટે વિવેકદૃષ્ટિથી દોષિત ગોચરીની રજા આપેલ છે. કારણ કે દ્રવ્યશુદ્ધિ કરતાં ભાવશુદ્ધિ વધારે મહત્ત્વની છે. (૧/૪)
દ્રવ્યાનુયોગસંબંધી જ્ઞાનના આધારે સમ્યગ્દર્શનને શુદ્ધ કરી, તાત્ત્વિક ચારિત્રને પાળી સાધુ મહાન બને છે. દ્રવ્યાનુયોગના અભ્યાસથી સુલભબોધિપણું મળે છે. માટે આત્માર્થી સાધકે દ્રવ્યાનુયોગના જ્ઞાન માટે પ્રયત્ન કરવો. આ વાત ઉત્તરાધ્યયનસૂત્રમાં તથા ઉપદેશમાલામાં બતાવેલ છે. સંવિગ્ન બહુશ્રુતની ગેરહાજરીમાં શિથિલાચારી એવા સંવિગ્નપાક્ષિક બહુશ્રુત પાસેથી પણ શાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન મેળવવું. (૧/૫)
દ્રવ્યાનુયોગના વિચાર દ્વારા જીવ શુક્લધ્યાનનો પાર પામે છે. યોગની સ્થિરતા દ્વારા સાંસારિક ભાવોથી ઉદાસીન બનેલો જીવ ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાનને મેળવે છે. આમ દ્રવ્યાનુયોગના પરિશીલનથી કેવળજ્ઞાન માટે અનિવાર્ય એવા ધ્યાનાભ્યાસ અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સુસાધ્ય બને છે. (૧/૬)
સમ્મતિતર્ક ગ્રંથમાં પણ જણાવેલ છે કે તાત્ત્વિક સાધુપણું દ્રવ્યાનુયોગના અભ્યાસથી મળે છે. જે દ્રવ્યાનુયોગ ભણે નહિ અથવા શક્તિ હોવા છતાં જેને દ્રવ્યાનુયોગની રુચિ નથી તે સાધુ જ નથી કહેવાતો. આમ જ્યાં દ્રવ્યાનુયોગ નથી ત્યાં ઐશ્ચયિક ચારિત્ર જ નથી. માટે યથાશક્તિ ચારિત્રાચારનું પાલન કરી દ્રવ્યાનુયોગના પરમાર્થોને મેળવવા સાધકે કટિબદ્ધ બનવું જોઈએ. (૧/૭)
દ્રવ્યાનુયોગના અભ્યાસમાં તત્પર એવા સાધકે તથાવિધ ગીતાર્થ ગુરુની સેવા કરતાં કરતાં સારા નિમિત્તો દ્વારા બળ મેળવી પોતાની જાતને સુધારતા રહેવી. સંઘને વિશે ગુણાનુવાદ, ગુણાનુરાગ કેળવવો. નિંદા વગેરેથી દૂર રહેવું અને ગ્રંથિમુક્ત બનવા દ્વારા મોક્ષમાર્ગે વિકાસ કરવો. (૧/૮)
મોક્ષમાર્ગે આગળ વધતા વધતા શાસ્ત્રના અભ્યાસ દ્વારા બોધને સૂક્ષ્મ કરવો. તથા તેનાથી છકી ન જવું કે જ્ઞાનાભ્યાસમાં સંતોષી પણ ન બનવું. આગમના પરમાર્થ જાણવા-માણવા માટે સદ્ગુરુને સમર્પિત બનવું. (૧/૯)