________________
૯૪૪
અઠ્યાવીસ લબ્ધિઓ
અર્થને જાણી શકે, તે બીજબુદ્ધિલબ્ધિવાન કહેવાય. અને સર્વોત્તમ પ્રકર્ષને પ્રાપ્ત થયેલી આ બીજબુદ્ધિલબ્ધિ તીર્થંકરોના ગણધરોને હોય છે. જેઓ ઉત્પાદ વગેરે ત્રણ પદોનું અવધારણ કરી સંપૂર્ણ દ્વાદશાંગીરૂપ પ્રવચનની ગુંથણી કરે છે. (૧૫૦૩)
ગાથાર્થ - ટીકાર્થ - અક્ષીણમહાનસીલબ્ધિ :- જેનાવડે લવાયેલ ભિક્ષામાંથી ઘણા એટલે લાખોની સંખ્યામાં લોકો ધરાઈને જમે અને જ્યાં સુધી પોતે ન જમે, ત્યાં સુધી આહાર પૂર્ણ ન થાય, તે અક્ષીણમહાનસીલબ્ધિ કહેવાય. (૧૫૦૪)
ગાથાર્થ - ભવસિદ્ધિક એટલે ભવ્ય પુરુષોને આ કહેલ લબ્ધિઓ હોય છે અને હવે ભવસિદ્ધિક સ્ત્રીઓને જેટલી લબ્ધિઓ હોય છે તે કહે છે. (૧૫૦૫)
ટીકાર્થ - અહીં અવિધ, ચારણ, કેવલિ, ગણધર, પૂર્વધર, અર્હત્, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, તેજોલેશ્યા, આહારક, શીતલેશ્યા, વૈક્રિય, પુલાક-આ લબ્ધિઓ પ્રાયઃ કરી આગળ મોટે ભાગે પ્રતિપાદન કરી હોવાથી અને પ્રસિદ્ધ હોવાથી સૂત્રકારે એની વ્યાખ્યા કરી નથી પરંતુ તેજોલેશ્યા અને શીતલેશ્યાલબ્ધિની વ્યાખ્યા સ્થાનશૂન્ય ન ૨હે તે માટે કરે છે.
તેજોલેશ્યાલબ્ધિ :- ક્રોધની અધિકતાથી શત્રુ તરફ મોઢામાંથી અનેક યોજન પ્રમાણ ક્ષેત્રમાં રહેલ વસ્તુઓને બાળવામાં સમર્થ એવો તીવ્રતર તેજ એટલે અગ્નિ કાઢવાની શક્તિ તે તેજોલેશ્યાલબ્ધિ.
શીતલેશ્યાલબ્ધિ ઃ- અતિ કરુણાધીન થઈ જેના પર ઉપકાર કરવો હોય, તેના તરફ તેજોલેશ્યા બુઝાવવા સમર્થ એવો શીતલ તેજવિશેષ છોડવાની જે શક્તિ, તે શીતલેશ્યા.
કૂર્મગામમાં કરૂણારસવાળા, સ્નાનના અભાવના કારણે ઉત્પન્ન થયેલ ઘણી જૂને બચાવનાર, બાલતપસ્વી, વૈશિકાયિન તાપસને નિષ્કારણ કજિયા કરવાની ઇચ્છાથી ગોશાળો ‘‘અરે મૂકાશય્યાતર’’ એમ કહી તાપસના કોપાગ્નિને પ્રગટાવવા લાગ્યો. ત્યારે વૈશિકાયિન તાપસે તે દુરાત્માને બાળવા માટે વજને બાળવાની શક્તિવાળી તેોલેશ્યા છોડી. તે જ વખતે દયાળુ ભગવાન વર્ધમાનસ્વામીએ પણ તેના પ્રાણની રક્ષા માટે ઘણા તાપનો ઉચ્છેદ કરવામાં ચતુર એવી શીતલેશ્યા છોડી. જે સાધુ નિરંતર છટ્ઠ તપ કરે અને પારણામાં એક મુઢિ નખીયાવાળા અડદ વાપરે અને એક કોગળો પાણી પીએ-એ રીતે કરતા છ મહિને તેજોલેશ્યાલબ્ધિ ઉત્પન્ન થાય છે.
અહીં આદિ શબ્દથી બીજી પણ અણુત્વ, મહત્ત્વ, લઘુત્વ, ગુરુત્વ, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ, વશિત્વ, અપ્રતિઘાતિત્વ, અન્નન, કામરૂપિત્વ વગેરે લબ્ધિઓ જાણવી.