________________
5
બ
સ્થૂળ ભૌતિકવાદ અને પરમ આશાવાદ વચ્ચે ઝૂલતો નિયતિવાદ
ભારતીય તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં શાસ્ત્રાર્થની પરંપરાએ એક સાતત્ય, તાજગી અને સ્વસ્થ વિચારણાનું વાતાવરણ આપ્યું છે. આને કારણે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધાર સમું તર્કશાસ્ત્ર સુવિકસિત થયું છે. એક પદ્ધતિ તરીકે પણ આપણે ત્યાં કોઈ એક દાર્શનિક સિદ્ધાંતની સ્થાપના કરનાર ચિંતક એ સિદ્ધાંતના પ્રતિપક્ષે સંભવિત તર્કોને ધ્યાનમાં લઈને એની સમીક્ષા પણ પોતાની પ્રસ્તુતિમાં સમાવિષ્ટ કરે એવી પરંપરા રહી છે. આવી સુસ્થાપિત પ્રણાલી જગતમાં અન્યત્ર ભાગ્યે જ ક્યાંય જોવા મળે.
સિદ્ધસેન દિવાકર એક સમર્થ તર્કશાસ્ત્રી અને દર્શનશાસ્ત્રના પ્રખર અભ્યાસી હતા. આ ‘નિયતિ દ્વાત્રિંશિકા' એ એમની બત્રીસ બત્રીસીઓમાંની એક મહત્ત્વની કૃતિ છે. નિયતિવાદ અને સંકલ્પ સ્વાતંત્ર્યની સમસ્યા માત્ર ભારતીય તત્ત્વચિંતનમાં જ નહિં પણ પશ્ચિમના તત્ત્વચિંતકોને સુદ્ધાં સદા પડકારરૂપ મુંઝવતી સમસ્યા રહી છે. ભિન્નભિન્ન દાર્શનિક ધારાઓ આ સમસ્યાને સમજવા સમજાવવા પોતપોતાની પાયાની દાર્શનિક ભૂમિકા સાથે સુસંગત રીતે જ પોતાના તર્ક અને અર્થઘટનો આપે એ સ્વાભાવિક છે.
પરંતુ આ બત્રીસીમાં આપણને માત્ર નિયતિવાદીઓના તર્ક જ મળે છે. ભાષ્યકાર મુનિશ્રી ભુવનચંદ્રજીએ નોંધ્યું છે (જુઓ પૃ. ૬ શ્લોક ૬) તેમ દિવાકરજી પૂર્વપક્ષ રજૂ કરતા નથી તેમજ કયા સંપ્રદાયોના કયા કયા તર્કની સામે નિયતિવાદીના તર્કો રજૂ થયા છે તે પણ સ્પષ્ટ કરતા નથી. વળી નિયતિવાદીઓના તર્કોના ખંડનમંડનમાં પડવાનું પણ દિવાકરજીએ ટાળ્યું જ છે. આમ છતાં આ બત્રીસીનું મહત્ત્વ એ છે કે નિયતિવાદનો જ પૂર્વપક્ષ સર્વગ્રાહી, સર્વાશ્લેષી રીતે એમણે મૂકી આપ્યો છે. દિવાકરજી પોતે નિયતિવાદના સમર્થક નથી જ એ તો એમની અન્ય ઉપલબ્ધ બત્રીસીઓ અને એમના જીવનચરિત્ર ઉપરથી નિઃશંકપણે સ્પષ્ટ થાય છે. અને