________________
૧૧૩૦
ચાર પ્રકારની સુખશય્યા, ત્રણ પ્રકારનું સત્ય ચાર સુખશયાઓ કહી છે. તેમાં આ પહેલી સુખશયા છે – કોઈ જીવને સાધુ થઈને જિનશાસનમાં શંકા થતી નથી, બીજા મતોની કાંક્ષા થતી નથી, ફળની શંકા થતી નથી, બુદ્ધિનો ભેદ થતો નથી, વિપરીત બુદ્ધિ થતી નથી, તે જિનશાસનની શ્રદ્ધા કરે છે, તેને સ્વીકારે છે, તેને તે ગમે છે. તેનું મન ડામાડોળ થતું નથી. તે ધર્મભ્રષ્ટ થતો નથી કે સંસારમાં પડતો નથી. એ સાધુપણારૂપ શય્યામાં સુખપૂર્વક રહે છે. આ પહેલી ગુખશપ્યા છે.
હવે બીજી સુખશયા - કોઈ જીવ સાધુ થઈને પોતાના લાભથી ખુશ થાય છે, બીજા તરફથી લાભની આશા રાખતો નથી, મળે તો ભોગવતો નથી, તેને ઈચ્છતો નથી, તેની પ્રાર્થના કરતો નથી, વધુ ઇચ્છતો નથી. તેનું મન ડામાડોળ થતું નથી. તે ધર્મભ્રષ્ટ થતો નથી કે સંસારમાં પડતો નથી. આ બીજી સુખશય્યા છે.
હવે ત્રીજી સુખશયા - કોઈ જીવ સાધુ થઈને દેવસંબંધી કે મનુષ્ય સંબંધી કામભોગોની આશા રાખતો નથી, મળે તો ભોગવતો નથી, તેને ઝંખતો નથી, તેને માંગતો નથી, વધુ ઇચ્છતો નથી. તેનું મન ડામાડોળ થતું નથી. તે ધર્મભ્રષ્ટ થતો નથી કે સંસારમાં પડતો નથી. આ ત્રીજી સુખશપ્યા છે.
હવે ચોથી સુખશયા - કોઈ જીવ સાધુ થઈને એમ વિચારે, “જો શોક વિનાના, તાવ વગેરે રોગ વિનાના, બળવાન, સારા શરીરવાળા એવા અરિહંત ભગવંતો પણ આશંસા દોષ રહિત હોવાથી ઉદાર, મંગળસ્વરૂપ, ઘણા દિવસોની, પ્રકૃષ્ટ સંયમ યુક્ત, આદરપૂર્વક સ્વીકારેલ, અચિંત્ય શક્તિવાળી, વિશેષ ઋદ્ધિના કારણરૂપ, કર્મક્ષયના કારણરૂપ, મોક્ષના સાધનરૂપ અનશન વગેરેમાંથી કોઈ એક તપક્રિયાને સ્વીકારે છે તો માથાનો લોચ, બ્રહ્મચર્ય વગેરેને સ્વીકારીને થતી વેદના અને તાવ, ઝાડા વગેરે ઉપક્રમથી થતી વેદનાને હું ગુસ્સા વિના, દીનતા વિના શા માટે સહન ન કરું? આ વેદનાઓ સહન ન કરવાથી મને શું લાભ થશે? એકાંતે પાપકર્મ બંધાશે. આ વેદનાઓ સહન કરવાથી મને શું લાભ થશે? એકાંતે નિર્જરા થશે.' આ ચોથી સુખશપ્યા છે.”
ગુરુ ત્રણ પ્રકારના સત્યને જાણે છે, તે આ પ્રમાણે – મનસત્ય, વચનસત્ય અને કાયસત્ય. ત્રણ પ્રકારના સત્યનું સ્વરૂપ પાક્ષિકસૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે -
મનનું સત્ય તે મનસત્ય એટલે કે મનસંયમ. મનસંયમ એટલે મનને ખરાબ વિચારોથી અટકાવવું અને સારા વિચારોમાં પ્રવર્તાવવું. વચનસત્ય એટલે વચનસંયમ એટલે ખરાબ વચનો ન બોલવા અને સારા વચનો બોલવા. કરણસત્ય એટલે ક્રિયાસત્ય એટલે કાયસંયમ. કાયસંયમ એટલે કામ હોય તો ઉપયોગપૂર્વક જવું-આવવું વગેરે કરવું અને કામ ન હોય તો હાથ-પગ વગેરે અવયવોને ગોપવીને બેસવું.”