________________
પ્રકાશકીય
પરમાત્માની પૂજા કઈ રીતે કરવી ? પૂજ્ય ગુરુ ભગવંતની સેવા સુશ્રુષા કઇ રીતે કરવી ? સામાયિક-પ્રતિક્રમણ - પૌષધ કઈ રીતે કરવા? દયા-દાન કઈ રીતે કરવું ?
ટુંકમાં- જીવન દરમ્યાન પાપોથી કઈ રીતે વિરમવું અને આત્મવિકાસમાં કઇ રીતે આગળ વધવું ? આ બધી મેથડ આજે આપણી પાસે મોજુદ છે. કારણ એક જ પૂજ્ય ગુરુભગવંતો આજે વિદ્યમાન છે.
શાસનપતિ શ્રી મહાવીર મહારાજા મોક્ષમાં પધારી ગયા. પણ તેઓએ ફરમાવેલો ઉપદેશ પૂજ્ય ગુરુભગવંતોએ પાટપરંપરા પ્રમાણે સાચવી રાખ્યો. એમણે સાચવ્યો તો જ આજે કુકાળમાં પણ સાધના સુલભ બની શકે છે. આ પુસ્તકમાં રહેલા ઉપદેશનું પણ કાંઇક એવું જ પાસુ છે. આજથી ૬પ વર્ષ પહેલા પૂજ્યપાદ આગમોધ્ધારક આનંદસાગર સૂરીશ્વરજી મા શ્રીએ ફરમાવેલી દેશના કોઇક પૂજ્ય ગુરુભગવંતે ફુલસ્કેપ કાગળમાં પત્રારૂઢ કરેલ. આ દેશના ૬૫ વરસથી એક બંડલમાં પૂરાયેલી હતી. પૂજ્ય ગુરુભગવંત શ્રી અક્ષયચંદ્ર સાગરજી મ. ના હાથમાં આવતાં તેઓશ્રીએ પ્રબળ પુરુષાર્થથી સંકલના કરી અને પ્રકાશન કરવાનો લાભ અમને આપ્યો.
આ પ્રસંગે અમો પૂજ્ય ગુરુભગવંત શ્રી અક્ષયચંદ્ર સાગરજી મનો મહાન્ ઉપકાર ગણીએ છીએ.
લી.
ચંદ્રકાંત શાહ અશ્વિન શાહ