________________
. પ્રસ્તાવના છે
15
પ્રબુદ્ધ થશે અને ધ્રુવતાના નિમિત્તે માધ્યસ્થ્યના સંસ્કાર પ્રબુદ્ધ થશે. આ રીતે માધ્યસ્થ્યજનક ધ્રુવત્વ બને છે. તેથી નિમિત્તભેદ તો છે જ, જે નિમિત્તભેદ સંસ્કારભેદનું કારણ બને છે. આ રીતે ધ્રુવતા પણ તમારે સ્વીકારવી રહી. ધ્રુવતાના સ્વીકારથી ત્રિપદીનો પણ સ્વીકાર થશે.
આની વિશદ ચર્ચા માટે વાંચો પં. શ્રીયશોવિજયજી મહારાજ દ્વારા રચિત દ્રવ્યાનુયોગ પરામર્શવૃત્તિમાં પૃ.૧૧૬૯-૧૧૮૦.
તે જ રીતે યોગાચાર નામના બૌદ્ધ વિદ્વાનના શાનાદ્વૈતવાદ,માધ્યમિક નામના બૌદ્ધ વિદ્વાનના શૂન્યવાદની પણ ચર્ચા કરી છેલ્લે સ્યાદ્વાદ જ યોગ્ય છે. તે જ સ્વીકૃત છે. આ પદાર્થને વિસ્તારથી સમજવા વાંચો પૃ.૧૧૮૧ થી ૧૧૯૭.
આ રીતે કારણભેદથી કાર્યભેદના સિદ્ધાંતથી ઉત્પાદાદિ ત્રણેયમાં પરસ્પર ભેદની સિદ્ધિ થવા છતાં એક અવિભક્ત દ્રવ્યસ્વરૂપે તો ત્રણેયમાં પરસ્પર અભેદ જ છે.
નૈયાયિકો ઉત્પાદ-વ્યયને કથંચિદ્ ભેદ કે કથંચિદ્ અભેદરૂપે નહીં સ્વીકારતા એકાંતભેદરૂપે સ્વીકારવાની જે વાત કરે છે, તેનો જવાબ આપતાં પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે એકાંતભેદ માનવામાં કારણતામાં ગૌરવ કેવી રીતે આવે છે, તેની સુંદર ચર્ચા કરી છે. વાંચો - પં. શ્રીયશોવિજયજી મહારાજ દ્વારા રચિત દ્રવ્યાનુયોગ પરામર્શવૃત્તિ પૃ.૧૧૯૮ થી ૧૨૦૩.
ઉત્પાદાદિ ત્રિપદી સર્વત્ર, સમકાળે, સમાન અધિકરણમાં છે – તે વાત નિશ્ચયતત્ત્વચિંતક મહોપાધ્યાયજી પણ વ્યવહારુ દષ્ટાંતથી બખૂબી વર્ણવી રહ્યા છે.
એક વ્યક્તિ છે જેને માત્ર દૂધ જ જમવું તેવો નિયમ લીધો છે તો તે દહીં ખાતો નથી. બીજી વ્યક્તિ છે તેણે નિયમ લીધો કે દહીં જ જમવું તો તે દૂધ પીતો નથી. તથા ત્રીજી વ્યક્તિ છે તેણે નિયમ લીધો છે કે અગોરસ જ જમવું તો તે દૂધ ને દહીં બન્ને જમતો નથી. આ રીતે દૂધને જમવાવાળો દહીં નથી જમતો. જો દહીં દૂધનો પરિણામ હોવાથી દહીંમાં દૂધનો એકાંતે અભેદ હોય તો દહીં ખાવામાં દૂધવ્રતવાળાને ભંગ ન થાય. તેમ દહીં ખાવાના નિયમવાળાને દૂધ પીવામાં વ્રતભંગ ન થાય. પણ તેવું નથી. માટે એકાંતે અભેદ નથી માનતાં પરંતુ કથંચિદ્ ભેદ માન્ય છે. તેથી દૂધ અને દહીં બન્નેમાં પર્યાયસ્વરૂપે ભેદ તો છે જ. તથા અગોરસ જમવું તેમાં ગોરસ સ્વરૂપે દૂધ અને દહીં બન્નેનો સમાવેશ છે. દૂધ અને દહીં વચ્ચે પર્યાયસ્વરૂપે ભેદ છે છતાં ગોરસ તરીકે અભેદ છે. દૂધ અને દહીંમાં ગોરસની ધ્રુવતા છે. આ રીતે દહીંરૂપે ઉત્પાદ, દૂધ રૂપે નાશ અને ગોરસ રૂપે ધ્રુવતા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. વિસ્તાર માટે જુઓ પૃ.૧૨૦૪ થી ૧૨૦૭.
આ વિષયમાં શ્રીવિદ્યાનંદસ્વામીજીએ રચેલ અષ્ટસહસ્રીનું વિશદ વર્ણન પં. શ્રીયશોવિજયજીએ ઉતાર્યું છે. તે ત્યાંથી વાંચવું. (પૃ.૧૨૦૭ થી ૧૨૧૦)
પૂ. ઉપાધ્યાયજી મહારાજ ન્યાયની પરિભાષામાં વપરાતા શબ્દોથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને એક અલગ એંગલથી ઉતારે છે.
વસ્તુના બે સ્વરૂપ છે – અન્વય અને વ્યતિરેક.
વસ્તુનું અન્વયી સ્વરૂપ છે, જે દ્રવ્ય કહેવાય છે.
વસ્તુનું વ્યતિરેકી સ્વરૂપ છે, જે પર્યાય કહેવાય છે.