SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છાકાર સામાચારી (૩) સૌથી મોટી વાત તો એ છે કે, નાના સાધુએ વડીલોનું કામ સ્વીકારતી વખતે હર્ષોલ્લાસ દેખાડવો, ઈચ્છાકાર રૂપ મધુર શબ્દો બોલવા એ તારક તીર્થંકર દેવોની આજ્ઞા છે. એટલે આવું કરનાર નાનો સાધુ તો જિનાજ્ઞાપાલન દ્વારા પુષ્કળ અશુભ કર્મોનો ક્ષય પ્રાપ્ત કરે છે. જો સાધુ આ આજ્ઞા ન પાળે તો વડીલાદિનું કામ કરવા છતાં એણે જિનાજ્ઞાનો ભંગ કરેલો હોવાથી એને મોટા અનર્થો થવાની શક્યતા રહે છે. માટે, નાના સાધુએ હર્ષોલ્લાસ દેખાડવા પૂર્વક, મધુર વચનો બોલવાપૂર્વક વડીલાદિના કાર્યો સ્વીકારવા જોઈએ, કરવા જોઈએ. શિષ્ય : એ સાધુને તો ત્રણ મોટા લાભો થયા પણ જે વડીલો કે ગુરુએ એ કામ સોંપ્યું, એમને શું લાભ? તેઓએ તો માત્ર ઈચ્છાકાર કર્યો. એ સિવાય એમણે તો કંઈ જ કર્યું નથી. ગુરુ : એ વડીલોને પણ ત્રણ લાભો થાય. (૧) “જો હું ઈચ્છાકાર વિના, બળજબરીથી કે આદેશાત્મક ભાષા વાપરી નાના સાધુને કામ સોંપીશ તો એને મનમાં થોડુંય દુઃખ તો થશે જ. ગમે તેવા સારા સાધુને પણ આવી બળજબરી ન ગમે. અને હું કોઈપણ જીવને મારા નિમિત્તે પીડા આપવા માંગતો નથી.” આવી અપૂર્વ કરૂણાથી ભરેલા હૃદયવાળા વડીલો જ આદેશને બદલે ઈચ્છાકાર કરે છે. આ ઉત્તમ પરિણામોને લીધે તેઓને પણ ઉચ્ચ ગોત્રાદિ પુણ્ય કર્મ બંધાય. નોકર બનાવનારા અશુભકર્મો ન બંધાય, જુના અશુભ કર્મોની નિર્જરા થાય. (૨) એ વડીલો પણ જિનાજ્ઞાનું પાલન કરેલું હોવાથી પુષ્કળ કર્મક્ષય પ્રાપ્ત કરે. (૩) વડીલ મુનિ નાના મુનિને કામ સોંપે ત્યારે પણ આટલી બધી નમ્રતા દેખાડે એ જોઈને ત્યાં ઊભા રહેલા શ્રાવકો સ્તબ્ધ બની જાય. શું આ જિનશાસનની અદ્ભુત વ્યવસ્થા ! નાના સાધુને માનસિક દુઃખ પણ ન થાય એ માટે વડીલો પણ કેટલી બધી નમ્રતા દાખવે છે. આ રીતે શ્રાવકાદિઓમાં જિનશાસન પ્રત્યે બહુમાનભાવ ઉત્પન્ન થાય. આવી લોકોત્તમ સામાચા૨ી જોઈને કેટલાકોને દીક્ષા લેવાની ભાવના પણ થાય, કેટલાકો સમ્યગ્દર્શનાદિ ગુણો પણ પામે. આ બધો લાભ ઈચ્છાકાર કરતા વડીલ મુનિના ફાળે જાય. શિષ્ય : ગમે તેમ તો ય, આ ઈચ્છાકાર એ બાહ્ય વ્યવહાર છે. આત્માને જે કંઈ સારા-ખરાબ ફળો મળે છે. એ એના શુભાશુભ પરિણામ પ્રમાણે મળે છે. જો પરિણામ સારા હોય તો શુભ ફળો મળે. એટલે આ ઈચ્છાકારાદિ બાહ્ય વ્યવહાર મને તો નકામો લાગે છે. ગુરુ : વધુ પડતા નિશ્ચયનયના શ્રવણ વાંચન કર્યાનું આ પરિણામ છે. ઈચ્છાકાર એ પાંચ આચારોમાંથી વીર્યાચાર નામનો આચાર છે અને એ આચાર પણ નિર્જરાનું કારણ છે. બેશક, અંદરના પરિણામો નિર્જરામાં કારણ છે પણ એ સાથે વીર્યાચાર ભળે તો વધુ નિર્જરા થાય. એટલે જે સાધુ વડીલોના કામ ભાવપૂર્વક કરે એને એના ભાવ પ્રમાણેની નિર્જરા તો મળી જાય પણ વીર્યાચારનું પાલન ન કરેલું હોવાથી એની નિર્જરા તો એને ન જ મળે. એટલે જેણે સંપૂર્ણ નિર્જરા મેળવવી હોય એણે અંદર શુભ ભાવ સાથે વીર્યાચારનું પાલન કરવું જોઈએ. શિષ્ય : ગુરુદેવ ! આપની આ વાત તો મને માન્ય છે પણ વડીલો જ્યારે કામ સોંપે એ વખતે નાના સાધુને કોઈપણ કારણસર એ કામ કરવું ફાવે તેમ ન હોય તો ? નાના સાધુને જ સખત માથું દુઃખતું હોય અથવા ગુરુએ એ નાનાને બીજું મહત્ત્વનું કામ સોંપેલું જ હોય. અથવા નાના સાધુને તાત્કાલિક બહાર ઠલ્લે જવું હોય, આ બધા કારણોમાં એ સાધુ શી રીતે વડીલનું કામ સ્વીકારે ? સંયમ રંગ લાગ્યો - ઈચ્છાકાર સામાચારી ૭ ૨૩૬
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy