________________
૨૩૬
પ્રતિમાશતક, શ્લોકઃ ૧૫ વચનયોગની પ્રવૃત્તિ કરાવી શકે, તેવી બીજાને માટે સંભવ નથી. વળી પૂજાના ઉત્કર્ષમાં જયણાનો પરિણામ પણ અતિ આવશ્યક છે. તેથી વિરતિવંત શ્રાવક શક્ય તેટલી હિંસાદિના પરિહારપૂર્વક અને યતનાપૂર્વક શ્રેષ્ઠ સામગ્રી વચન દ્વારા મેળવીને તે રીતે યતનાવાળો બની શકે છે, કે જે વચનયોગના ઉત્કર્ષરૂપ હોય; અને પોતાને વિરતિનો પરિણામ હોવાથી તેમની ક્રિયા અવંચકરૂપ બને તેવી હોય છે. આથી જ તે સર્વ મંગલોનું કારણ બને છે. (૩) સર્વસિદ્ધિફલા પૂજાઃ
- ત્રીજી પૂજા સર્વસિદ્ધિફલા છે અને તે પરમ શ્રાવકને જ હોય છે. અર્થાત્ પરમ શ્રાવક એ છે કે જે અત્યંત મુનિભાવને આસન્ન છે. આથી જ પ્રાયઃ તે સંવાસાનુમતિની ભૂમિકામાં છે, અને પ્રાયઃ પ્રતિમાદિને વહન કરનારા હોય કે અત્યંત નિરવઘ જીવન જીવવા માટે યત્નવાળા હોય. તેથી જ સચિત્તાદિ વસ્તુના આરંભના ત્યાગમાં જ મુખ્યરૂપે યત્ન કરતા હોય અને નિરતિચાર શ્રાવકપણું પાળતા હોય અને તેવા પરમ શ્રાવકો ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિવાળા હોય છે. તેથી જ સર્વોત્તમ એવા પુરુષની સર્વોત્તમ દ્રવ્યથી જ પૂજા કરવાના અભિલાષવાળા હોય છે. તેથી નંદનવનમાં રહેલાં શ્રેષ્ઠ પુષ્પોને તેઓ ભગવાનની પૂજા માટે યોગ્ય માને છે, અને તે પુષ્પોની પ્રાપ્તિ પોતાની કાયાથી તેઓને અસંભવિત દેખાય છે, અને વચનથી પણ તે પુષ્પોની પ્રાપ્તિ કરી શકે તેવું તેમને લાગતું નથી. ત્યારે મનથી જ ભાવના અતિશય દ્વારા નંદનવનમાં રહેલાં પુષ્પોને લઈ આવે છે, અને અત્યંત ભક્તિના અતિશયથી તે પુષ્પોથી ભગવાનની પૂજા તેઓ મન દ્વારા કરે છે. તેથી તે વખતે ભગવાનની પૂજામાં મનનો ઉત્કર્ષ વર્તતો હોય છે.
- પરમ શ્રાવકની આવી પૂજા ફલાવંચક્યોગવાળી હોય છે, તેનો ભાવ એ ભાસે છે કે, પ્રાયઃ તેઓની આ પૂજા અમૃતક્રિયા હોવી જોઈએ, અને અમૃત અનુષ્ઠાન મોક્ષરૂપ ફળનું અવંચક બને તેવું હોય છે. આ પૂજા પરમ શ્રાવકને એટલા માટે હોય છે કે, પૂજાને અનુકૂળ ત્રણે ય યોગોનો ઉત્કર્ષ પરમ શ્રાવકમાં જ સંભવી શકે છે. કેમકે પૂજાનો અધિકારી શ્રાવક છે અને શ્રાવકની પરમ અવસ્થામાં જ આ ત્રીજા પ્રકારની પૂજાનો સંભવ છે.
અહીં ત્રણેય પૂજાઓનાં અન્વર્થ નામ હોવાથી એ અર્થ ભાસે છે કે, સમંતભદ્ર શબ્દ પણ કલ્યાણવાચી છે, અને સર્વમંગલ શબ્દ પણ કલ્યાણવાચી છે. પરંતુ સમંતભદ્ર અવસ્થાની પ્રાપ્તિ કરતાં સર્વમંગલ અવસ્થાની પ્રાપ્તિ વિશેષ કલ્યાણરૂપ છે. અને એના કરતાં વિશેષ અવસ્થાની પ્રાપ્તિ સર્વસિદ્ધિફલા પૂજાની લાગે છે. આ ત્રણેય અવસ્થામાં પુણ્યાનુબંધી પુણ્ય કે મોક્ષને અનુકૂળ નિર્જરા પ્રધાનરૂપે વર્તતી હોય છે, અને તે ઉત્તરોત્તર ઉત્કર્ષવાળી હોય છે.