________________
અનંતોપકારી અનંતજ્ઞાની ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના તારક તીર્થમાં નિર્મલ મંગલ જ્ઞાનધારાને અવિચ્છિન્નપણે પ્રવાહિત કરનારા, જિનશાસનની ગરિમાને ગજાવનારા, જ્ઞાનજ્યોતિર્ધર ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજનું સ્થાન જ્ઞાનના ક્ષેત્રે મોખરાના સ્થાને છે. સર્વે હળુકર્મી જીવોના અજ્ઞાનનું પ્રક્ષાલન કરવા માટે તથા શુચિ-શુદ્ધ-શાશ્વત-શાંત-શીતલ ચૈતન્યસ્વભાવનું સ્થાપન કરવા માટે તેઓશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી વગેરે વિવિધ ભાષામાં અનેક ગ્રંથો, વ્યાખ્યાઓ, રાસ, સંવાદ, સ્તોત્ર, સ્તવન વગેરેની અણમોલ રચના કરીને સાંપ્રતકાલીન સાધકોને સાધનામાર્ગનું સચોટ દિશાસૂચન કર્યું છે, જિજ્ઞાસુઓ માટે તત્ત્વજ્ઞાનની પરબ ખોલી છે, અજ્ઞાનરૂપ અંધકારમય ઊંડી ખીણમાં રહેલા અપ્રતિબુદ્ધ ભદ્રિક જીવો માટે દિવ્ય નેત્રોજન તૈયાર કર્યું છે, ભરતક્ષેત્રના ભવ્યાત્માઓની મધુમય આસન્નભવ્યતાને ઊર્ધ્વમુખી કરેલી છે. અપભ્રંશ (જૂની મા ગુર્જર) ભાષામાં રચાયેલી તેઓશ્રીની દર્શનીય દાર્શનિક કૃતિ એટલે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'. આ ગ્રંથ તત્ત્વજ્ઞાનથી ભરપૂર છે.
શાસ્ત્ર દ્વારા માત્ર માહિતીજ્ઞાન નથી મેળવવાનું પરંતુ આત્મજ્ઞાનસભર તત્ત્વજ્ઞાન મેળવવાનું છે. તત્ત્વજ્ઞાનથી નિજ શુદ્ધાત્મસ્વરૂપની શ્રદ્ધાને પુષ્ટ કરવાની છે તથા શુદ્ધોપયોગસ્વરૂપ નિજસ્વભાવનો શંખનાદ ફૂંકવાનો છે. તે માટે શાસ્ત્રાભ્યાસ દરમ્યાન “શુદ્ધાત્મતત્ત્વ શું છે ? તેની પ્રાપ્તિ મને કેમ થાય ? મારા મૂળભૂત ચૈતન્યસ્વભાવે કઈ રીતે ઝડપથી પરિણમું? તેની વિધિ શું છે ? શાસ્ત્રના માધ્યમે મારે આ બાબત સમજવી છે' - આ મુજબ નિજસ્વરૂપપ્રાપ્તિની ચિંતા પોતાના અંતરંગ અભિપ્રાયમાં દઢપણે વણાયેલી હોવી જોઈએ, અંતરના ઊંડાણમાં છવાયેલી હોવી જોઈએ. જેમ છાશના મંથનથી માખણ પ્રગટે છે, તેમ પ્રત્યેક શાસ્ત્રવચનના રહસ્યાર્થને પામવાની તીવ્ર ઝંખનાથી તથા શાસ્ત્રવચનના પરમાર્થને પરિણમાવવાની આંતરિક ઝૂરણાથી અધ્યાત્મનવનીત અંતરમાં ઉદ્ભવે છે.
પૂર્વે ગ્રહણ કરેલા અનંતા દ્રવ્યલિંગ નિષ્ફળ કેમ ગયા ?” અગિયાર અંગ અને સાડા નવ પૂર્વનું જ્ઞાન અનંતી વાર અજ્ઞાનરૂપે શા માટે પરિણમ્યું?' - આ અંગેની ઊંડી વેદના અને વ્યથા દ્વારા સાચું આત્માર્થીપણું અપનાવવાથી જ શાસ્ત્રનિહિત અધ્યાત્મસુધારસનો આસ્વાદ માણવાનું સૌભાગ્ય સાંપડે છે. નિજ પરમાત્મતત્ત્વને પ્રગટ કરવા સ્વરૂપ પ્રયોજનની સિદ્ધિ તો રાગાદિ દોષોમાંથી સર્વથા છૂટવાના આંતરિક જીવંત લક્ષથી જ થાય છે. દોષમુક્તિની પ્રબળ ઝંખના સ્વરૂપ મુમુક્ષુતા મુનિ થવાથી મટી જવી ન જોઈએ. બાકી અપ્રધાન દ્રવ્યલિંગી બનતાં વાર ન લાગે. વ્યાવહારિક સાધુજીવનમાં મેળવેલ ઉપલક શાસ્ત્રજ્ઞાન, માહિતીપ્રધાન શ્રુતજ્ઞાન કે પરલક્ષી સમજણ તો બહિર્મુખી બુદ્ધિની જેમ શસ્ત્રરૂપે પરિણમે તેવું જોખમ ઊભું જ છે. વિદ્વત્તાનો નશો વાદ-વિવાદ-વિતંડાજનક બની જાય છે.
શાસ્ત્રાભ્યાસ દ્વારા આપણું બાહ્ય વ્યક્તિત્વ ઉપસાવવાનું નથી. પણ ઓગાળવાનું છે' - આ મૂળ વાત છે. શાસ્ત્રીય માહિતીજ્ઞાનના પ્રદર્શનમાં અટવાવાનું નથી પણ શ્રુતજ્ઞાનના માધ્યમે પોતાના