________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | પ્રસ્તાવના
વળી, કેટલાક અયોગ્ય જીવોને ભગવાનની ભક્તિના આશયથી પણ કુવિકલ્પો થાય છે. આ કુવિકલ્પો કઈ રીતે થાય છે ? તેની વિશાળ ચર્ચા ગાથા-૪૩થી ૫૪ સુધી કરેલ છે. જેમાં કેવલીના યોગોથી દ્રવ્યહિંસા સંભવી શકે છે. ભાવહિંસા કેવલીને સંભવિત નથી, તેની ચર્ચા કરેલ છે. એટલું જ નહીં પણ, અપ્રમત્ત મુનિને તેમના યોગથી કોઈ જીવહિંસા થાય તોપણ અપ્રમત્ત મુનિઓને લેશ પણ કર્મબંધ થતો નથી અને પ્રમાદવાળા જીવોથી જીવહિંસા ન થાય તોપણ હિંસાને અનુકૂળ ચિત્ત હોવાથી અવશ્ય કર્મબંધ થાય છે. તેથી કર્મબંધ પ્રત્યે આચરણાનું શું સ્થાન છે ? અધ્યવસાયનું શું સ્થાન છે ? તેનો વિશદ્ બોધ કેવલીના યોગથી થતી હિંસા વિષયક વિશદ્ ચર્ચાથી થાય છે.
વળી, કેટલાક મુનિઓ કેવલીના યોગથી દ્રવ્યહિંસા સંભવે નહીં તેના સમર્થન માટે શાસ્ત્રવચનોનું કઈ રીતે યોજન કરે છે ? તે બતાવીને તેમના દ્વારા કરાયેલી શાસ્ત્રની યોજના કઈ રીતે મધ્યસ્થતાવાળી નથી તથા મધ્યસ્થતાપૂર્વક શાસ્ત્રોનું કઈ રીતે યોજન ક૨વું જોઈએ ? તે વિષયક માર્ગાનુસારીબુદ્ધિ પણ પ્રસ્તુત ગ્રંથમાં કરાયેલી ચર્ચાથી પ્રાપ્ત થાય છે. તેથી મધ્યસ્થતાપૂર્વક શાસ્ત્રનું યોજન કરવું જોઈએ તેનો વિશદ બોધ પ્રસ્તુત ગ્રંથથી થાય છે અને કર્મબંધમાં કઈ રીતે અધ્યવસાય કારણ છે અને કઈ રીતે ક્રિયાઓ અધ્યવસાયને પ્રગટ કરવામાં કારણ છે તેનો પણ માર્ગાનુસારી બોધ પ્રસ્તુત ગ્રંથના વિવેચનથી પ્રાપ્ત થાય છે.
છદ્મસ્થપણાના કારણે જિનેશ્વર પરમાત્માની વાણીથી વિપરીત કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તેનું ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં.
વિ. સં. ૨૦૬૯, આસો સુદ-૧૦,
તા. ૧૪-૧૦-૨૦૧૩, સોમવાર.
૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪
૨
事
事
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા