________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર કળશ ૧૬૮ . અલ્પ-ટૂંકું હોય છે, કોઈ દુઃખ ભોગવે છે, કોઈ સુખ ભોગવે છે - આ બધુંય “સ્વકીય' - પોતાના પૂર્વે બાંધેલા કર્મના ઉદય થકી જ સદૈવ - ત્રણે કાળમાં નિયતપણે” - નિશ્ચિતપણે - ચોક્કસપણે હોય છે. જીવ પોતાના આયુ કર્મના ક્ષય થકી જ નિયત સમયે મરણ પામે છે, પોતાના આયુકર્મના ઉદય થકી જ નિયત સમય પર્યત જીવિત અનુભવે છે, પોતાના અસાત વેદનીય કર્મના ઉદય થકી જ નિયતપણે દુઃખ ભોગવે છે, પોતાના સાત વેદનીય કર્મના ઉદય થકી જ નિયતપણે સુખ ભોગવે છે. આમ ત્રણે કાળમાં પોતાના કર્મોદય થકી જ - મરણ જીવિત - દુઃખ - સુખ સદાય નિયતપણે હોય છે, એવી ત્રણે કાળમાં નિયત - ધ્રુવ - અફર નિશ્ચય રૂપ સ્થિતિ છે, છતાં અહંકારથી કોઈ એમ માનતો હોય, કે હું બીજાના મરણ - જીવિત - દુઃખ - સુખ કરી દઉં, અથવા તો બીજથી મારા મરણ - જીવિત - દુઃખ - સુખ કરી દેવાય, તો તે કેવલ અજ્ઞાન જ છે - સુનિશ્ચિત વસ્તુસ્થિતિનું અજાણપણું જ છે, કારણકે બીજે પુરુષ બીજાના મરણ - જીવિત - દુઃખ – સુખ કરી શકવાને ત્રણે કાળને વિષે ત્રણે લોકને વિષે સમર્થ છે નહિ, સર્વથા અસમર્થ જ છે. -
“એક ગર્ભાધાનમાં આવતાં જ મરણ પામે છે. એક જભ્યો કે તરત મરણ પામે છે. એક મૂએલો અવતરે છે અને એક સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. કોઈના મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મૂર્ણ રાજ્યગાદી પર ખમાખમાથી વધાવાય છે અને સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે ! આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો, એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે ? મેં કહ્યું છે તે ઉપરથી તમને વિચાર આવતો હોય તો કહો કે, તે શા વડે થાય છે? પોતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે. કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા (બાલાવબોધ) પાઠ-૩.
૪૧૭