________________
૭ પ્રસ્તાવના ૭
હવે જાતિપરક વિધાનની દષ્ટિએ સમજીએ તો પણ બધા જ સર્પો કાળા હોય છે તેમ ન સમજવું. કારણ કે શેષનાગની સફેદ સાપ તરીકે પ્રસિદ્ધિ છે. તેથી આ વાક્યને કથંચિત્ રીતે જ સમજવું જોઈએ.
14
-
અપૂર્વ સ્મૃતિશક્તિના ધારક પં.શ્રીયશોવિજયજી મહારાજે અભિધાન ચિંતામણિ ગ્રંથના આધારે શેષનાગના પણ બે પ્રકાર જણાવેલ છે તથા અન્ય સર્પોના વર્ણો પણ બતાવ્યા છે.
“શેષનાગ કાળો અથવા સફેદ હોય છે. તેનું ચિહ્ન શ્વેતકમળ છે. તથા વાસુકિનાગ, જે સર્પોનો રાજા છે, તેનો વર્ણ શ્વેત છે. તેનું ચિહ્ન નીલકમલ છે. તથા તક્ષક સર્પનું શરીર લાલ છે. તેના મસ્તક પર સ્વસ્તિકનું ચિહ્ન છે. મહાપદ્મ સાપ તો અત્યંત શ્વેત વર્ણવાળો છે. તેના મસ્તક પર દશ ટપકાં છે.” (જુઓ - દ્રવ્યાનુયોગ પરામર્શકર્ણિકા ટીકા - પૃ.૧૧૬૦.) લૌકિક વાક્યમાં પણ જો ‘સ્વાત્’ પદનો અર્થ સંભવે છે તો ત્રિપદી જેવા લોકોત્તર વિષયમાં તો ‘સ્વાત્’ પદનો અર્થ જરૂર સંભવે જ છે.
ત્રિપદીના વિષયમાં પૂ. ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ વધુ ઊંડાણ આપતા દ્રવ્યવાદીને અને પર્યાયવાદીને વાદી-પ્રતિવાદી બનાવી ચર્ચાને મઝાનો રંગ આપે છે.
દ્રવ્યવાદી એમ કહે છે કે એક જ અવિકારી (ધ્રુવ) દ્રવ્યના શક્તિસ્વભાવથી જ ત્રણે શોકાદિ કાર્યો થઈ જશે. પછી ઉત્પાદ અને વ્યય સ્વરૂપ પર્યાયો માનવાની જરૂર જ ક્યાં રહે છે ? માટે પર્યાયનો સ્વીકાર કાલ્પનિક છે. (પૃ.૧૧૬૩)
આના પ્રત્યુત્તરમાં પર્યાયવાદી કહે છે –
પર્યાય માન્યા વિના દ્રવ્યના એક શક્તિ સ્વભાવથી આ બધા કાર્યો થતાં હોય તો કાર્યવિપર્યાસ થશે. કેમ કે જે શક્તિસ્વભાવથી શોક નામનું કાર્ય ઉત્પન્ન થાય, તે જ સ્વભાવથી પ્રમોદ પણ ઉત્પન્ન થઈ શકે છે તો શોકની જગ્યાએ પ્રમોદ અને પ્રમોદની જગ્યાએ શોક - આમ વિપર્યાસ થતો કોણ અટકાવશે ? માટે એક જ શક્તિસ્વભાવની કલ્પના ન થઈ શકે. શક્તિસ્વભાવની કલ્પના પણ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ હોવી જોઈએ ને ? પ્રત્યક્ષથી ત્રણે કાર્યો ભિન્ન છે તો તે કાર્યમાં શક્તિભેદ માનવો જોઈએ અને શક્તિભેદ પણ કારણભેદથી થાય છે. માટે કારણભેદ સ્વીકારવો જ જોઈએ. આથી હર્ષ -શોક-માધ્યસ્થ્યસ્વરૂપ ત્રણ કાર્યની સંગતિ માટે મુગુટઉત્પાદ, ઘટનાશ અને સુવર્ણદ્રવ્યની ધ્રુવતા ત્રણ વિભિન્નકા૨ણો સિદ્ધ થશે. તેથી મુગુટઉત્પાદ અને ઘટનાશ વગેરે પર્યાયો પણ કાર્યસંગતિ માટે સ્વીકારવા જરૂરી છે. આ રીતે પર્યાયો મિથ્યા નથી. ત્રિપદીનો એક અંશ ધ્રૌવ્ય જ સત્ છે અને ઉત્પાદ-વ્યય અસત્ છે તેવું વિચારવું પણ અનર્થક છે. (પૃ.૧૧૬૫-૧૧૬૭)
હવે પર્યાયોને વાસ્તવિકતાનો દરજ્જો આપ્યો ત્યારે પર્યાયોને જ માનતા અને તે પણ ક્ષણિક જ માનતા બૌદ્ધો એમ કહે છે કે વસ્તુ ઉત્પાદ-વ્યય પર્યાયસ્વરૂપ છે, ક્ષણિક છે. તે વાત બરાબર છે. પણ ધ્રુવતા તો વિશ્વમાં છે જ નહીં. તો વસ્તુમાં તે ક્યાંથી આવી ? (પૃ.૧૧૬૯-૧૧૭૦) આ બૌદ્ધના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મહાન દાર્શનિક તથા પ્રકાંડ સમાલોચક પૂ.ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ જણાવે છે કે હર્ષાદિ ત્રણેય કાર્યોમાં તમે તે તે વ્યક્તિના સંસ્કારોને (વાસનાને) કારણરૂપે માનો છો. પણ તે સંસ્કારોને પ્રબુદ્ધ થવા માટે તે તે નિમિત્ત તો જોઈશે ને ? નિમિત્તભેદ વિના સંસ્કારભેદ કઈ રીતે થશે ? જેમ કે ઉત્પાદના નિમિત્તે હર્ષના સંસ્કાર પ્રબુદ્ધ થશે. નાશના નિમિત્તે શોકના સંસ્કાર