________________
કદાચ અહીં પ્રસ્તુત નિયતિવાદીઓના તર્કની સમીક્ષા કે ખંડન દિવાકરજીએ “કાળની ગર્તામાં વિલીન” (પૃ.૨૪) થઈ ગયેલ કોઈ અન્ય બત્રીસીમાં કરેલ પણ હોય, એવી સંભાવના નકારી શકાય નહિં.
અહીં આપણે પાશ્ચાત્ય તત્ત્વચિંતકોમાં નિયતિવાદ અંગે થયેલ વિચારણા પર એક ઉડતી નજર માત્ર કરી લઈએ:
ગ્રીક તત્ત્વચિંતક પ્લેટો (સોક્રેટિસનો શિષ્ય : ઈ.પૂ.૪૨૭–૩૪૬) એ સુંદર અને ન્યાયપૂર્ણ જીવન માટે સંકલ્પસ્વાતંત્ર્યને પાયાની શરત ગણી છે. એરિસ્ટોટલ (ઈ.પૂ. ૩૮૪-૩૨૨) પણ કહે છે કે દુર્ગુણનું આચરણ કરવું કે સદ્ગણોનું આચરણ કરવું તે આપણા હાથની જ વાત છે. પ્લેટોની પૂર્વે થઈ ગયેલ ગ્રીક ચિંતક ઝનો (Zeno) કહે છે કે આ વિશ્વમાં બધું જ પૂર્ણપણે અગાઉથી નિયત થયેલું છે, એમાં માનવીની સ્વતંત્ર ઈચ્છાશક્તિ જેવી વાતને કયાંય સ્થાન નથી. માણસ મૂખઈભરી રીતે એમ માનતો-મનાવતો રહે છે કે પોતે સ્વતંત્ર કતૃત્વશકિતથી બધું કરી રહ્યો છે; કારણ કે એના કાર્યોને નિયત કરનાર-દોરનાર કાર્યકારણની શૃંખલાને તે જોઈ શકતો નથી. પશ્ચિમમાં એવું માનનારા કેટલાક ચિંતકો પણ છે કે આપણે સ્વતંત્ર રીતે કોઈ ગાણિતિક સંખ્યા પણ ધારી શકતા નથી. આપણે કઈ સંખ્યા ધારીશું એની પાછળ પણ એને નિયત કરનાર કાર્યકારણની એક સાંકળ હોય છે.
સત્તરમી સદીમાં થઈ ગયેલ ફ્રેન્ચ દાર્શનિકરેને ડેકાર્ટ પૂર્ણપણે સંકલ્પ સ્વાતંત્રને માને છે. એ જ અરસામાં થઈ ગયેલ અંગ્રેજ ચિંતક હોન લૉક કહે છે કે માનવી સ્વતંત્ર ઈચ્છાશકિત અને નિર્ણયશકિત ધરાવે છે એમાં જરાય શંકાને સ્થાન નથી. આનાથી ઉલટ પક્ષ વોલ્ટર પૂર્ણ નિયતિવાદમાં માને છે. વોલ્ટર કહે છે કે, “એ જ સંકલ્પ કરી શકીશ કે જે મારા માટે અગાઉથી નિયત થયેલા હશે. આ નિયતિમાં મીનમેખ જેટલા ફેરફારને પણ અવકાશ નથી'. રૂસો કહે છે કે માનવી એ તો મુકત પ્રાણી છે; એ કંઈ પ્રકૃતિની જડ રમત કે ચોકઠાનું રમકડું નથી. જર્મન ચિંતક વિલિયમ હેગલ (ઈ.સ. ૧૭૭૦-૧૮૩૧) માને છે કે સંકલ્પ સ્વાતંત્ર્ય આ વિશ્વમાં મૂળભૂત રીતે જ સમાવિષ્ટ છે. જર્મન દાર્શનિક કેન્ટ (ઈ.સ. ૧૭૨૪-૧૮૦૪) કહે છે કે સંકલ્પ સ્વાતંત્ર્ય ન હોય તો કોઈ ગુનેગારને ઠપકો કે સજા ન આપી શકાય અને સજ્જનોના ગુણો માટેની પ્રશંસા અર્થહીન બની જાય; પરિણામે માનવ સમાજનું આખું નૈતિક બંધારણ જ ભાંગીને ભૂક્કો થઈ જાય. સ્વતંત્ર ઈચ્છાથી કરવામાં આવેલ કાર્ય જ નૈતિક અભિપ્રાય કે મૂલ્યાંકનનો વિષય બની શકે.