________________
સમયસાર : આત્મખ્યાતિ
અર્થાત્ આટલી આટલી સ્ફુટ વિવેચના કર્યા પછી અત્રે પદે પદે ભેદશાનની ભાવનાનો આટલો આટલો વજ્રલેપ, દૃઢ અભ્યાસ કરાવ્યા પછી અને પરિસ્ફુટ ચૈતન્યલક્ષણના આલંબનથી જીવ-અજીવના ભેદશાનની આટલી આટલી પરમ રહસ્યભૂત ચાવી (Master-key) બતાવ્યા પછી, અને આમ ભેદજ્ઞાનનું આ અપૂર્વ નાટક આટલા આટલા પરમાર્થ અભિનયથી ભજવી દેખાડ્યા પછી, કોઈને પણ કંઈ પણ મોહ રહેવો જોઈતો નથી; છતાં જો હજુ કોઈને આ બાબતમાં મોહ-અવિવેક રહ્યો હોય તો તે નિરવધિ - અમર્યાદિત - અસીમ મોહનો વિલાસ જ સૂચવે છે અને તે દેખીને અમને સખેદ આશ્ચર્ય થાય છે કે - અહો ! અરે ! અમે આટલું આટલું પોકારી પોકારીને કહી આંધળો પણ દેખી શકે અને વ્હેરો પણ સાંભળી શકે એવી રીતે આ ભેદજ્ઞાનનું અલૌકિક નાટક ભજવી દેખાડ્યું, તો પણ આ મોહ હજુ પોતાનું નાટક કેમ ભજવી રહ્યો છે ?* અમૃતચંદ્રજી જેવા પરમ જ્ઞાનીનો જાણે પ્રતિઘોષ કરતા હોય એમ પરમજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી પોકારી પોકારીને કહી ગયા છે કે -
કોઈ પણ પ્રકારે મૂર્છા પાત્ર આ દેહ નથી, તેને દુઃખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે.
દેહ તે આત્મા નથી. આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જે ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે અર્થાત્ દેહ નથી.''
‘‘વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તો પછી એ ભિન્ન દેહનાં તેના સ્વાભાવિક ક્ષય વૃદ્ધિ રૂપાદિ પરિણામ જોઈ હર્ષ શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી, અને અમને તમને તે નિર્ધાર કરવો, રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે.''
શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૫૧), ૪૨૫
૪૪
-