________________
પ્રસ્તાવના ૦
• મહોપાધ્યાયજીનું અન્ય સાહિત્ય ૦ પ્રસ્તુત રાસમાં ચર્ચાયેલા વિષયો જો કે મહોપાધ્યાયજીએ પોતાના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાં અન્યત્ર ગૂંથ્યા પણ છે. જેમ કે નયની ચર્ચા સપ્તભંગીનયપ્રદીપ, નયરહસ્ય, નયોપદેશ અને તેની ટીકા નયામૃતતરંગિણીમાં કરી છે.
ઉત્પાદાદિ સિદ્ધિ' નામનો ગ્રંથ આચાર્ય ચન્દ્રસૂરિજીએ સ્વોપજ્ઞટીકા સાથે રચ્યો છે. (ઋષભદેવ કેશરમલ જે. સંસ્થા દ્વારા રતલામથી ઈ.સ. ૧૯૩૬ માં પ્રકાશિત થયો છે.) આ ગ્રંથ ઉપર મહોપાધ્યાયજીએ ટીકા રચી છે. પરંતુ કમભાગ્યે એનો બહુ જ થોડો અંશ મળે છે. એના ત્રીજા પદ્યના વિવરણનો અંશ જોતા આ ટીકામાં પણ વિશદ દાર્શનિક ચર્ચા હશે - એ પ્રમાણે અનુમાન કરી શકાય.
ઉપાધ્યાયજીના અનુપલબ્ધ ગ્રંથોમાં ‘દ્રવ્યાલોક' નામની રચનાનો ઉલ્લેખ જોવા મળે છે. જો કે ઉપાધ્યાયજી મ.એ સ્વયં પોતે આ ગ્રંથને ટાંક્યો ન હોવાથી આનું કર્તુત્વ ઉપાધ્યાયજી જોડે સાંકળતા પહેલાં અન્ય પ્રમાણો તપાસવા જોઈએ એવું હી..કાપડિયાનું માનવું છે. (યશોદોહન પૃ.૧૭૯).
જો કે યશોદોહન (પૃ. ૧૭૯ ટિ.૧) માં એના સંપાદક આ. યશોદેવસૂરિ મ. સા. ઉમેરે છે કે - “આ કૃતિ (દ્રવ્યાલોક – ટીકા) ઉપાધ્યાયજીની જ છે. એનો પુરાવો મળ્યો છે. ઉપાધ્યાયજીના જીવનકવન ઉપર હું કંઈક લખવા ધારું છું ત્યારે તે પુરાવો રજૂ થશે” ત્રિસૂટ્યાલોક જેમાં તત્ત્વાર્થના ત્રણ સૂત્રો પર વિવેચન હશે તે પણ અનુપલબ્ધ છે.
એટલે ઉપાધ્યાયજીએ દ્રવ્યલોક નામની કદાચ સ્વપજ્ઞ ટીકા સહિતની રચના કરી હોય તો પણ એ વિષે અત્યારે અમને કશી જાણકારી નથી.
મોહનલાલ દ. દેસાઈ લખે છે કે – “ઉપાધ્યાય યશોવિજયે મલ્લવાદીના નયચક્રને બરાબર ગોઠવી કરેલ. સં. ૧૭૧૪ નો લખેલો પાટણના હાલાભાઈ ભંડાર દા. ૫૯ માં વિદ્યમાન છે.” (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પૃ.૪૩૩, પારા ૯૭૦) ગણિવર યશોવિજયજીને વિનંતી કરીએ કે ઉપાધ્યાયજી મ.ના આ ગ્રંથને સરસ રીતે સજાવી સંઘને અર્પણ કરે.
તત્ત્વાર્થસૂત્ર ઉપર એક બાલાવબોધ મળે છે. પં.સુખલાલજીના મતે આના કર્તા અન્ય યશોવિજયજી છે. જ્યારે હીરાલાલ કાપડિયાના મતે આ બાલાવબોધ ઉપાધ્યાય શ્રીયશોવિજય કૃત છે. (યશોદોહન પૃ.૧૭૭-૮)
મહોપાધ્યાયજીએ દિગંબર જૈન સાહિત્યનું પણ ઊંડુ પરિશીલન કર્યું છે. એમની દષ્ટિ હંમેશા સારગ્રાહી રહી છે. દિગંબરોમાં પણ સારું હોય તો એનાથી આભડછેટ શા માટે રાખવી ? એનો સ્વીકાર કેમ ન કરવો ? આ તેઓશ્રીનું વલણ છે. એટલે જ નયના ઉપભેદોનું વર્ણન દિગંબરગ્રંથોમાંથી રાસમાં લીધું છે. અષ્ટસહસ્ત્રી જેવા દિગંબર ગ્રંથ ઉપર વિવરણ લખવાનું કાર્ય પણ ઉપાધ્યાયજી જેવા જ કરી શકે.
તત્ત્વાર્થસૂત્ર શ્વેતાંબર-દિગંબર બન્ને પરંપરાને માન્ય ગ્રંથ છે. થોડાક સૂત્રોમાં ફરક આવે છે. ઉપાધ્યાયજીએ દિગંબર પરંપરા માન્ય સૂત્રનો પાઠ સ્વીકારીને એનો અર્થ શ્વેતાંબર પરંપરામાં પ્રચલિત પદ્ધતિ મુજબનો તત્ત્વાર્થ ઉપરના બાલાવબોધમાં કર્યો છે.