________________
|| નમઃ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય છે ત્રિપદી
- પૂજ્ય આચાર્યદેવ
.. શ્રીમદ્ ભાગ્યેશવિજયસૂરીશ્વરજી મ.સા. જ્ઞાનસાર ગ્રંથ પૂ. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની અણમોલ કૃતિ છે. સાધનાનો અદ્ભુત ખજાનો તેમાં છે. જ્ઞાનસાર પર અધ્યાત્મયોગી પૂ. ઉપાધ્યાય શ્રીદેવચંદ્રજી મહારાજે અધ્યાત્મગર્ભિત નિશ્ચયનયના પ્રતિપાદનથી યુક્ત જ્ઞાનમંજરી વૃત્તિ આલેખી છે. તેમાં અનુભૂતિ સુધી પહોંચવા ક્યાંથી પ્રારંભ કરવો ? તે વાત બહુ મઝાની બતાવી છે.
यथार्थपरिच्छेदनम् भेदज्ञानविभक्तस्व-परत्वेन स्वस्वरूपैकत्वानुभवः तन्मयत्वं ध्यानम्... અનુભૂતિ સુધી તથા ધ્યાન સુધી પહોંચવા પહેલું સ્ટેપ બતાવ્યું છે - યથાર્થપરિચ્છેદ્રન..
છ દ્રવ્યોનું યથાર્થજ્ઞાન.. યથાર્થ એટલે જે જેવું છે તેવું જ્ઞાન... ક્યાંય સ્વમતિ કલ્પના નહીં કરતાં જે દ્રવ્ય જે સ્વરૂપે છે, તે સ્વરૂપે તેનું જ્ઞાન કરવું એ જ યથાર્થ પરિચ્છેદન છે.
ત્યાર પછી એ જ્ઞાનના આધાર પર ભેદજ્ઞાન... જેમાં સ્વ અને પરનો વિભાગ કરવો. “આ સ્વ છે, આ પર છે' - તેવી જ્ઞાનની પરિણતિ. તેવું જ્ઞાનનું પરિણમન... યથાર્થ પરિચ્છેદન થયા પછી આત્માને આવું સમ્યગુ જ્ઞાન થાય છે કે - “આ સ્વ છે. આ હું જ છું. આ પર જ છે. આ હું નથી જ.” સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયને આત્મા યથાર્થપરિચ્છેદનથી તથા ભેદજ્ઞાનથી જાણે છે અને પરદ્રવ્ય -ગુણ-પર્યાયને પણ આત્મા યથાર્થપરિચ્છેદનથી તથા ભેદજ્ઞાનથી જાણે છે. આ જાણવાનું કાર્ય કરવું એ આત્માનું જ કાર્ય છે.
જે સ્વને નથી જાણતો તે પરને પણ પરરૂપે જાણી શકતો નથી. તથા જે સ્વને સ્વરૂપે જાણે છે તે પરને પરરૂપે પણ જાણે છે. જે એકને બરાબર જાણે છે, તે બીજાને પણ બરાબર જાણી શકે છે.
બજારમાં તુરિયાનું શાક લેવા માટે મોકલેલ વ્યક્તિ તુરિયાને બદલે ભીંડા લઈ આવે તો શું સમજાય? આ તુરિયાને ઓળખતો નથી. તુરિયાનું તેને જ્ઞાન નથી પરંતુ આટલું જ સમજવું પૂરતું નથી. કેમ કે તેને ભીંડાનું પણ જ્ઞાન નથી કે આ ભીંડા છે. જો ભીંડાને ઓળખતો હોત તો તે ક્યારેય તુરિયાને બદલે ભીંડા તો ન જ લાવત. એટલે એક વાત નક્કી થાય કે તે વ્યક્તિ તુરિયા કે ભીંડા એકેયને જાણતો નથી. એકને પણ જાણતો હોત તો આ ગોટાળો ન થાત.
તેમ આત્મા વને જાણે તો પરને જાણી શકે કે - આ “સ્વ” સિવાયનું બાકીનું “પર” છે.
સમસ્ત દ્રવ્યોનું યથાર્થ જ્ઞાન એટલા માટે જરૂરી છે કે તે સ્વ-પરનું ભેદજ્ઞાન કરી શકે. આ સ્વ ને આ પર.. આ સ્વ જ, આ પર જ... અને આ ભેદજ્ઞાન થાય તો જ આત્માનો ઉપયોગ આગળ જતાં સ્વમાં એકત્વ કરે.. અને પરથી હટે.. આ રીતે નિજસ્વરૂપમાં ઉપયોગના જોડાણથી આત્માને આત્મા દ્વારા આત્મામાં આત્મજ્ઞાન થાય છે.
આ રીતે સ્વમાં ઉપયોગનું એકત્ર કરવા માટે ભેદજ્ઞાન જરૂરી છે તથા ભેદજ્ઞાન માટે યથાર્થ પરિચ્છેદન જરૂરી છે. પોતાના આનંદમહેલમાં પહોંચવા આ પ્રક્રિયા જરૂરી છે.