________________
સમયસાર : આત્મખ્યાતિ
નય આત્માને સમજવા અર્થે કહ્યા છે, પણ જીવો તો નયવાદમાં ગુંચવાઈ જાય છે. આત્મા સમજાવવા જતાં નયમાં ગુંચવાઈ જવાથી તે પ્રયોગ અવળો પડ્યો.''
‘“સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે અને આત્માર્થ તે જ એક ખરો નય. નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય, છેવટે ઉપશમ ભાવ આવે, તો ફળ થાય, નહીં તો જીવને નયનું જ્ઞાન જાળ રૂપ થઈ પડે, અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. સત્પુરુષના આશ્રયો જાળ ટળે.’’ - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - (૪૩) ૯૫૭ (ઉપદેશ છાયા)
આત્મા એકાંતે નિશ્ચયથી શુદ્ધ છે એમ માની પર સંયોગજન્ય વ્યવહારથી પ્રાપ્ત અશુદ્ધિનો દુર્લક્ષ કરે ઉપેક્ષા કરે, તો શુદ્ધ કેમ થાય ? તેમજ આત્મા એકાંતે વ્યવહારથી અશુદ્ધ છે એમ માની નિશ્ચયથી શુદ્ધ આત્માનો દુર્લક્ષ કરે - ઉપેક્ષા કરે, તો પણ શુદ્ધ કેમ થાય ? કારણકે બન્ને નયની સાપેક્ષતા જ જીવને આત્મ વિકાસમાં ઉપકારી થાય છે. કારણકે બન્ને નય એકબીજાને પરસ્પર (Counter-balancing) સામસાનું સમીકરણ કરી - સમુચિત મર્યાદામાં રાખી જીવને પડવા દેતા નથી અને આગળ આગળ લઈ જઈ માર્ગે ધારી રાખે છે. જ્યારે જીવ એકાંત નિશ્ચય પ્રતિ ઢળી પડે છે, ત્યારે વ્યવહારનય પર સંયોગજન્ય અશુદ્ધિનું ભાન કરાવી અગ્નિ તાપથી સુવર્ણ શુદ્ધિના દૃષ્ટાંતે આત્માને અપરમ ભાવની ઉત્તરોત્તર વધતી જતી શુદ્ધિની શ્રેણીએ ચઢાવી પરમ ભાવ પ્રત્યે લઈ જાય છે, જ્યારે જીવ એકાંતે લક્ષ ન ભૂલવાની તકેદારી રખાવે છે, ને અપરમ ભાવની ઉત્તરોત્તર શુદ્ધિથી પરમભાવ પ્રત્યે લઈ જાય છે. હાલક ડોલક પાટીઆ પર બે જણ સામસામા બેઠા હોય, તેમાં જે બાજુ વજન હોય તે તરફ પાટીયું ઢળી પડે છે, ત્યારે સામી બાજુએ વજન આપવાથી પાટીયું મધ્યમાં - મધ્યસ્થ રહે છે સામસામું સમીકરણ (Counter balancing) થાય છે, તેમ એક નય બાજુ (પક્ષે) વજન આપતાં તે તરફ ઢળી પડાય છે, તેને સામી બાજુએ વજન આપવાથી મધ્યસ્થતા - સામસામું સમીકરણ (Counter
balancing) થાય છે, એમ દૃષ્ટાંત અત્ર સમજવાનું છે, એટલે અત્રે વ્યવહારનયને પૂર્વ પદવીમાં હસ્તાવલંબ રૂપ કહ્યો છે તે યથાર્થ છે, કારણકે તે (૧) પડેલાને હસ્તાવલંબ - હાથનો ટેકો આપી ઉભો કરે છે. (૨) હસ્તાવલંબ આપી પડવા દેતો નથી. (૩) હસ્તાવલંબથી - હાથના ટેકે ટેકે ઉપર ઉપર ચઢાવે છે.
-
આમ અહીં વ્યવહારનય પૂર્વ ભૂમિકામાં પદ મૂકનારાઓને - પ્રારંભિક અવસ્થાવંત સાધકોને ‘હસ્તાવલંબ રૂપ’ - હાથના ટેકા રૂપ આશ્રય રૂપ આધાર રૂપ થાય છે. આરોહકને આલંબન આવશ્યક :જેમ પ્રાસાદ શ્રેણી પર ચઢવા માટે નિસરણી રૂપ આલંબનની - ટેકાની આરૂઢને અનાવશ્યક જરૂર રહે છે, તેમ આત્મગુણ શ્રેણી રૂપ સિદ્ધ પ્રસાદ રૂપ સિદ્ધ પ્રાસાદે ચઢવા માટે યોગારોહક મુમુક્ષુઓને વ્યવહાર રૂપ નીસરણીના અવલંબનની અવશ્ય અનિવાર્ય જરૂર રહે છે. પણ પરભાવથી-વિભાવથી વિરહિત સર્વથા રહિત એવો ચિત્ ચમત્કારમાત્ર પરમ અર્થ જેઓ પોતાના અંતરમાં અનુભવ નેત્રથી પ્રત્યક્ષ દેખે છે, સાક્ષાત્ પ્રગટ અનુભવે છે, એવા પરમભાવદર્શી આત્મદેષ્ટા જ્ઞાનદશાસંપન્ન જ્ઞાની પુરુષોને તો પછી આ વ્યવહાર કંઈ કામનો નથી, તેનું કાંઈ પ્રયોજન રહેતું નથી. જેમ પ્રાસાદ શિખરે ચઢી ગયા પછી નીસરણી રૂપ આલંબનની – ટેકાની કાંઈ જરૂર રહેતી નથી, તેમ આત્મગુણ શ્રેણીની પરાકાષ્ઠારૂપ પરમ ભાવ પ્રાસાદ શિખરે આરૂઢ થયા પછી યોગારૂઢ પુરુષોને વ્યવહાર રૂપ આલંબનની જરૂર રહેતી નથી. પરમ ભાવરૂપ ગિરિ શૃંગ પ્રત્યે ચઢવા માટે વ્યવહાર રૂપ હસ્તાવલંબની જરૂર છે, પણ જ્યાં માત્ર ચૈતન્ય ચમત્કાર સિવાય બીજું કાંઈ નથી એવા પરમભાવ રૂપ ગિરિ શ્રૃંગે આરૂઢ થયેલા યોગારૂઢ પુરુષોને વ્યવહાર રૂપ હસ્તાવલંબનની જરૂર નથી. કારણકે ચઢેલાને ચઢવાનું શું ? પામેલાને પામવાનું શું ?
આઠમી દૃષ્ટિ સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી; આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શિશ સમ બોધ વખાણુંજી.
૧૪૮
-