________________
પ્રતિમાશતક ભાગ-૩ | પ્રાકથન
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ની પ્રસ્તાવના લખવાના અવસરે ગ્રંથના મહત્ત્વના અંગભૂત કાવ્યરચના અંગે પણ થોડી વાત કરી લઈએ. જિનપ્રતિમાના ગુણગાન કરતા આ ગ્રંથમાં પ્રાયઃ શાર્દૂલવિક્રીડિત છંદમાં રચેલાં મૂળ કાવ્યો-૧૦૪ છે અને સંસ્કૃત ભાષામાં છે. શ્રેષ્ઠ કાવ્ય માટે આવશ્યક પદલાલિત્ય, અલંકારો, અર્થગંભીરતા, પ્રાસ વગેરે ભૂષણોથી મનોરમ બનેલાં આ કાવ્યો પરમાત્મા-જિનબિંબની ભક્તિબહુમાનયુક્ત સ્તુતિઓરૂપ છે અને અનેક અલંકારો વગેરેથી સુગ્રાહ્ય બનેલાં આ કાવ્યોમાં ગ્રંથકાર શ્રીમદ્ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ જિનેશ્વરદેવો પ્રત્યેનો પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરીને કાવ્યોને જીવંત બનાવ્યાં છે. જેથી આ કાવ્યો માત્ર પઠનીય કે શ્રવણીય ન રહેતાં સ્મરણીય, મનનીય, ધ્યાતવ્ય પણ બની ગયાં છે. જિનપ્રતિમાની આવશ્યકતા, પૂજ્યતા અને શ્રેષ્ઠતાદર્શક આ કાવ્યો ભક્તિરસ અને અધ્યાત્મરસથી ભરપૂર હોવાથી કમનીય છે, જેનો એક નમૂનો આ રહ્યો –
किं ब्रह्मकमयी किमुत्सवमयी श्रेयोमयी किं किमु, ज्ञानानन्दमयी किमुन्नतिमयी किं सर्वशोभामयी । इत्थं किं किमिति प्रकल्पनपरैस्त्वन्मूर्तिरुद्वीक्षिता; किं शब्दातिगमेव दर्शयति सद्ध्यानप्रसादान्महः ।।
આ પ્રતિમા શું બ્રહોદ્મય છે ? શું ઉત્સવમય છે ? શું શ્રેયોમય છે? શું જ્ઞાનાનંદમય છે? શું ઉન્નતિમય છે? શું સર્વ શોભામય છે? આ પ્રમાણે “શું” “શું” એવી પ્રકલ્પનાઓમાં તત્પર એવા કવિઓ વડે જોવાયેલી આ પ્રતિમા સધ્યાનના પ્રભાવથી ‘ક્રિ' શબ્દથી અતીત જ એવા પર જ્ઞાન પ્રકાશનું દર્શન કરાવે છે.
આ રીતે શ્રેષ્ઠ પ્રતિમાની પૂજ્યતાની સિદ્ધિ પ્રતિમાશતક ગ્રંથરત્નમાં ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ અનેક આગમપાઠોની સાક્ષી આપવાપૂર્વક તર્કયુક્તિઓ દ્વારા કરેલ છે.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩માં નીચે મુજબના મુખ્ય મુદ્દાઓની છણાવટ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ કરેલ છે અને તેમાં અનેક આગમપાઠોની સાક્ષીઓ આપેલ છે. તે આ પ્રમાણે -
દ્રવ્યસ્તવમાં જે દૂષણ છે, તે વિધિવૈગુણ્યકૃત છે અને તે પણ ભક્તિથી ઉપહત થાય છે, એ પ્રકારે જ્ઞાપન કૂપદૃષ્ટાંતનું ફળ છે.
* વિધિશુદ્ધ પૂજામાં કૂપદષ્ટાંતનું યોજન નથી.
* કૂપદષ્ટાંતનું યોજન કઈ રીતે, ક્યાં સંગત થાય છે, તે અંગે વિસ્તૃત ચર્ચાપૂર્વક ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજાને ફુરણ થતા પદાર્થનું સ્પષ્ટીકરણ કરેલ છે.
(કૂપદષ્ટાંતના યોજના અંગે વિશેષ જિજ્ઞાસુએ “કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન' ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત થયેલ છે, તે વાંચવાથી ખ્યાલ આવશે.)
* જિનપૂજા અર્થદંડરૂપ નથી' એ સિદ્ધ કરવા માટે અનેક તર્કબાણોથી પ્રતિમાલોપકોની માન્યતાને છિન્ન ભિન્ન કરેલ છે.
* દ્રવ્યસ્તવની સિદ્ધિ માટે એક પછી એક અનેક આગમ-પ્રકરણ પાઠોનો ધોધ વહાવ્યો છે. * સંપૂર્ણ સ્તવપરિજ્ઞા ગ્રંથ આમાં ઉતારીને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો સાંગોપાંગ બોધ કરાવેલ છે.