________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૦૨
૨૧
વ્યવહારનયની દૃષ્ટિ સ્પષ્ટ કરવા માટે માથાના ચોથા પાદમાં કહ્યું કે પ્રાયશ્ચિત્તમાં તેનો પ્રતિબંધ છે અર્થાત નિષ્કારણ પ્રતિસેવાના કારણે અધ્યવસાયવિશેષથી જે ચારિત્રનો નાશ થાય છે, તે નાશનો અસ્વીકાર છે. અર્થાત્ તે નાશને સ્વીકારીને વિચારીએ તો શૈલકસૂરિમાં ચારિત્ર નથી તેમ સ્વીકારવું પડે પરંતુ વ્યવહારનય છેદ પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય ત્યાં સુધીના અતિચારથી થતા ચારિત્રના નાશનો સ્વીકાર કરતો નથી.
આનાથી એ ફલિત થાય કે કોઈ સાધુ ઉત્તરગુણમાં પ્રમાદ કરતા હોય તોપણ તે ઉત્તરગુણનો પ્રમાદ ચારિત્રનો નાશ કરશે, અને ચારિત્ર વગરનો જીવ લેશમાત્રથી સદ્ગતિને પામશે નહિ. તેથી સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષફળને પણ પામશે નહિ. તે બતાવવા માટે શાસ્ત્રકારોએ કહ્યું કે “જો સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી ઉત્તરગુણની પણ ઉપેક્ષા કરશે તો ભાવથી ચારિત્ર રહિત થશે, અને તેથી મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થશે નહિ.” માટે મોક્ષના અર્થીએ નિશ્ચયનયની દષ્ટિથી વિચારવું જોઈએ કે “અધ્યવસાય ઉપર ચારિત્ર નિર્ભર છે, અને ઉત્તરગુણની પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવશે તો સાક્ષાત મૂળગુણનો ભંગ નહિ થયો હોય તોપણ સદ્ગતિ મળશે નહિ.” માટે મોક્ષના અર્થી સાધુએ નિષ્કારણ ઉત્તરગુણની પ્રતિસેવનાની પણ ઉપેક્ષા કરવી જોઈએ નહિ.
વળી, જ્યારે કોઈ આરાધક સાધુ પણ કોઈ નિમિત્તને પામીને પ્રમાદવશ થયા હોય, આમ છતાં, તેમનાથી સેવાયેલા દોષોનું પ્રાયશ્ચિત્ત છેદ પ્રાયશ્ચિત્ત સુધી આવતું હોય ત્યાં સુધી તે સાધુ મૂળગુણરહિત છે એમ વ્યવહારનય કહેતો નથી, પરંતુ જો તે દોષસેવનનું મૂળ પ્રાયશ્ચિત્ત આવતું હોય તો તે સાધુમાં ચારિત્ર નથી, તેમ વ્યવહારનય કહે છે.
જેમ સિંહગુફાવાસી મુનિ કોશ્યા વેશ્યાને ત્યાં ગયા, કામની ઇચ્છાવાળા થયા અને વેશ્યાના વચન પ્રમાણે રત્નકંબલ લેવા ચોમાસામાં વિહાર કર્યો અને તે પ્રમાણે રત્નકંબલ લાવીને વેશ્યાને આપી અને કામ માટે સ્પષ્ટ માગણી કરી, તે વખતે અધ્યવસાયથી તેઓ ચારિત્રી નથી, તોપણ વ્યવહારનયથી તે સાધુ મૂળગુણરહિત નથી; કેમ કે બાહ્યવૃત્તિ અને અંતઃવૃત્તિ ઉભયથી વ્રતનો ભંગ થાય તો વ્રતભંગ સ્વીકારીને મૂળ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય એમ વ્યવહારનય કહે છે. પરંતુ બાહ્યવૃત્તિ કે અંતઃવૃત્તિ બેમાંથી એકથી પણ વ્રતનું રક્ષણ હોય તો વ્યવહારનય વ્રતભંગ સ્વીકારતો નથી, પણ તે વ્રતમાં અતિચાર સ્વીકારે છે. તે નિયમ પ્રમાણે સિંહગુફાવાસી અંતઃવૃત્તિથી શીલના પરિણામવાળા ન હતા, તોપણ બહિવૃત્તિથી કામનું સેવન નહિ થયેલું હોવાથી શીલવાળા હતા. માટે વ્યવહારનય અનુસાર સિંહગુફાવાસીને અતિચારને આશ્રયીને પ્રાયશ્ચિત્ત આવેલ, પણ વ્રતભંગનું પ્રાયશ્ચિત્ત આવેલ ન હતું.
આનાથી એ ફલિત થાય કે વેશ્યા પાસે કામની માગણી કરી ત્યારે અંતઃવૃત્તિથી ચારિત્રહીન હોવા છતાં સિંહગુફાવાસી બહિવૃત્તિથી મૂળગુણહીન નથી, તેથી વ્યવહારનય તેઓને ચારિત્રી છે તેમ સ્વીકારે છે. તેમ શૈલકસૂરિ શય્યાતરપિંડભોજન આદિ કરતા હતા અને તે દોષના નિવારણ માટે કોઈ યત્ન કરતા ન હતા, તેથી અંતઃવૃત્તિથી દીર્ઘકાળ અતિચાર સેવનને કારણે ચારિત્રરહિત હોવા છતાં પણ શૈલકસૂરિ બહિવૃત્તિથી મૂળગુણહીન નથી. તેથી વ્યવહારનય તેઓને ચારિત્રી છે તેમ સ્વીકારે છે.