________________
આઠ પ્રકારના પ્રભાવકો
૯૫૧
(સટીક વિશેષાવશ્યકભાષ્યના શાહ ચુનીલાલ હકમચંદ કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
સંબોધપ્રકરણમાં કહ્યું છે,
‘સંઘ વગેરેનું કાર્ય આવી પડે ત્યારે જેના વડે ચક્રવત્તિને પણ સૂરી નાંખે તે લબ્ધિથી યુક્ત તે લબ્ધિપુલાક જાણવો. (૭૪૯)’
ગુરુ લોકમાં આ લબ્ધિઓને બતાવવામાં હોંશિયાર હોય છે.
જૈનશાસનની પ્રભાવના કરે એટલે કે તેને પ્રકાશમાં લાવે તે પ્રભાવક. તે આઠ પ્રકારના છે. તે આ પ્રમાણે ૧ પ્રવચની, ૨ ધર્મકથી, ૩ વાદી, ૪ નૈમિત્તિક, ૫ તપસ્વી, ૬ વિદ્યાવાન, ૭ સિદ્ધ અને ૮ કવિ.
ચૈત્યવંદનમહાભાષ્યમાં કહ્યું છે,
‘પ્રવચની, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ - આ આઠ પ્રભાવક કહ્યા છે. (૧૨૮)’
આ આઠ પ્રભાવકોનું સ્વરૂપ યોગશાસ્ત્રની વૃત્તિમાં આ પ્રમાણે બતાવ્યું છે -
‘૧ પ્રવચની, ૨ ધર્મકથી, ૩ વાદી, ૪ નૈમિત્તિક, પ તપસ્વી, ૬ વિદ્યાવાળા, ૭ સિદ્ધ, અને ૮ કવિ એ આઠ પ્રભાવકો છે. (વ્ય.ભા.) તેમાં જે દ્વાદશાંગી રૂપ પ્રવચન અથવા ગણિપિટકના અતિશયવાળા જ્ઞાનને ધારણ કરનાર, તેને યુગપ્રધાનાગમ પણ કહી શકાય તે પ્રથમ પ્રવચની. જેને ધર્મોપદેશ આપવાની સુંદર શક્તિ હોય, જેની મુધુર વાણીથી અનેકને ધર્મનો પ્રતિબોધ થાય તે, બીજો ધર્મકથી. વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ લક્ષણવાળી ચતુરંગી સભામાં પ્રતિપક્ષનું ખંડન કરી પોતાના પક્ષનું સ્થાપન કરવાના સામર્થ્યવાળો ત્રીજો વાદી. ત્રણે કાળ સંબંધી લાભાલાભને જણાવનાર નિમિત્તશાસ્ત્ર ભણેલો હોય, તે ચોથો નૈમિત્તિક, અક્રમ આદિ વિકૃષ્ટ-કઠોર તપ કરનાર પાંચમો તપસ્વી. પ્રજ્ઞપ્તિ, રોહિણી આદિ વિદ્યાદેવીઓ જેમાં સહાય કરનાર હોય તેવી પ્રજ્ઞપ્તિ, રોહિણી વગેરે વિદ્યાવાળો તે છઠ્ઠો. અંજન, પાદલેપ, તિલક, ગુટિકા, સમગ્ર લોકોને આકર્ષણ કરવાની, ખેંચવાની તથા વૈક્રિય લબ્ધિ વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, તે સાતમો સિદ્ધ. ગદ્ય-પદ્યાદિ વર્ણનાત્મક પ્રબંધો કે કાવ્યોની રચના કરનાર આઠમો કવિ. આ પ્રવચની આદિ આઠ પ્રકારે ભગવંતના શાસનની પોતાની શક્તિ અનુસાર, દેશ-કાળાદિકને અનુરૂપ સહાય કરનાર પ્રભાવક, તેઓનું કર્મ તે પ્રભાવના, બીજું ભૂષણ છે....(૨/૧૬)'
સમ્યક્ત્વસઋતિકામાં અને તેની વૃત્તિમાં પણ કહ્યું છે -