________________
૧૪૩૫
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ અયતનાનો પ્રવેશ થાય છે ત્યારે, દ્રવ્યસ્તવમાં અસંયમની ઉપપત્તિ છે, અને તે અસંયમનું શોધન પણ દ્રવ્યસ્તવકાળમાં ભગવાનના ગુણોના પ્રણિધાનથી થાય છે.
આનાથી એ ફલિત થાય છે કે દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોની હિંસા છે, તેને આશ્રયીને પૂજાપંચાશકના કથનમાં પૂ. આ. ભગવંત હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે અસંયમ સ્વીકારેલ નથી, પરંતુ પૂજામાં વિધિભક્તિના વૈગુણ્યકૃત અયતનાને કારણે અસંયમ સ્વીકારેલ છે, અને તે અસંયમ અલ્પમાત્રાવાળું હોવાથી ઉત્તરકાળમાં ભગવાનના ગુણોમાં ઉપયુક્ત એવા શ્રાવકના બળવાન શુભભાવથી નાશ પામે છે, એ પ્રમાણે સભ્ય મનમાં લાવવું.
ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા છે, એ રૂપ અસંયમ છે, અને ભગવાન પ્રત્યેની ભક્તિ છે, એ રૂપ સંયમ છે, એ પ્રકારે સ્વીકારીને પૂર્વપક્ષી દ્રવ્યસ્તવને ધર્માધર્મરૂપ મિશ્ર કહે છે, અને કહે છે કે કૂપદૃષ્ટાંતથી શાસ્ત્રકારોએ દ્રવ્યસ્તવથી અસંયમની શુદ્ધિ થાય છે, તેમ સ્વીકાર્યું, તેથી નક્કી થાય છે કે ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસાકૃત અસંયમ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ પ્રથમ સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવકાળમાં વિધિભક્તિના વૈગુણ્યકૃત જે અસંયમ છે, તે અસંયમનું શોધન ભગવાનની ભક્તિથી થાય છે.
આનાથી એ ફલિત થાય છે કે જે દ્રવ્યસ્તવમાં લેશ પણ વિધિ-ભક્તિનું વૈગુણ્ય નથી, તે દ્રવ્યસ્તવમાં અસંયમ નથી. માટે પુષ્પાદિ જીવોની થતી હિંસાને આશ્રયીને દ્રવ્યસ્તવમાં અસંયમ સ્વીકારી શકાય નહિ.
વળી, ‘જ્ઞા'થી બીજો વિકલ્પ કરતાં બતાવે છે કે કોઈ શ્રાવક પરિપૂર્ણ વિધિ-ભક્તિયુક્ત દ્રવ્યસ્તવ કરતો હોય તે પણ પૂર્વમાં જે ગૃહારંભાદિ કરે છે, તેનાથી બંધાયેલું જે કર્મ છે, તે કર્મનું અપનયન દ્રવ્યસ્તવથી થાય છે. તેથી કૂપદષ્ટાંત દ્વારા દ્રવ્યસ્તવથી અસંયમની શુદ્ધિ થાય છે, તેમ કહેલ છે.
આનાથી એ ફલિત થાય કે કોઈ શ્રાવક ગૃહારંભ કરે છે, એ રૂપ જે અસંયમ છે, તે અસંયમની શુદ્ધિ દ્રવ્યસ્તવની ક્રિયાથી થાય છે, પરંતુ દ્રવ્યસ્તવમાં કોઈ અસંયમ નથી, માટે પુષ્પાદિ જીવોની હિંસાને આશ્રયીને દ્રવ્યસ્તવ અધર્મરૂપ છે, અને ભગવાનની ભક્તિને આશ્રયીને દ્રવ્યસ્તવ ધર્મરૂપ છે, એમ પૂર્વપક્ષી કહે છે તે યુક્ત નથી.
અહીં ‘યદ્રાથી કહ્યું કે દ્રવ્યસ્તવ નામનો ગૃહાશ્રમરૂપ જે ધર્મ, તેની અધિકારિતાવચ્છેદક અસદારંભકર્મ, તેનું અપનયન સદારભક્રિયાક્તિથી થાય છે. આ કથનથી એ પ્રાપ્ત થાય છે કે દ્રવ્યસ્તવ એ ગૃહાશ્રમરૂપ છે યતિ આશ્રમનો ધર્મ નથી, અને તેનો અધિકારી ગૃહસ્થ છે યતિ નથી, અને તે અધિકારિતા ગૃહસ્થમાં છે, અને તે અધિકારિતા ગૃહસ્થને પ્રાપ્ત થવાનું કારણ ગૃહસ્થ સંસારના આરંભો કરે છે તે છે. જો ગૃહસ્થ સંપૂર્ણ આરંભ વગરનો હોય તો તે દ્રવ્યસ્તવનો અધિકારી બને નહિ. આથી જ સંપૂર્ણ આરંભ વગરના મુનિ દ્રવ્યસ્તવના અધિકારી નથી. ગૃહસ્થને દ્રવ્યસ્તવની અધિકારિતાનું કારણ અસદારંભ ક્રિયા છે, તે અસઆરંભની ક્રિયાને દૂર કરનાર દ્રવ્યસ્તવ છે.