________________
અતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૨૫-૧૨૬
૧૭૫
પ્રશંસા કરે નહિ. ગુણવાન સાધુમાં કે ગુણવાન શ્રાવકમાં રહેલા અસાધારણ ગુણો જોઈને કોઈ સાધુને હૈયામાં આદર થાય અને તેના કારણે તેની પ્રશંસા કરે તો પોતાનામાં રહેલો ગુણના રાગરૂપ ગુણ વૃદ્ધિ પામે છે. તેથી સાધુએ પરગત ગુણોની પ્રશંસામાં ઉદ્યમ કરવો ઉચિત છે. ૧૨પ અવતરણિકા :
સુસાધુને પરગત ગુણોને ગ્રહણ કરવાનો પરિણામ અને સ્વદોષોને જોવાનો પરિણામ કેવો છે તે બતાવવા માટે પૂર્વમાં સુસાધુને પરગતગુણો પ્રત્યેનો પ્રશંસાનો પરિણામ કેવો હોય ? તે બતાવ્યું. હવે તે બતાવીને ગુણહીન પ્રત્યે લેશ પણ પ્રતિબંધ કેમ થતો નથી? તે ગાથા-૧૨૬ થી ૧૨૮માં બતાવે છે –
ગાથા :
परगुणगहणावेसो, भावचरित्तिस्स जह भवे पवरो । दोसलवेण वि निअए जहा गुणे निग्गुणे गुणइ ॥१२६॥ परगुणग्रहणावेशो भावचरित्रिणो यथा भवेत्प्रवरः ।।
दोषलवेनापि निजकान् यथा गुणान् निर्गुणान् गुणयति ॥१२६।। ગાથાર્થ :
જે કારણથી ભાવચારિત્રીને પારકાના ગુણ ગ્રહણ કરવાનો આવેશ પ્રવર હોય છે=પ્રકૃષ્ટ હોય છે, (અને) જે કારણથી દોષલવથી પણ પોતાના ગુણને નિર્ગુણ જાણે છે, (તે કારણથી શું ? તે આગળની ગાથામાં બતાવશે). II૧૨બ્રા ભાવાર્થ :- પરના ગુણવિષયક અને પોતાના દોષવિષયક સાધુની ઉચિત આચરણા :
ભાવચારિત્રી મોક્ષનો અર્થી છે અને મોક્ષના ઉપાયભૂત ગુણો પ્રત્યે તેને બદ્ધ રાગ છે, તેથી શક્તિના પ્રકર્ષથી ગુણવૃદ્ધિ માટે યત્ન કરે છે. ગુણવૃદ્ધિ માટે જેમ અનુષ્ઠાન કારણ છે તેમ પરગત રહેલા ગુણોનો રાગ પણ કારણ છે. તેથી ભાવચારિત્રીને પારકાના ગુણોને ગ્રહણ કરવાનો પરિણામ પ્રકર્ષવાળો હોય છે.
વળી, મોક્ષની પ્રાપ્તિમાં દોષો પ્રતિબંધક છે. આથી મોક્ષના અર્થી એવા ભાવસાધુ પોતાનામાં થોડાક પણ દોષ દેખાય તો પોતાનામાં જે અન્ય ગુણો રહેલા છે તેને પણ નિર્ગુણ જાણે છે અર્થાત્ તે વિચારે છે કે પોતાનો શાસ્ત્રઅભ્યાસ, મોક્ષની ઇચ્છા આદિ સર્વ ગુણો નિરર્થક છે; કેમ કે શાસ્ત્રનો અભ્યાસ દોષ કાઢવા માટે સમર્થ છે, છતાં તે શાસ્ત્રઅભ્યાસથી મારામાં રહેલા દોષો હું કાઢી શકતો નથી. તેથી મારો શાસ્ત્રઅભ્યાસ નિરર્થક છે. વળી, મારી મોક્ષની ઇચ્છા પણ નિરર્થક છે; કેમ કે મોક્ષની ઇચ્છા હંમેશાં દોષોના ઉચ્છેદમાં યત્ન કરાવે છે, જ્યારે મારામાં હજુ દોષો વર્તે છે, તે બતાવે છે કે મારામાં મોક્ષની ઈચ્છા પારમાર્થિક નથી. આ રીતે ભાવચારિત્રી પોતાનામાં રહેલા ગુણોને પણ અસાર ગણીને તેને સારભૂત કરવા માટે પોતાનામાં વર્તતા અલ્પદોષનો પણ ઉચ્છેદ કરવા માટે બળ સંચિત કરે છે, અને તેના કારણે ભાવચારિત્રીને ગુણહીન પ્રત્યે પ્રતિબંધ થતો નથી, તે વાત આગળની ગાથામાં બતાવશે. ૧૨૬ll