________________
૨૮૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ જે સમુદ્ર છે તેની આગળ અન્યદર્શનને અભિમત પ્રવાદો સમુદિત થાય તોપણ બિંદુ જેટલા જ છે એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. આ રીતે “સર્વપ્રવાદના મૂલ'નો અર્થ વૃત્તિકારે કર્યો તેના કરતાં અન્ય પ્રકારે પૂર્વપક્ષીએ કર્યો. હવે વૃત્તિના વ્યાખ્યાનની સંગતિ કઈ રીતે થઈ શકે તે બતાવતાં પૂર્વપક્ષી કહે છે –
જે કારણથી દ્વાદશાંગ રત્નાકરની ઉપમા દ્વારા શુભાશુભ સર્વ પ્રવાદનું મૂલ છે. તે કારણથી સ્વરૂપથી અને ફલથી સુંદર એવું જીવોની આચરણારૂપ જે અકરણીય નિયમાદિ કૃત્યો છે, તેના વાચક એવાં જે વચનો છે તે સર્વનો દ્વાદશાંગીમાં જ અવતાર કરવો જોઈએ; કેમ કે દ્વાદશાંગી સર્વોત્કૃષ્ટ શ્રત છે. તે શ્રત વ્યાપકીભૂત સર્વસુંદરાત્મક દ્વાદશાંગીમાં અવશ્ય અતંર્ભાવ પામે છે. વળી, સમ્યગ્દષ્ટિઓનું જે કંઈ સુંદર છે તે સર્વ પણ દ્વાદશાંગીમૂલક ઉદિત છે; કેમ કે ફલથી પણ શુભ છે. સમ્યગ્દષ્ટિ જીવોને શ્રુતની આરાધનાવિધિનું પરિજ્ઞાન છે એથી સમ્યગ્દષ્ટિનું તે શ્રુતજ્ઞાન સાનુબંધ પુણ્યપ્રકૃતિનો હેતુ છે.
આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવો મોક્ષના અત્યંત અર્થી હોય છે. મોક્ષનો ઉપાય ભગવાનનું વચન અને ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ છે એવી તેમને સ્થિર બુદ્ધિ હોય છે. તેથી તેઓને જે કાંઈ શ્રુતનો બોધ છે. તે સર્વજ્ઞ કથિત દ્વાદશાંગીમૂલક ઉદિત છે=સર્વજ્ઞએ કહેલા દ્વાદશાંગીમાંથી પ્રગટ થયેલ છે; કેમ કે ફલથી પણ શુભ છે અર્થાત્ ભગવાને વીતરાગ થવાના ઉદ્દેશથી દ્વાદશાંગી બતાવેલ છે, તે પ્રકારનો બોધ સમ્યગ્દષ્ટિ જીવો હોવાના કારણે તે શ્રતથી આત્માને ભાવિત કરીને સમ્યગ્દષ્ટિ જીવો વીતરાગતાને અનુકૂળ સુંદર ભાવો કરે છે. માટે ફલથી પણ શુભ છે. વળી, સમ્યગ્દષ્ટિ જીવોને કઈ રીતે શ્રુતજ્ઞાનની આરાધના કરવાથી આત્માનું હિત થાય છે તેનું પરિજ્ઞાન છે. માટે સમ્યગ્દષ્ટિનું પ્રગટ થયેલું શ્રુતજ્ઞાન દ્વાદશાંગીમૂલક છે. અને તે શ્રુતજ્ઞાનના બળથી સમ્યગ્દષ્ટિ જીવો સાનુબંધ પુણ્યપ્રકૃતિ બાંધે છે.
વળી, મિથ્યાદૃષ્ટિ જીવોને પ્રગટ થયેલું શ્રુતજ્ઞાન કોઈક અંશમાં સ્વરૂપથી શુભ હોવા છતાં પણ ફલથી અશુભ જ છે; કેમ કે વિપર્યસ્ત બુદ્ધિવાળા છે. અને શ્રુતજ્ઞાનની આરાધનાની વિધિનું પરિજ્ઞાન નથી. એથી સમ્યગ્દષ્ટિને અકરણનિયમ જે પ્રમાણે પરિણમન પામે છે, તેના કરતાં મિથ્યાષ્ટિને અકરણનિયમ વિરુદ્ધ સ્વરૂપે પરિણમન પામે છે. તેથી સમ્યગ્દષ્ટિના અને મિથ્યાષ્ટિના અકરણનિયમને સમાન કહેવાથી સર્વજ્ઞના વચનથી ઉત્પન્ન થયેલા અકરણનિયમની અવજ્ઞા થાય છે. ભગવાનના વચનથી ઉત્પન્ન થયેલા અકરણનિયમની અવજ્ઞા કરવાથી સર્વજ્ઞની અવજ્ઞા થાય છે. સર્વજ્ઞની અવજ્ઞા અનંતસંસારનો હેતુ છે. આમ કહીને પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે અન્યદર્શનના જીવો જે અકરણનિયમનું સેવન કરે છે તેને આશ્રયીને તેઓને દેશારાધક કહી શકાય નહિ, પરંતુ તેઓ તો સર્વવિરાધક જ છે. જેઓ અભવ્ય છે, દુર્ભવ્ય છે કે મિથ્યાત્વથી વાસિત મતિવાળા છે, આમ છતાં સર્વજ્ઞએ કહેલા ચારિત્રનું અનુષ્ઠાન સેવે છે, તેઓને દેશારાધક કહી શકાય.
વળી, અન્યદર્શનવાળા જીવોના અકરણનિયમો ફલથી સુંદર નથી. તે કથન પૂર્વપક્ષી દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે મોક્ષના અંગભૂત એવું સ્વરૂપથી શુભ પણ મનુષ્યપણું સંયમી જીવોને ફલથી પણ શુભ જ છે; કેમ કે મોક્ષ પ્રાપ્તિ સુધી તે મનુષ્યનો ભવ સુગતિનો હેતુ છે. વળી, સ્વરૂપથી શુભ પણ મનુષ્યપણું