________________
92
•
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
શ્રીધુરંધરવિજયજી મહારાજ, (૪) શ્રીકૈલાસસાગરસૂરિ જૈનજ્ઞાનમંદિર - કોબામાં રહેલી ‘દ્રવ્ય -ગુણ-પર્યાય રાસ'ની ૧૮ હસ્તપ્રતોની નકલોને ઉલ્લાસથી અપાવનારા આત્મીય પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીઅજયસાગરજી મહારાજ, (૫) L.D. ઈન્સ્ટીટ્યુટમાં રહેલી ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'ની હસ્તપ્રતની કોપી મેળવવામાં સહાય કરનારા પંડિતવર્ય શ્રીજિતેન્દ્રભાઈ શાહ, (૬) સંવેગી ઉપાશ્રય જ્ઞાનભંડાર (અમદાવાદ)માં રહેલી આ ગ્રંથની ૪ હસ્તપ્રતોની કોપી મેળવી આપવામાં મદદ કરનારા ત્યાંના ટ્રસ્ટીગણ, (૭) લીંબડી-જ્ઞાનભંડારમાં રહેલ પ્રસ્તુત ગ્રંથની ૪ હસ્તપ્રતોની કોપી આપવાની ઉદારતા દેખાડનારા ત્યાંના ટ્રસ્ટીગણ, (૮) મોરબી - જ્ઞાનભંડારમાં રહેલ રાસની ૨ હસ્તપ્રતની નકલ આપવામાં સહયોગ દેખાડનાર ત્યાંના ટ્રસ્ટીગણ, (૯) મુંબઈ - જ્ઞાનભંડારમાં રહેલ રાસની ૨ હસ્તપ્રતની કોપી મેળવવામાં સહાય કરનારા સુશ્રાવક શિરીષભાઈ સંઘવી વગેરેની માગણીશૂન્ય લાગણીની સરવાણી પ્રસ્તુત ગ્રંથરાજને શુદ્ધ-સમૃદ્ધ કરવામાં અજોડ સહાયક બનેલ છે. પ્રસ્તુત પ્રકાશનના પ્રથમ ભાગને વાંચી, તપાસી, પ્રથમ ભાગની પ્રસ્તાવના લખી આપવાની ઉદારતા અને આત્મીયતા દર્શાવનાર પરમાદરણીય તત્ત્વચિંતક મધુર વક્તા શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજા પણ આ પાવન પ્રસંગે અવશ્ય સ્મરણીય છે.
પરમ શ્રદ્ધેય સાહિત્યમનીષી પ્રાચીનસાહિત્યસંશોધક-સંપાદક મૃદુ-મિત-મિષ્ટભાષી આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પ્રસ્તુત પ્રકાશનનો ત્રીજો ભાગ વાંચી, કિંમતી સૂચનો આપી, ત્રીજા ભાગની પ્રસ્તાવના લખી આપવાની પરિશ્રમસાધ્ય ઉદારતા કરી છે. તે ચિર કાળ સુધી સ્મૃતિપટ ઉપર અંકિત રહેશે.
-
પરમ પૂજ્ય સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન સુવિશુદ્ધસંયમી પરાર્થરસિક ઉગ્રતપસ્વી આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યરત્નસૂરીશ્વરજી મહારાજે પ્રસ્તુત પ્રકાશનના તમામ ભાગોનું સંપૂર્ણપણે સંશોધન કરીને પ્રસ્તુત પ્રકાશનની ઉપાદેયતામાં જબ્બર વધારો કર્યો છે. તથા પૂર્વકાલીન ઉપકારશૃંખલાને પણ ખરેખર ખૂબ લંબાવી છે.
પરમ પૂજ્ય સહૃદયી પ્રતિભાસંપન્ન સૌમ્યસ્વભાવી પ્રવચનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભાગ્યેશસૂરીશ્વરજી મહારાજે અનેકવિધ વ્યસ્તતા વચ્ચે પણ પ્રસ્તુત પ્રકાશનના ચોથા ભાગને વાંચી, મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપી, ચોથા ભાગની વિસ્તૃત પ્રસ્તાવના લખી આપવાની આત્મીયતા-સૌજન્ય દેખાડેલ છે. તે કેમ વિસરાશે ?
પરમ પૂજ્ય ઈતિહાસરસિક સૌમ્યસ્વભાવી સાહિત્યરત્ન વિદ્વવિભૂષણ બંધુબેલડી આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજે છેલ્લા સાતમા ભાગની સંસ્કૃત ભાષામાં પ્રસ્તાવના લખી આપવાની મહતી કૃપા કરેલ છે. તે શેં વીસરાશે ?
પરમ પૂજ્ય નિપુણમતિ પ્રવચનપ્રભાવક સાગરસમુદાયરત્ન નીડર વક્તા પંન્યાસપ્રવર શ્રીઅક્ષયચંદ્રસાગરજી મહારાજને પણ આ અવસરે કેમ ભૂલી શકાય ? તેઓશ્રીએ બીજો ભાગ વાંચી, તપાસી, બીજા ભાગની પ્રસ્તાવના લખી આપવા દ્વારા મહત્ત્વપૂર્ણ ઉપકાર કર્યો છે.