________________
૨૬૪
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૯૫-૧૯૬
જેમ પંથકમુનિ શિથિલ એવા ગુરુના શિથિલાચારને પોષીને શિથિલ બન્યા, તેમ અપૂજનીય એવી પણ પત્થરની મૂર્તિને પૂજીને દ્રૌપદીઆદિ શ્રાવકઆચારમાં શિથિલ બની. માટે “દ્રિૌપદીઆદિએ પ્રતિમાની પૂજા કરી છે” એવા શાસ્ત્રવચનના બળથી મૂર્તિ પૂજનીય સિદ્ધ થાય નહિ.
આ રીતે જેમ શિથિલ એવા પંથકમુનિની વૈયાવચ્ચથી શિથિલ એવા ગુરુ પૂજનીય સિદ્ધ થાય નહિ, તેમ શ્રાવકધર્મમાં શિથિલ એવી દ્રૌપદીઆદિની પૂજાથી ભગવાનની મૂર્તિ પૂજનીય સિદ્ધ થાય નહિ, એમ સ્થાનકવાસી જે કહે છે, તે મતનું આથી નિરાકરણ થાય છે; કેમ કે પૂર્વની ગાથામાં કલ્પભાષ્યના વચનના દૃષ્ટાંતથી પંથકમુનિને પરમ ધર્મવિનયની પ્રાપ્તિ થાય છે તેમ ગ્રંથકારે સ્થાપન કર્યું. તેથી એ ફલિત થાય કે પંથકમુનિ શિથિલ ન હતા, પંથકમુનિને શિથિલાચારી કહીને તેમના દષ્ટાંતથી દ્રૌપદીઆદિએ કરેલી ભગવાનની પૂજાને પણ અપ્રમાણ કહેનાર સ્થાનકવાસીની યુક્તિનું નિરાકરણ થાય છે.
વળી, પંથકમુનિ શિથિલ હતા તેમ સ્થાપન કરવા માટે સ્થાનકવાસી કહે છે
શિથિલ એવા ગુરુનો ૫૦૦ શિષ્યોએ ત્યાગ કર્યો, આમ છતાં પંથકમુનિએ ત્યાગ ન કર્યો, એ બતાવે છે કે પંથકમુનિ ગુરુના શિથિલાચારને પોષનારા હતા, માટે પંથકમુનિ શિથિલ હતા. આ પ્રકારના સ્થાનકવાસીના આશયનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકાર કહે છે
૫૦૦ સાધુ સુસાધુ હતા, તેથી સંયમના ઉદ્યમ માટે ગુરુને છોડીને તેઓએ વિહાર કર્યો તોપણ ગુરુના વૈયાવચ્ચના કાર્યમાં તે ૫૦૦ સાધુઓએ પંથકમુનિને સ્થાપન કર્યા; જો પંથકમુનિ શિથિલ હોય તો ૫૦૦ સાધુ તેમને ગુરુના વૈયાવચ્ચના કાર્યમાં સ્થાપન કરે નહિ. પરંતુ પંથકમુનિના ગુરુ સંબંધી વૈયાવચ્ચના કાર્યમાં ૫૦૦ સાધુઓ સંમત હતા, તેથી નક્કી થાય છે કે પંથકમુનિ શિથિલ ન હતા. માટે પંથકમુનિનું દષ્ટાંત લઈને દ્રૌપદીઆદિએ કરેલી પૂજાને અપ્રમાણ કહેનાર સ્થાનકવાસી મતનું નિરાકરણ થાય છે. ૧૯૫
અવતરણિકા :
પંથકમુનિને ગુરુની સેવાથી ઉત્તમ ધર્મવિનયની પ્રાપ્તિ થઈ” એ પ્રકારના ગાથા-૧૯૪ના કથનથી સ્થાનકવાસી મતનું નિરાકરણ થાય છે, એ વાત ગાથા-૧૯૫ના પૂર્વાર્ધમાં બતાવી; અને સ્થાનકવાસી મત પંથકમુનિને શિથિલ કહે છે એ યુક્ત નથી, તે વાત ગાથા-૧૯૫ના ઉત્તરાર્ધમાં બતાવી. હવે શૈલકસૂરિમાં શિથિલપણું છે તોપણ મૂળવ્રતનો ભંગ નથી, તેથી પણ શૈલકસૂરિની સેવા કરનાર પંથકમુનિને સંયમમાં કોઈ દોષ નથી, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
कप्पिअसेवालद्धा-वगासदप्पेण सेलगस्सावि । सिढिलत्तं ण उ भंगे, मूलपइन्नाइ जं भणिअं ॥१९६॥ कल्पिकसेवालब्धावकाशदर्पण शैलकस्यापि । शिथिलत्वं न तु भङ्गः मूलप्रतिज्ञया यतो भणितम् ॥१९६।।