________________
આઠ પ્રકારના પ્રભાવકો
૯૫૩
જે બૌદ્ધ વગેરે મતોમાં પ્રતીત પ્રત્યક્ષ વગેરે પ્રમાણોમાં કુશળ હોય અને જેને માત્ર લોકમાં નહીં પણ પંડિતોવાળી રાજાની સભામાં પણ પ્રતિષ્ઠા મળી હોય તે વાદી કહેવાય છે. કહ્યું છે કે, ‘ચાર્વાક (નાસ્તિક) એક પ્રત્યક્ષ પ્રમાણને માને છે. બૌદ્ધો અને વૈશેષિકો પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણોને માને છે. સાંખ્યો પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ પ્રમાણોને માને છે. નૈયાયિકો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દ પ્રમાણોને માને છે. પ્રભાકર (મીમાંસક) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શાબ્દ, અર્થપત્તિ અને અભાવ પ્રમાણોને માને છે. જિનેશ્વર ભગવાનના સિદ્ધાંતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રમાણ છે. (૧)' જેને પ્રમાણોનું જ્ઞાન ન હોય તે વાદ માટે પ્રવૃત્તિ કરે તો તેનો ઉપહાસ થાય. માટે વાદી પ્રમાણમાં કુશળ હોવો જોઈએ. જેને પ્રતિષ્ઠા ન મળી હોય તે લોકોમાં મૂર્ખની જેમ ગમે તે બોલતો હોવાથી ગૌરવપાત્ર બનતો નથી. વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિવાળી સભામાં સામા પક્ષનું ખંડન કરવા પૂર્વક પોતાના પક્ષની સ્થાપનાને અવશ્ય કહે તે વાદી. આ ગાથાના પૂર્વાર્ધનો અર્થ થયો. વાદીપ્રભાવકના વિષયમાં શ્રીમલ્લવાદીની કથા છે.
ત્રીજું વાદી પ્રભાવકનું સ્વરૂપ કહીને ચોથું નૈમિત્તિકનું સ્વરૂપ ગાથાના ઉત્તરાર્ધથી કહે
છે
દિવ્ય (સ્વપ્નસંબંધી), ઔત્પાતિક - ઉત્પાતસંબંધી, અંતરીક્ષ - આકાશસંબંધી, ભૌમભૂમિસંબંધી, અંગ-અંગસંબંધી, સ્વર-સ્વરસંબંધી, લક્ષણ-હાથ-પગની રેખા વગેરે, વ્યંજનમસા-તલ વગેરેને જાણવા રૂપ આઠ પ્રકારના નિમિત્તને જાણે તે નૈમિત્તિક. તે શાસનની ઉન્નતિ માટે ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણે કાળોને જણાવનારું નિમિત્ત નિશ્ચયપૂર્વક કહે. મહાત્મા જો અકાર્યમાં નિમિત્તનો પ્રયોગ કરે તો મોટું નુકસાન થાય છે અને તેમના તપનો ક્ષય થાય છે. ધર્મદાસગણિએ કહ્યું છે - ‘જ્યોતિષ, નિમિત્ત, અક્ષર, કૌતુક, આદેશ, ભૂતિકર્મ કરવા, કરાવવા કે અનુમોદવાથી સાધુના તપનો ક્ષય થાય છે.(૧૧૫)’ (ઉપદેશમાળા) મન ફાવે તેમ બોલવાથી તો ઊલટી હીલના જ થાય છે. (૩૪)
ચોથું નૈમિત્તિકનું લક્ષણ કહીને પાંચમુ તપસ્વીનું સ્વરૂપ ગાથાના પૂર્વાર્ધથી કહે છે -
અક્રમથી માંડીને એક વરસના ઉપવાસ સુધીના વિશિષ્ટ તપો અથવા અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસ્સગ્ગ - એમ બાર પ્રકારના બાહ્ય-અત્યંતર તપ વડે જિનશાસનની પ્રભાવના ક૨ના૨ો તપસ્વી કહેવાય છે. આ ગાથાના પૂર્વાર્ધનો અર્થ છે.
પાંચમું તપસ્વી પ્રભાવકનું સ્વરૂપ કહીને છટ્ઠ વિદ્યાવાન પ્રભાવકનું લક્ષણ ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –