________________
૯૮૦
છ પ્રકારના અંદરના શત્રુઓ કલુષિતચિત્ત હોવાથી મહામોહને કરે.
આ અધિકૃત ગાથાઓનો અર્થ થયો.”
ગુરુ આ ત્રીસ મહામોહબંધસ્થાનોને લોકમાં નિવારે છે એટલે તેમનું સ્વરૂપ બતાવીને લોકોને તેને નિવારવા માટે પ્રેરે છે.
અંદરના દુશ્મનો તે આંતરારિ, એટલે ભાવશત્રુઓ. તે છ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ કામ, ક્રોધ, ૩ લોભ, ૪ હર્ષ, ૫ માન અને ૬ મદ. સંગરંગશાળામાં કહ્યું
કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદ - આવા સ્વરૂપવાળા, પુષ્ટ થયેલા અંદરના છ શત્રુઓને પસરવા ન દેવા. (૨૨૧૪)
આ છ અંદરના શત્રુઓનું સ્વરૂપ યોગશાસ્ત્રની ટીકામાં આ પ્રમાણે બતાવ્યું છે -
અંતરંગ શત્રુ-પરિહાર પરાયણ - અંતરંગ છ શત્રુઓનો પરિહાર કરવા તત્પર બનેલો હોય. તેમાં અયુક્તિથી અયોગ્ય રીતે કરેલા કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ શિષ્ટ ગૃહસ્થોને માટે અંતરંગ છ શત્રુઓનો વર્ગ કહેલો છે. તેમાં કામ તે કહેવાય જે બીજાની માલિકીની અથવા વગર પરણેલી સ્ત્રીની ઇચ્છા કરવી. પોતાનું કે સામાનું નુકસાન વિચાર્યા વગર ક્રોધ કરવો તે ગુસ્સો, દાન દેવા યોગ્યને વિષે પોતાનું ધન ન આપવું અને નિષ્કારણ પારકું ધન ગ્રહણ કરવું તે લોભ. યુક્તિ-પૂર્વક કોઈએ શિખામણ આપી તો પણ ખોટો આગ્રહ રાખી ન સ્વીકારવી તે માન. કુલ, બલ, ઐશ્વર્ય, રૂપ, વિદ્યા વગેરે વડે અહંકાર કરવો, અથવા બીજાનો તિરસ્કાર કરવો, તે મદ. વગર કારણે બીજાને દુઃખ ઉત્પન્ન કરીને તથા જુગાર, શિકાર વગેરે અનર્થકારી કાર્યો કરીને મનનો પ્રમોદ કરવો તે હર્ષ. (૧/૫૬)
(સટીક યોગશાસ્ત્રના આ. શ્રી હેમસાગરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
ગુરુ આ અંદરના છ શત્રુઓને લોકમાં નિવારે છે, એટલે કે તેમનું નુકસાનકારીપણું બતાવી લોકોને તેમના નાશ માટે પ્રેરે છે.
આમ છત્રીસ ગુણોરૂપી પુષ્પોની માળા સમાન ગુરુ જીવોના હૃદયકમલમાં વસો. (૩૨)
આમ એકત્રીસમી છત્રીસી પૂર્ણ થઈ.