________________
૧૪૬
- ટૂંકસાર જે
: શાખા - ૬ : અહીં પર્યાયાર્થિકનયનું નિરૂપણ કરેલ છે.
પહેલો પર્યાયાર્થિકનય “અનાદિનિત્ય સ્વરૂપે વસ્તુને સ્વીકારે છે. આત્મત્વ પર્યાય અનાદિનિત્ય છે. તેથી મનુષ્યત્વ, શ્રીમન્તત્વ વગેરેથી આપણને બહાર કાઢવાનું તે કામ કરે છે. (૬/૧-૨)
બીજો પર્યાયાર્થિકનય સિદ્ધત્વ સ્વરૂપ સાદિ-નિત્ય-શુદ્ધ પર્યાયને સ્વીકારે છે. તે નય ભવસાગરમાં દીવાદાંડી સમાન છે. ત્રીજો પર્યાયાર્થિકનય સત્તાને ગૌણ કરી ઉત્પાદ-વ્યયને મુખ્યરૂપે ગ્રહણ કરે છે. તે જીવને પુણ્યોદય, ક્ષાયોપથમિક જ્ઞાન વગેરેમાં મુસ્તાક ન બનવા ચેતવણી આપે છે. (૬/૩)
ચોથો પર્યાયાર્થિકનય વસ્તુના ધ્રુવસ્વરૂપને ગ્રહણ કરે છે. “સત્તા દ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ છે, નહિ કે પર્યાયો'- આ તેનું મન્તવ્ય છે. તે પર્યાયવિરક્તિની અને સ્વરૂપતિની દિશા બતાવે છે. (૬૪)
પાંચમો શુદ્ધ નિત્ય પર્યાયાર્થિકનય કર્મોપાધિથી નિરપેક્ષ છે. તે સંસારી જીવમાં સિદ્ધપર્યાયને દેખાડે છે અને દુર્ગુણીના દોષોને જોઈ તેનો તિરસ્કાર કરતા બચાવે છે. (૬/૫)
છઠ્ઠો કર્મોપાધિસાપેક્ષ અનિત્ય-અશુદ્ધ પર્યાયાર્થિકનય સંસારી જીવના જન્મ, વ્યાધિ, મરણ વગેરે પર્યાયોને સ્વીકારે છે. તે અશુદ્ધ પર્યાયોથી છૂટવાની પ્રેરણા આપે છે. (૬/૬)
મૂલ નવ નયમાં ત્રીજો નૈગમનય ત્રણ પ્રકારે છે. તેમાં પહેલો નૈગમ ભૂતકાળને વર્તમાન સ્વરૂપે જણાવે છે. તેનાથી સુકૃતોની અનુમોદના વગેરેની પ્રેરણા મળે છે. (૬/૭-૮)
બીજો નૈગમનય ભવિષ્યકાળને વર્તમાનરૂપે જણાવે છે. આ નય હતાશા છોડાવે છે. (૬૯)
ત્રીજો નૈગમનય ચાલુ ક્રિયામાં પૂર્ણક્રિયાનો ઉપચાર કરે છે. આ નય આધ્યાત્મિક સાધનાની સફળતા માટે અભ્રાન્ત વિશ્વાસ પ્રગટાવે છે. (૬/૧૦)
સંગ્રહનય વિવિધ વસ્તુને સમાનસ્વરૂપે સ્વીકારે છે. મનુષ્ય, પશુ, પંખી વગેરેમાં જીવત્વરૂપે સમાનતાને તે જુવે છે. તે જીવમાત્ર પ્રત્યે વાત્સલ્ય અને જડમાત્રનો વૈરાગ્ય રાખવાનું કહે છે. (૬/૧૧)
વ્યવહારનય દરેક જીવ અને જડ પદાર્થને તેના નામથી અને રૂપથી ઓળખે છે. તે દોષોનું અને ગુણોનું વિભાજન કરીને દોષમુક્ત બનવાની દિશા દેખાડે છે. (૬/૧૨)
વર્તમાન કાળમાં પોતાની પાસે જે હોય તેને જ વાસ્તવિક માનતો ઋજુસૂત્રનય ‘હું કાલે ધર્મ કરીશ' - આવા વિચારો દ્વારા જીવને આત્મવંચના કરતો અટકાવે છે. (૬/૧૩)
શબ્દનય પર્યાયવાચી શબ્દોને સ્વીકારે છે. સમભિરૂઢનય દરેક શબ્દના અર્થ જુદા માને છે. જે મૌન હોય તે મુનિ. જે ઈન્દ્રિયોને કાબુમાં રાખે તે સંયમી. આથી આપણને મળતા બિરૂદો કેટલા સંગત છે ? તે આ નયથી વિચારવું. (૬/૧૪)
એવંભૂતનય વિદ્યમાન ક્રિયાને સાપેક્ષ રહી વસ્તુને વાચ્યાર્થરૂપે સ્વીકારે છે. માટે જ્યારે ધર્મના પરિણામ અને ધર્મની પ્રવૃત્તિ હોય ત્યારે આપણે ધર્મી છીએ - આવું તે જણાવે છે. (૬/૧૫)
આ રીતે નવ નયની વાત પૂર્ણ થાય છે. ત્રણ ઉપનય આગળ કહેવાશે. (૬/૧૬)