________________
12
• પ્રસ્તાવના .
દોષ ક્યાં લાગે ? જેમ કે પાણીમાં શીતળતા છે, અગ્નિમાં ઉષ્ણતા છે. પાણીમાં ઉષ્ણસ્પર્શ રહેતો નથી તથા અગ્નિમાં શીત સ્પર્શ રહેતો નથી. આમ એક બીજાનો પરિહાર કરીને રહેતા હોવાથી એક જ વસ્તુમાં બન્નેનો સ્વીકાર કરવામાં ઉપરોક્ત દોષ લાગે. પરંતુ પ્રસ્તુત ત્રિપદીમાં આ વિરોધ નથી. કારણ કે ત્રિપદી એક જ દ્રવ્યમાં/પદાર્થમાં પ્રત્યક્ષ પ્રમાણથી દૃશ્યમાન થાય છે અને એક પદાર્થની જેમ તમામ પદાર્થમાં પણ તેવી રીતે દેખાય છે. (પૃ.૧૧૨૫-૧૧૨૬)
અનેક ગ્રંથો પર અદ્ભુત સંસ્કૃતવૃત્તિના રચયિતા વિર્ય પં.શ્રીયશોવિજયજી મહારાજ આ જ વાતને અનેક ગ્રંથોના પ્રમાણ સાથે ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' વ્યાખ્યામાં વિસ્તૃત રીતે સ્પષ્ટ કરે છે. વિશેષાવશ્યકભાષ્યના સંદર્ભના આધારે ‘દ્રવ્યાનુયોગ પરામર્શકર્ણિકા' નામની ટીકામાં જણાવ્યું છે કે જુદા જુદા ગુણધર્મની અપેક્ષાએ એકીસાથે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એકત્ર માનવામાં વિરોધ નથી. (પૃ.૧૧૨૬) જે સ્વરૂપે જે વસ્તુની જ્યારે ઉત્પત્તિને માનીએ છીએ, તે જ સ્વરૂપથી તે જ વસ્તુનો નાશ કે ધ્રૌવ્ય માનતા નથી કે જેના લીધે એક જ સ્થાનમાં એકીસાથે ઉત્પાદાદિ ત્રણનો સ્વીકાર કરવામાં વિરોધ આવે. જૈન દર્શન જુદા સ્વરૂપે વસ્તુની ઉત્પત્તિ, જુદા સ્વરૂપે વસ્તુનો નાશ તથા ભિન્ન સ્વરૂપે વસ્તુના ધ્રૌવ્યને સ્વીકારે છે. જેમ કે માણસ આંગળી સીધી કરે ત્યારે આંગળી સરળતા રૂપે ઉત્પન્ન થાય છે. વક્રતા સ્વરૂપે નાશ પામે છે ને આંગળી સ્વરૂપે સ્થિર રહે છે. આ બધું એક જ સ્થાનમાં થાય છે.
સ્યાદ્વાદની સુંદર વ્યાખ્યા ન્યાયખંડખાદ્ય ગ્રંથને આધારે રજૂ થઈ છે - ‘એક જ વસ્તુમાં અનેક વિરુદ્ધ ગુણધર્મોનું પ્રતિપાદન કરવું એ સ્યાદ્વાદ નથી પરંતુ જુદી-જુદી વિવક્ષાથી અનેકવિધ ધર્મોમાં અવિરોધને જણાવનાર ‘સ્યાત્' પદથી યુક્ત વિશેષ પ્રકારનું વાક્ય એ સ્યાદ્વાદ છે.' (પૃ.૧૧૨૬)
વાર્ષ્યાણિ મહર્ષિ એક જ વસ્તુમાં છ ભાવિકારોને માને છે અને અન્ય ભાવવિકારોનો તે છમાં સમાવેશ કરે છે તેમ જૈનદર્શન આ છ ભાવવિકારોને પણ ઉત્પાદાદિ ત્રણમાં સમાવિષ્ટ કરે છે. (પૃ.૧૧૨૮)
આ રીતે એક જ અધિકરણમાં ઉત્પાદાદિ ત્રણેય પ્રત્યક્ષ સિદ્ધ છે. અન્ય દર્શનકારો નિત્યત્વ અને અનિત્યત્વ ભિન્ન-ભિન્ન અધિકરણમાં માને છે. જ્યારે જૈનદર્શન અપેક્ષાભેદથી નિત્યત્વ-અનિત્યત્વ બન્નેને એક જ અધિકરણમાં માને છે. આ જૈનદર્શનની અનેકાન્તદૃષ્ટિ છે. (પૃ.૧૧૨૭)
(૩) સમકાલીનત્વ :- સમકાળે ત્રિપદી એ ત્રિપદીની ત્રીજી વિશેષતા છે. એક જ દ્રવ્યમાં એક જ સમયે ઉત્પાદાદિ ત્રણેય હોય છે.
પ્રસ્તુત ગ્રંથની પંક્તિ
-
“ઘટવ્યય તે ઉત્પત્તિ મુકુટની ધ્રુવતા કંચનની એક રે...”
સુવર્ણઘટનો નાશ એ જ સુવર્ણમુકુટની ઉત્પત્તિ છે. તેથી વ્યય અને ઉત્પાદ એક જ ક્ષણમાં થાય છે અને તે જ સમયે સુવર્ણદ્રવ્યની ધ્રુવતા તો છે જ. તેથી એક જ સમયમાં ઉત્પાદાદિ ત્રણેય એક જ ઉપાદાનમાં રહેલા છે. (પૃ.૧૧૩૨-૧૧૩૪)
સમકાળે એક જ ઉપાદાનમાં હોવાથી અભેદસંબંધ છે અને આવી સમકાલીન ઘટનામાં પણ કાર્ય-કારણભાવ છે. આ વાત વિદ્વર્ય સમર્થવૃત્તિકાર પં. શ્રીયશોવિજયજી મહારાજે દ્રવ્યાનુયોગ પરામર્શવૃત્તિમાં વિશેષાવશ્યકભાષ્યના સંદર્ભના આધારે અભિવ્યક્ત કરેલ છે.