________________
• પ્રસ્તાવના :
સહભાવી પર્યાય જ ગુણ છે અને દ્રવ્યનું જે ક્રમભાવી પરિવર્તન છે, તે જ પર્યાય છે.
આમ પર્યાયનો જ એક વિભાગ ગુણ છે. અને જ્યારે પદાર્થ ઉપરથી - પ્રમેય ઉપરથી આપણે પ્રમાણ ઉપર જઈએ છીએ ત્યારે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે જ નયોને સ્વીકારીએ છીએ. દિગંબર વિદ્વાન દેવસેને ગુણાર્થિક નયની વિચારણા ઉભી કરી શકે તે રીતે સ્વતંત્ર ગુણ' પદાર્થની કલ્પના કરી છે પણ તે તર્કથી ટકે તેવી નથી. માટે પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે યુક્તિપૂર્વક તેનું નિરસન કર્યું છે.
નૈયાયિક અને વૈશેષિક જેવા દર્શનમાં દ્રવ્યના પરિણામ રૂપે પર્યાય જેવો કોઈ શબ્દ નથી. માટે તેઓએ ગુણ અને ક્રિયા બે શબ્દો ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. તેઓની પાસે સહભાવી પર્યાયો અને ક્રમભાવી પર્યાયોને જોવાની દૃષ્ટિ હશે જ નહીં. તેથી જ્ઞાનના પાંચ ભેદની જેવી વ્યવસ્થા જૈન દર્શનમાં રહી તેવી તૈયાયિક દર્શનમાં રહી નથી. તેઓ માત્ર આત્મામાં જ્ઞાન પેદા થાય છે અને સમવાયથી રહે છે - તેવા નિર્ણય પર આવ્યા. પણ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ જેવા જ્ઞાનપર્યાયોને-જ્ઞાનપ્રકારોને ઝીણવટથી તપાસી ન શક્યા.
આમ અહીં જૈનદર્શનમાં પર્યાય શબ્દ પ્રધાન રહ્યો. ગુણ શબ્દ પ્રચલિત થયો હોવા છતાં તેટલી પ્રતિષ્ઠાને પામ્યો નથી. માટે જૈન દર્શનકારોની સામે શંકા પણ આવી કે “ગુણ” એ તો પરદર્શનની સંજ્ઞા છે. જો કે જૈન દર્શનકારોએ એવી વાતનો સ્વીકાર નથી કર્યો કે ગુણ પરદર્શનની જ સંજ્ઞા છે. પણ એ નિશ્ચિત છે કે પર્યાયોને ગુણ કહેવાનો વ્યવહાર પરદર્શનમાં જ છે. એટલે આ વિષય ગંભીર ચિંતન-મનનનો બને છે.
તત્ત્વાર્થમાં ઉમાસ્વાતિ મહારાજે “ગુણ-પર્યાયવદ્ દ્રવ્યમ્' એવું લક્ષણ બતાવ્યું છે. જો અહીં “પર્યાયવદ્ દ્રવ્યમ્' એટલું જ લક્ષણ બતાવવામાં આવે તો કોઈ દોષ આવવાની સંભાવના નથી. કારણ કે તમામ દ્રવ્યો પર્યાયવાળા જ છે અને તમામ પર્યાયો કોઈને કોઈ દ્રવ્યના જ છે. આમ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ ત્રણેય દોષથી રહિત એવું લક્ષણ જ્યારે પર્યાયવદ્ દ્રવ્યમ્' બની શકે છે ત્યારે “ગુણ-પર્યાયવદ્ દ્રવ્યમ્' એવું દ્રવ્યનું લક્ષણ બતાવવાનું એટલું જ પ્રયોજન છે કે સમસ્ત દર્શનમાં પ્રસિદ્ધ ગુણ એ જૈન દર્શનમાંનો પર્યાય જ છે. પર્યાયવિશેષ જ ગુણ છે. આટલું જ્ઞાન થાય તે માટે જ આ “ગુણ”શબ્દને લક્ષણ અંતર્ગત માનવો પડે.
વળી તૈયાયિક દર્શનમાં પણ ગુણ તો દ્રવ્યમાં જ પેદા થાય છે પણ એ દર્શનમાં ગુણથી ગુણ પેદા થાય છે. જેમ કે સ્મૃતિ સંસ્કારથી પેદા થાય છે. આ સંસ્કાર તેઓને ત્યાં ભાવનારૂપ ગુણ છે. જૈન દર્શન પણ સંસ્કારથી જન્ય સ્મૃતિને માને છે. પણ તે સંસ્કાર સ્વતંત્ર ગુણ નથી પણ દ્રવ્યથી કથંચિત્ અભિન્ન દ્રવ્યસ્વરૂપ જ છે. આમ જૈન દર્શનમાં તો ગુણો દ્રવ્યથી જ પેદા થાય છે અને દ્રવ્યથી અભિન્નપણે દ્રવ્યમાં જ રહે છે. એટલે