________________
જીવવિચાર
છે, અને જીવશે. એવા સ્વરૂપને ધારણ કરાવનાર તે દ્રવ્ય પ્રાણ કહેવાય છે. તે દશ પ્રકારના છે. આગળ આવશે. પ્રશ્ન ૧૬. ભાવ પ્રાણ કોને કહેવાય છે ? ઉત્તરઃ આત્મામાં રહેલાં જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય આદિ જે ગુણો હોય છે તે ભાવ પ્રાણ કહેવાય છે. પ્રશ્ન ૧૭. જીવો કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તર જગતમાં જીવો બે પ્રકારનાં છેઃ (૧)મુક્તિના જીવો (૨)સંસારી જીવો. પ્રશ્ન ૧૮. મુક્તિના જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ જે જીવો આઠ પ્રકારના કર્મોથી રહિત થયેલા હોય છે અથવા સદાને માટે દ્રવ્ય પ્રાણોથી રહિત થયેલા હોય છે તે જીવોને મુક્તિના જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૯. સંસારી જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ જે જીવોના ભાવ પ્રાણો દ્રવ્ય પ્રાણોથી અવરાયેલા હોય છે અથવા જે જીવો કર્મોથી સહિત હોય છે તે જીવોને સંસારી જીવો કહેવાય છે પ્રશ્ન ૨૦. સંસારી જીવો કેટલા પ્રકારનાં છે? ક્યા ક્યા? ઉત્તર: સંસારી જીવો બે પ્રકારનાં છેઃ (૧) ત્રસ સંસારી જીવો (૨) સ્થાવર સંસારી જીવો. પ્રશ્ન ૨૧. ત્રસ સંસારી જીવો કોને કહેવાય છે? ઉત્તર : જે જીવો ત્રસ નામકર્મના ઉદયથી અનુકૂળતાની ઇચ્છાથી (સુખની આશાથી) અને પ્રતિકૂળતાના નાશના હેતુથી એટલે કે ઉષ્ણતા, શિતતા, ભય વગેરે ઉપદ્રવોથી પીડિત થયેલા તેનો નાશ કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જઈ શકે અથાત્ હાલી ચાલી શકે તે ત્રસ સંસારી જીવો કહેવાય છે. પ્રશ્ન ૨૨. સ્થાવર સંસારી જીવો કોને કહેવાય છે? ઉત્તર : જે જીવો સ્થાવર નામકર્મના ઉદયથી પ્રતિકૂળતાથી પાછા ફરવાની ઇચ્છાવાળા હોવાછતાં, અનુકૂળતા મેળવવાની ઇચ્છા હોવા છતાં પ્રતિકૂળતાને છોડી ન શકે અને અનુકૂળતાને મેળવી ન શકે અર્થાત્ એક જગ્યાએથી બીજી જગ્યાએ હલન ચલન ન કરી શકે તે સ્થાવર સંસારી જીવો કહેવાય છે.